Columns

ગુડ ઑર્ગેનાઇઝેશનમાંથી ગ્રેટ ઑર્ગેનાઇઝેશન કેવી રીતે બની શકાય?

સમય બદલાઈ રહ્યો છે. છેલ્લાં કેટલાંય વર્ષોથી ભારતીય ઇકોનોમી માટે સારો સમય રહ્યો છે. ભારતીય બજારનાં નિરાશાનાં વાદળો ધીમે ધીમે હટી રહ્યાં છે. દેશની કંપનીઓ, જે કપરા કાળમાંથી પસાર થઈ રહી હતી તે હવે ધીમે ધીમે સારું વાતાવરણ અને સારા દિવસો જોઈ રહી છે. ટૂંકમાં ઘણા લાંબા સમય પછી ભારતીય અર્થતંત્ર બેઠું થઈ રહ્યું છે. આવા સમયે એક સારા ઑર્ગેનાઇઝેશને Good Companyમાંથી Great Company બનવાની ઉત્તમ તક બની રહી છે. સારી સંસ્થા કે ઑર્ગેનાઇઝેશન હવે માનતી થઈ ગઈ છે કે અમુક પ્રયત્નોમાં નિષ્ફળ જવાનો અર્થ એ નથી કે તમે ફરી ક્યારેય જીતી શકવાના નથી. સારા ઑર્ગેનાઇઝેશને તેમણે કરેલા યશ કે અપયશ કરતાં તેમની નિષ્ઠા અને ધ્યેયને વળગી રહેવાથી સારી શાખ જાળવી રાખી છે. સંસ્થાનું મૅનેજમૅન્ટ કામ પ્રત્યે કેવું વલણ દાખવે છે  તેના ઉપરથી સંસ્થાની દિશા નક્કી થાય છે. જો સંસ્થાનું લક્ષ્ય ઉત્તમ ઑર્ગેનાઇઝેશન બનવાનું હોય તો કર્મચારીઓમાં આનંદ, ઉત્સાહ અને સંતોષની લાગણીઓ જળવાઈ રહે છે.

Good to Great Company કેવી રીતે બની શકાય તે માટે વિશ્વના પ્રખ્યાત મૅનેજમૅન્ટ ગુરુ અને લેખક ‘જીમ કોલીન્સે’ લગભગ 500થી વધારે ઑર્ગેનાઇઝેશન્સનો અભ્યાસ કર્યો અને તેમાંથી એકદમ ચુસ્ત અને જટિલ પ્રક્રિયાઓના અભ્યાસથી માત્ર 11 કંપનીઓ તેમણે તારવી, પસંદ કરી અને તેમનો અભ્યાસ કર્યો. જીમ કોલીન્સના મત મુજબ આ 11 કંપનીઓએ તેમની સંસ્થામાં અલગ જ વાતાવરણ ઊભું કરી, સારીથી ઉત્તમ સંસ્થામાં સ્થાન મેળવ્યું છે. જીમ કોલીન્સના અભ્યાસનાં તારણો ઉપરથી આપણે શીખી શકીએ કે ગુડ ઑર્ગેનાઇઝેશનમાંથી ગ્રેટ ઑર્ગેનાઇઝેશન કેવી રીતે બની શકાય. ચાલો નીચેના મુદ્દાઓ જોઈએ.

