Charchapatra

સોક્રેટીસના સદ્‌વિચારો

સોક્રેટીસ (ઇ.સ. પૂર્વે 470-399) ગ્રીસનો મહાન ફિલસૂફ હતો. તે વેસ્ટર્ન ફિલોસોફીનો પિતા કહેવાય છે. પિતાનું નામ સોફોનિસ્કસ અને માતાનું નામ ફિનારીટ હતું. તેને બે પત્નીઓ હતી. ઝેન્થીપી અને મીતો. તેને ત્રણ દીકરાઓ હતા. તે ઘણી વખત કહેતા કે હું બહુ બુધ્ધિશાળી છું કારણ કે હું જાણું છું હું કશું જ જાણતો નથી. (All that i know is that i know nothing) જાણવું એટલે એ સમજી લેવું કે મને કશી જ ખબર નથી. આ જ જ્ઞાનનો મર્મ છે! જ્ઞાન એ જ જીવનનું સર્વસ્વ છે. જ્ઞાન વિભાવનાઓનું બનેલું હોય છે. જ્ઞાન એ છે, જેના વડે મનુષ્ય પોતાની જાતને ઓળખી શકે છે. આવું જ્ઞાન સદ્‌ગુણી જીવન જીવવાથી જ મેળવી શકાય છે.

જીવન જીવવાની સૌથી મહાન રીત આ જ છે. તમે જે હોવાનો દંભ દેખાડો કરો છો તે પ્રમાણે ખરેખર જીવી બતાવો. જીવનની નહિ, પણ ઉચ્ચ જીવનની કદાર કરવાની છે. જીવવું મહત્ત્વનું નથી, પણ સાચી રીતે જીવવું મહત્ત્વનું છે. જીવનને બહેતર બનાવવું છે? તો મહાપુરુષોએ તથા સફળ અને ઊંચું જીવન જીવનારી વ્યકિતઓએ લખેલા કે એમના વિશે લખાયેલાં પુસ્તકો વાંચો, એમના અનુભવોમાંથી શીખો. બોધપાઠ મેળવવા મહાપુરુષોએ જે સંઘર્ષ કરવો પડયો હતો કે ભોગ આપવો પડયો હતો તેમાંથી તમે બચી જશો. સોક્રેટીસ કહે છે કે કોઇ પણ મનુષ્ય માટે પરીક્ષણ થયા વગરની જિંદગી જીવવા જેવી હોતી નથી. જીવન પર સતત નજર રહેવી જોઇએ.

જીવનનું સતત પરીક્ષણ થવું જોઇએ. તેની પત્ની ખૂબ કજીયાળી હતી. તે પત્ની માટે કહે છે કે જો તમને સારી પત્ની મળે તો તમે સુખી જીવન જીવી શકો છો. પણ જો ખરાબ પત્ની મળે તો તમે ફીલોસોફર બનો છો! તેમનો અંત બહુ જ કરુણ હતો. તેમના પર બે આરોપો મૂકવામાં આવ્યા હતા. એક તો રોમન લોકોના દેવળનું અપમાન કરવા અંગે અને બીજો આરોપ હતો તે એથેન્સના યુવાનોને તેના વિચારો દ્વારા ભરમાવી રહ્યો છે. આ આરોપો માટે તેને જેલમાં ઝેરનો પ્યાલો પીવડાવવામાં આવ્યો હતો. કમનસીબી એ જ છે કે બધા જ મહાન પુરુષોના અંત કરુણ જ હોય છે! એવું કેમ હશે?
સુરત – ડો. કિરીટ એન. ડુમસિયા- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top