Entertainment

અલવિદા…મનોજ ‘ભારત’ કુમાર…

ભારત કા રહનેવાલા હૂં,ભારત કી બાત સૂનાતા હું…

લાેકોએ જેમને ભારતકુમાર કહીં પ્રેમ આપ્યો તે મનોજકુમાર જે મૂળ હરિકૃષ્ણ ગિરી ગોસ્વામી હતા તેમણે ચોથી એપ્રિલે વિદાય લીધી. ઇસ ધરતી પે મેંને જનમ લીયા ઇસ બાત મે મેં ઇતરાતા હું, ભારત કા રહનેવાલા હૂં ભારત કી બાત સૂનાતા હું… નો ભાવ આ ભારતકુમારનો સિનેમા મંત્ર હતો. મનોજકુમારનાં ભારત કુમારની ચેતના ભગત સિંહે ભરી હતી. 1965માં રજૂ થયેલી શહીદ ફિલ્મમાં તેઓ પૂર્ણપણે ખોવાયેલા રહ્યા. સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ, એ વતન એ વતન હમકો તેરી કસમ, તેરી રાહ મેં હમ જાં તક બિછા જાયેંગે, મેરા રંગ દે બસંતી ચોલા ગાતી વેળાના મનોજકુમારને જોશો તો અનુભવાશે કે ભારતકુમારનો જન્મ થઇ ગયો છે. ભારતની આઝાદી પછીનું ભારત ઓળખવા જો રાજકપૂરની આવારા, શ્રી 420, બિમલ રોયની દો બીઘાં જમીનની જરૂર છે તો આઝાદીના 20 વર્ષમાં જ ભારતની દશા શું થઇ છે અને લોકોનું તેમજ ભારતનું ચરિત્ર કેટલું બદલાયું છે તે સમજવા ‘ઉપકાર’ની જરૂર છે. ઉપકારમાં તેમણે પહેલી વખત ભારત નામ ધારણ કર્યું. મનોજકુમાર આજના પાકિસ્તાનનાં અબોટાબાદમાં જન્મેલા એટલે ભાગલા પછી વતન ગુમાવનારા દિલીપકુમાર, રાજકપૂર, રાજેન્દ્રકુમાર, સુનીલદત્ત, બી.આર. ચોપરા, બલરાજ સાહની વગેરે પૈકીનાં એક હતા. દેશની આઝાદી શું હોય શકે અને પોતાનો દેશ કેવો હોવો જોઇએ તેની દઝાડતી કલ્પના જ ભારતકુમારને જન્માવી શકે. બાકી 1967માં ઉપકાર બનાવ્યા પહેલાં તો તેઓ હરિયાલી ઔર રાસ્તા, ગૃહસ્થી, વો કૌન થી, હિમાલય કી ગોદ મેં, દો બદન પ્રકારની મનોરંજનક ફિલ્મોનાં જ હીરો હતા. ત્યારે તેઓ જે ફિલ્મો બનતી તેમાં હતા અને પોપ્યુલર સ્ટાર તરીકે કમાણી કરવાનો જ ઇરાદો હતો. પણ સતત શીખતા રહેવાનો તેમનો મિજાજ હતો અને મુંબઇ આવી રેલવે પ્લેટફોમ પર પણ સૂતા હોય તેનામાં સાહસ તો હોય જ અને ઉપકારના નિર્માતા-દિગ્દર્શક-લેખક-સંપાદક બન્યા. કથા-પટકથા પર મજબૂત પકડ અને યાદગાર પાત્રો સર્જવાની શક્તિના પરિણામે એ ફિલ્મથી ભારત તરીકે યાદગાર બન્યા. કયા પાત્રમાં કોણ અભિનય કરશે તે નક્કી કરવામાં પણ તેઓ એકદમ પર્ફેક્ટ હતા. પૂરબ ઔર પશ્ચિમમાં તેમણે સાયરાબાનુ જ જોઇતા હતા તો