  • ગુડ ઑર્ગેનાઇઝેશનમાંથી ગ્રેટ ઑર્ગેનાઇઝેશન બનવું હોય તો ત્રણ બહુ સરળ પણ અતિ મહત્ત્વની બાબત ઉપર ધ્યાન રાખવું પડે.
  • (1) તમારી સંસ્થાનું છેલ્લું લક્ષ્ય શું છે? (2) તમારી સંસ્થામાં એવું શું બેસ્ટ છે કે જે તમે વિશ્વને આપી શકો અને (3) તમારી સંસ્થામાં એવું કયું તત્ત્વ કે બાબત છે જે તમને સતત નફો કરાવતું હોય.
  • જીમ કોલીન્સના મતે ઑર્ગેનાઇઝેશને સ્ટ્રેટેજી, ગોલ કે વિઝન પર વધુ ધ્યાન આપવાને બદલે તમારી સંસ્થામાં એવું કંઈક શોધી નાખો કે જેનું અનુકરણ કરવાથી સંસ્થાનો વિકાસ અને નફો લાંબા ગાળા સમય સુધી જળવાઈ રહે. કહેવાનું તાત્પર્ય છે કે બીજી બાબતો કરતાં પોતામાં શું શ્રેષ્ઠ છે, જો તમે આટલું જાણી લો અને જે શ્રેષ્ઠ છે તે દુનિયાને આપો. જો તમે આમ કરી શકશો તો તમારી શ્રેષ્ઠતાની તાકાત પર દુનિયા તમને હરાવી શકશે નહીં.
  • જો તમે તમારા વ્યવસાયના ક્ષેત્રમાં શ્રેષ્ઠતા ન બતાવી શકો તો સમજી લેવું તમે ગ્રેટ ઑર્ગેનાઇઝેશન તરીકે કદાપિ પ્રસ્થાપિત નહીં થઈ શકો. આથી તમારા વ્યવસાયના ક્ષેત્રમાં શ્રેષ્ઠતા લાવવી એ જ તમારી સંસ્થાનું પ્રાથમિક લક્ષ્ય હોવું જોઈએ.
  • જો તમે ‘બેસ્ટ ઇન ધ વર્લ્ડ’ પ્રોડક્શન ન આપી શકો તો ગ્રેટ ઑર્ગેનાઇઝેશન બનવાનાં સપનાં જોવાનું છોડી દો. દુનિયાને તમે શ્રેષ્ઠમાંથી શ્રેષ્ઠ પ્રોડક્શન આપી શકો તો તમારી સંસ્થા માત્ર સારા ઑર્ગેનાઇઝેશનની શ્રેણીમાં આવી શકે, નહીં કે મહાન ઑર્ગેનાઇઝેશનની ગણનામાં.
  • ગુડ ટુ ગ્રેટ બનવા માટે બજાર અને હરીફાઈમાં ધ્યાન આપવાની જગ્યાએ વધુ ધ્યાન એવી જગ્યાએ આપો કે જ્યાંથી તમારી સંસ્થામાં પ્રૉફિટનો અવિરત પ્રવાહ જળવાઈ રહે. જો સંસ્થા પ્રૉફિટ કરતી હશે તો જ સંસ્થામાં સારું વાતાવરણ અને માનવસંસાધન વિકાસનાં યોગ્ય કામ થશે.
  • શ્રેષ્ઠ કંપની બનાવવા માટે એક વધુ મહત્ત્વની બાબત : ગળાકાપ હરીફાઈને કારણે ન જોઈતા ‘જોઇન્ટ વેન્ચર’ કરવા નહીં, તમારા વ્યવસાયમાં ફિટ ન બેસે તેવું કોઈ પણ ધંધાકીય કદમ ઉઠાવવું નહીં. તેનાથી તમારી સમગ્ર શક્તિ નહીં જોઈતી બાબતો પર વધારે કેન્દ્રિત થશે અને તમારા મુખ્ય વ્યવસાયને મોટો ફટકો પડશે. જો તમારે ફોકસ અને તમારા વ્યવસાયમાં તમારી કામગીરી જેમાં તમે નિષ્ણાત છો તેમાં વધારે ધ્યાન રાખવું હોય તો ‘બહુ મોટી તકોને’ પણ નકારતાં શીખવું પડશે. આ થોડું વિચિત્ર લાગે છે પરંતુ તમારી શ્રેષ્ઠતાના વિકાસ અને જ્યાં તમે નિષ્ણાત છો તે બાબત પર વધુ ધ્યાન આપવા માટે તમારે આવું કરવું પડશે.
  • જ્યારે તમારી સંસ્થામાં નાણાંવિતરણ એટલે કે બજેટની પ્રક્રિયા ચાલુ હોય ત્યારે કયાં નાણાં વાપરવા એના કરતાં ક્યાંથી નાણાં વધુ આવી શકે તે બાબત ઉપર વધુ ભાર મૂકવો. અહીં આપેલાં સૂચનો અજમાવી જુઓ. કદાચ તેમાંથી થોડાં સૂચનો તમને ઉપયોગી થઈ શકે, જે તમારા ઑર્ગેનાઇઝેશનને ગુડ ટુ ગ્રેટની સફર તય કરવામાં મદદ કરી શકે.
    ubhavesh@hotmail.com

Most Popular

To Top