આજકાલ બાળકીઓ સાથે ખોટું કામ વધવા પામતાં એમને ગુડ ટચ તથા બેડ ટચની તાલીમ અપાય છે. મહિલાઓમાં કુદરતે છઠ્ઠી ઇન્દ્રિયના ભાગ રૂપે ગુડ ટચ, બેડ ટચની સમજ મૂકી જ છે. વ્યવસાયી મહિલાઓને વારંવાર મુસાફરી કરવી પડે છે. મુસાફરી દરમિયાન રેલવે, બસ કે ઓટોમાં પુરુષો સાથે લોકલ પેસેન્જર તરીકે મુસાફરી કરવી પડે છે. આ દરમિયાન જો પુરુષનો બિનઇરાદાપૂર્વકનો સ્પર્શ મહિલાને થાય તો તે સહજપણે લ્યે છે. પણ ઇરાદાપૂર્વકનો ખોટો સ્પર્શ થતાં જ તે સતેજ થઇ જાય છે તથા તેનો વિરોધ કરે છે. ટ્રેનની ભીડભાડ, બસ અને ઓટોમાં ઊભા રહેવા કે બાજુમાં બેસવા દરમિયાન મહિલા બેડ ટચને ઓળખી લેતાં તે વિરોધ કરે છે.
પુરુષોને લગોલગ ટચ ન થાય અને બંનેના શારીરિક ભાગો વચ્ચે યોગ્ય ડિસ્ટન્સ રહે એવો અનુરોધ કરે છે ત્યારે પુરુષો આવી મહિલાઓને ધમકાવીને ખાનગી વાહનમાં મુસાફરી કરવાની સુફિયાણી સલાહ આપે છે. મહિલા વ્યવસાય કે નોકરી અર્થે ઘરનો ઉંબરો ઓળંગે એટલે તેણે બેડ ટચ ચૂપચાપ સહન કરી લેવાના? ખાનગી વાહનો જેટલી આર્થિક ક્ષમતા ન હોય તો ઘરે બેસવાનું? રાત્રીના સમયે આવા બેડ ટચના અનુભવો વધુ થાય છે. અન્યત્ર સીટો ખાલી હોવા છતાં પુરુષો મહિલાઓની બાજુમાં જ જગ્યા શોધી બેસે છે. આવા સંજોગોમાં કાયદો મહિલાઓની સુરક્ષા કાજે ઘટતાં પગલાં લ્યે, નિયમો ઘડે એ ઇચ્છનીય છે.
મહિલાના વિરોધ પર પુરુષોએ યોગ્ય ડિસ્ટન્સ રાખી શારીરિક સ્પર્શ ન થાય એ રીતે જ બેસવું એવો કાયદો અનિવાર્ય છે. જાહેર સ્થળે, જાહેર પરિવહન સંસાધનોમાં મુસાફરી દરમિયાન બિભત્સ ફિલ્મી ગીતો જોરજોરથી વગાડી ઇન્ડાયરેકટલી મહિલાઓની છેડતી કરવામાં આવી રહી છે. દરેકને દરેક પ્રકારનું સંગત પસંદ ન પણ હોય. જાહેર સંસાધનમાં મુસાફરી કરવાની સજા રૂપે શું અવાજ પ્રદૂષણનો અત્યાચાર સહેવો? પાંચ પચ્ચીસ હજારનો મોબાઇલ વસાવતાં લોકો પચાસ રૂપિયાની કિંમત હેડફોન ન વસાવી શકે? બળજબરીપૂર્વક ઘોંઘાટિયું સંગીત વગાડી મહિલાઓ, વૃદ્ધો બિમારોને માનસિક ત્રાસ આપવું એ ગુનો ગણાવો જ જોઇએ.
આવી પ્રવૃત્તિ પર રોક લગાવવા કાયદો ઘડવો અનિવાર્ય છે. બસમાં ડ્રાઇવર સાહેબો ઊંઘ ભગાડવા ચોક્કસ સંગીત સાંભળે, પણ કાનમાં હેડફોન લગાડીને. કોઇ રોકતું નથી. પણ રાત્રી દરમિયાન મુસાફરોની ઊંઘ અને આરામમાં ખલેલ પડે, માથાના દુખાવાનું કારણ બને એ હદે સંગીત વગાડવાનો એમને પણ હક્ક નથી જ. આશા રાખું છું બંને સંગીત મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી ઘટતાં પગલાંઓ લેવામાં આવે.
નવસારી- સાજીદા મોહંમદ છીપકાવાલા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.