દિલીપકુમારને વિનંતી કરીને કાસ્ટ કરેલા. સામાન્યપણે તેમની ફિલ્મોમાં જ કલાકારો હોય તે કાયમી બનતા. વિશેષ કરીને ચરિત્ર કલાકારો પ્રાણ, કામિની કૌશલ, પ્રેમ ચોપરા, મનમોહન, મનોજકુમાર દિગ્દર્શક તરીકે કેટલા સજ્જ થઇ ચુક્યા હતા કે પહેલી જ ફિલ્મ જૂદા વિઝન સાથે બનાવી અને પ્રચંડ સફળતા મેળવી.
મનોજકુમાર માટે રાષ્ટ્રપ્રેમ ફક્ત મનોરંજનનું તત્ત્વ ન હતું બલ્કે એક વિઝન હતું અને વિવેકાનંદે જેમ વિદેશ જઇ એક ભારતની ઓળખ અપાવેલી એજ રીતે આઝાદી પછીના ભારતની મર્યાદા ગણાવવા સાથે ભારતની સંસ્કૃતિ, સંસ્કાર શું છે તે તેમણે સગૌરવ પૂરબ ઔર પશ્ચિમમાં ઓળખાવ્યા. આજે લોકો એન.આર.આઇ.ની વાત કરે છે પણ પરદા પર તેને પહેલીવાર લાવ્યા અને પોતાની વાત કહેવા લાવ્યા હોય તો તે ફિલ્મમાં કુટુંબકથાની પ્રેમની અને તેના સંઘર્ષની કથા રસપ્રદ રીતે ગુંથી લેતા. આ કારણે સામાન્ય માણસને ફેમિલી ઓડિયન્સને પણ તેમાં રસ પડતો. પોતાની ફિલ્મમાં બે હીરોઇન હોવી જોઇએ અને પ્રણયત્રિકોણ સર્જવો જોઇએ તે તેમણે પૂરબ ઔર પશ્ચિમથી અપનાવ્યું અને શોર, રોટી કપડા ઔર મકાનમાં પણ પ્રણય ત્રિકોણ છે. કમાલ એ હતી કે આ બધા કથારસની ઉપર રાષ્ટ્રપ્રેમ રહેતો. પૂરબ ઔર પશ્ચિમમાં દેશના ભાગલા સમયથી વાત શરૂ કરી. પશ્ચિમી દેશોની અને ત્યાંના સંસ્કારની મર્યાદા સામે ભારત અને તેના સંસ્કાર મુકી આપે છે. મનોજકુમારના સ્ક્રિપ્ટ રાઇટીંગ ક્રાફ્ટનો અભ્યાસ થઇ શકે. ઉપકારમાં જય જવાન જય કિસાન જેવા લાલબહાદુર શાસ્ત્રીએ આપેલા સૂત્રને ફિલ્મમાં જે રીતે વણી લીધું તે કમાલ હતું. મનોજકુમાર ભારત તરીકેની ઓળખ પામ્યા પછી ફિલ્મોમાં હીરોઇનનો સ્પર્શ કરવાથી પણ દૂર રહ્યા. યાદગાર, પહેચાન, બલિદાન, બેઇમાન, સન્યાસી ફિલ્મ તમે જુઓ તો તેમાં ભારત નામ નથી. તેઓ પોતાની ફિલ્મમાં જ આ નામનો ઉપયોગ કરતા અને શોર પોતાની જ ફિલ્મ છે તો પણ તેમાં ભારત નહીં શંકર નામ રાખેલું કારણ કે તેમાં શંકરની જિંદગીની જૂદી કથા છે.
