આજે વિશ્વભરમાં અનેક સ્થળે ગુગલની સંખ્યાબંધ સેવાઓ પડી ભાંગી હતી જેમાં ખાસ કરીને ગુગલ ડૉક્સ અને ગુગલ શીટ્સ જેવી સેવાઓમાં વધારે સમસ્યા જણાઇ હતી.
વિશ્વભરમાંથી ગુગલ ડૉક્સ, ગુગલ ડ્રાઇવ, સ્લાઇડ્સ અને શીટ્સમાં સમસ્યાઓ સર્જાઇ રહી હોવાના અહેવાલો આવ્યા હતા. આજે સપ્તાહના કામકાજના પ્રથમ દિવસે જ આ ઓફિસ કામકાજમાં ઉપયોગી એપ્સમાં સમસ્યાઓ સર્જાઇ હતી. અમેરિકી ઇસ્ટ સમય પ્રમાણે સવારે ૯.૩૬ કલાકે સમસ્યાઓ શરૂ થઇ હતી. અમેરિકા ઉપરાંત યુકે, ચીન તથા અન્ય અનેક દેશોમાંથી આ એપ્સમાં સમસ્યાઓના અહેવાલ મળ્યા હતા.
આજે જ્યારે યુઝરો ગુગલ ડૉકસ પર નવુ ડોકયુમેન્ટ બનાવવા પ્રયાસ કરતા હતા ત્યારે એવો મેસેજ વાંચવા મળતો હતો કે પ્લીઝ ટ્રાય ટુ રિલોડીંગ ધીસ પેજ અથવા તો કમીંગ બેક ટુ ઇટ ઇન અ ફયુ મિનિટસ એવો મેસેજ વંચાતો હતો. ગુગલ વર્કપ્લેસ સ્ટેટસ ડેશબોર્ડ દર્શાવતું હતું કે ડ્રાઇવ અને શીટ્સમાં પણ સમસ્યાઓ હતી. કુલ કેટલા યુઝરોને આનાથી અસર થઇ તે જાણવા મળ્યું નથી પણ ડાઉનડિટેકટર વેબસાઇટ તેના આઉટેજ મેપમાં ન્યૂયોર્ક સિટી અને બોસ્ટન, મેસેચ્યુસેટ્સને લાલમાં દર્શાવતું હતું.