કોરોનાવાયરસનો રોગચાળો આપણી પાસેથી ઘણા બધા મહાનુભાવોને ઝૂંટવી ગયો અને તેમાં હાલમાં વધુ એક ઉમેરાયા સોલી સોરાબજી. આ સોજ્જા મજાના બાવાજી આમ તો ૯૧ વર્ષના હતા, પારસીઓ સામાન્ય રીતે લાંબુ જીવે છે અને તેઓ પણ લાંબુ જીવ્યા, ૯૧ વર્ષની વયે ગયા એટલે વહેલા ગયેલા તો કહેવાય નહીં, પરંતુ એક તંદુરસ્ત વિદ્વાનને આ રીતે ઉચકાઇ જતા જોઇને આઘાત તો લાગે જ. દેશના કાયદા અને ન્યાયના ક્ષેત્રમાં વર્ષોથી જે કેટલાક નામો બોલાયા કરતા હતા તેમાંનુ એક નામ હતું સોલી સોરાબજી. આ નામાંકિત કાયદાશાસ્ત્રી દેશના ભૂતપૂર્વ એટર્ની જનરલ પણ હતા. તેઓ અનેક જાણીતા કેસો લડ્યા હતા જેમાંનો એક કેશવાનંદ ભારતી કેસ તો ખૂબ જ જાણીતો છે. દેશના બીજા ક્રમના સૌથી ઊંચા નાગરિક સન્માન પદ્મવિભૂષણથી તેઓ સન્માનિત થયા હતા.
તેઓ માનવ અધિકારવાદી તરીકે પણ જાણીતા હતા. આ પીઢ પારસી ધારાશાસ્ત્રી કાયદાના ખેરખાં હતા અને ૧૯૮૯-૯૦ અને ત્યારબાદ ૧૯૯૮-૨૦૦૪ દરમ્યાન અનુક્રમે વી.પી. સિંહ અને અટલ બિહારી વાજપેયીની સરકારો દરમ્યાન દેશના એટર્ની જનરલ રહી ચુક્યા હતા. બંધારણીય કાયદાના શ્રેષ્ઠ નિષ્ણાતોમાંના એક તરીકે તેઓ જાણીતા હતા અને તેમણે કાયદા અને ન્યાય અંગે ઘણા પુસ્તકો પણ લખ્યા છે. પ્રેસ સેન્સરશીપ અને કટોકટી અંગે પણ તેમણે લખ્યું છે.
તેઓ માનવ અધિકાર અને મૂળભૂત અધિકારોના ભંગના બનાવો સામે જુસ્સાભેર લડતા હતા. તેમની આવી તાજેતરની જાણીતી લડત શ્રેયા સિંઘાલ કેસ હતો જેમાં ૨૦૧પમાં સુપ્રીમ કોર્ટ તેમની રજૂઆતો સાથે સંમત થઇ હતી અને ઓનલાઇન વાણી તથા અભવ્યક્તિ સ્વાતંત્ર્ય પર નિયંત્રણોને લગતી ઇન્ફર્મેશન ટેકનોલોજી એક્ટની એક જોગવાઇ રદ કરી હતી. આટલી ઉંચાઇએ પહોંચ્યા પછી પણ કચડાયેલા વર્ગની સતત ખેવના રાખવી એ હંમેશા સરળ હોતું નથી, પણ સોરાબજીએ આવી ખેવના રાખી બતાવી હતી. હવે ફક્ત એટલું કહી શકાય કે ન્યાય અને કાયદા તથા માનવ અધિકાર ક્ષેત્રનો એક ઝળહળતો તારલો ખરી પડ્યો છે, અલબત્ત, ઘણા લાંબા સમય સુધી પ્રકાશિત રહીને. અલવિદા સોલી સોરાબજી.