મુખ્ય વાત એ કે તેઓ કથા-પટકથા જ નહીં ઉત્તમ ગીત-સંગીત વડે ફિલ્મને લોકપ્રિય બનાવતા. મુકેશ અને મહેન્દ્ર કપૂર તેમના મુખ્ય અવાજ બનેલા અને દેશપ્રેમનાં ગીતોમાં મહેન્દ્રકપૂરનો પ્રભાવક અવાજ તેમના સિવાય કોઇએ નથી યોજ્યો. પૂરબ ઔર પશ્ચિમથી તેમના ગીતકારોની યાદીમાં સંતોષ આનંદ ઉમેરાયા. એ ફિલ્મમાં પૂર્વા સુહાની આયી રે ગીત તેમણે લખ્યું અને શોરમાં એક પ્યાર કા નગમા હૈ લખ્યું અને રોટી કપડા ઔર મકાનમાં હાય હાય યે મજબૂરી અને મહેગાઇ માર ગઇ તેમના લખેલા છે. મનોજકુમાર સ્વયં પણ ગીત લખતા. હકકીતે ફિલ્મના દરેક પાસા માટેની સજ્જતા હતી અને ફિલ્મના બજારને પણ તેઓ બરાબર સમજતા. ફિલ્મની કમાણીમાંથી તેમણે જૂહુ વિસ્તારમાં બે મોટા ગોસ્વામી ટાવર બનાવેલા. તેઓ જાણતા કે ફિલ્મકારની પાછલી જિંદગી ખરાબ રીતે વીતતી હોય છે જો યોગ્ય રીતે રોકાણ ન કરો તો કોઇ ન પૂછે. ભારત મનોજકુમાર ઉપકાર, પૂરબ ઔર પશ્ચિમ રોટી કપડા ઔર મકાન અને ક્રાંતિના કારણે ભારતીય સિનેમાના ઇતિહાસમાં યાદગાર બની ગયા છે. છેલ્લે ધ પેટ્રિઅટ નામે ફિલ્મ બનાવતા હતા પણ નહોતી બની પણ તે પહેલા દિલીપકુમારને લઇ બનાવેલી ક્રાંતિ તેમની મેજર ફિલ્મ છે. તેઓ સાઇબાબાના ભકત હતા અને તેમણે શીરડી કે સાઇબાબા બનાવી પછી શીરડી એક યાત્રા સ્થળ તરીકે ખૂબ જ વ્યસ્ત બની ગયુ હતુ. મનોજકુમારના વ્યક્તિત્વની એક ખાસ વાત પણ નોંધવા જોઇએ કે અનેક હીરોઇનો સાથે કામ કરવા છતાં કોઇ સાથે તેમના પત્ની શશી ગોસ્વામીને ખૂબ પ્રેમ કરતા અને આદર આપતા. દરેક ફિલ્મની કથા-વાર્તા તેમની સાથે ચર્ચતા. મનોજકુમારે પોતાના દિકરા કૃણાલ ગોસ્વામીને ફિલ્મોમાં લાવવા પ્રયત્ન કર્યો પણ તે સફળ ન રહ્યો.
પદ્મશ્રી અને 20015માં દાદાસાહેબ ફાળકે પુરસ્કારનું સન્માન પામનાર મનોજકુમાર ભારતીય જનતા પક્ષમાં જોડાયેલા પણ ચૂંટણી નથી લડ્યા.
મનોજકુમાર એક વિઝનરી નિર્માતા-દિગ્દર્શક-અભિનેતા હતા અને ભારતીય જનતા પક્ષે જે રાષ્ટ્રવાદનો ધ્વજ હાથમાં લીધો તેનાથી પહેલાં ફિલ્મમાં ધ્વજ ફરકાવ્યો છે. તેમના માટે ફિલ્મોનું મહત્ત્વ વ્યવસાયથી વધુ હતું. જબ ઝીરો દીયા મેરે ભારતને દુનિયા કો તબ ગીનતી આયી… ગાનારા મનોજકુમાર ઠેઠ ભારતીય ગણિયજ્ઞ આર્યભટ્ટ (ઇ.સ. પૂર્વે 500 વર્ષ)ને યાદ કરી ભારતીય જ્ઞાન પરંપરાનો મહિમા કરે છે. જીતે હૈ કિસીને દેશ તો કયા હમને દિલોં કો જીતા હૈ… ગાય ત્યારે અનેક દેશો જીતનાર બ્રિટનને જવાબ આપે છે. તમે મનોજકુમાર પર ફિલ્માવાયેલા રાષ્ટ્રપ્રેમના ગીતોની અલગ યાદી બનાવજો આ દેશને કઇ રીતે ચાહવો જોઇએ તે સમજાશે. •

Most Popular

To Top