Gujarat

હોમગાર્ડ માટે ખુશ ખબર, ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય

ગુજરાત રાજ્યમાં ફરજ બજાવતા હોમગાર્ડ માટે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. હોમગાર્ડની નિવૃત્તિ વયમર્યાદામાં વધારો કરાયો છે. હવે હોમગાર્ડ 55 વર્ષના બદલે 58 વર્ષે નિવૃત્તિ લઈ શકશે.

રાજ્યમાં આંતરિક સુરક્ષા, કાયદો વ્યવસ્થા અને ઈમરજન્સીની સ્થિતિમાં પોલીસ વિભાગને મદદરૂપ બનતા હજારો હોમગાર્ડ જવાનો માટે રાજ્ય સરકારે આજે મહત્ત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. અત્યાર સુધી હોમગાર્ડ જવાનોની નિવૃત્તિની વયમર્યાદા 55 વર્ષ હતી, તેમાં 3 વર્ષનો વધારો કરાયો છે. હવે હોમગાર્ડ જવાનો 58 વર્ષની ઉંમરે રિટાયર થશે. એટલે કે હોમગાર્ડ ત્રણ વર્ષ વધુ ફરજ બજાવી શકશે.

રાજયના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે આ મહત્ત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો હતો. રાજ્ય સરકારે મુંબઈ હોમગાર્ડ્ઝ રૂલ્સ, 1953ના નિયમ 9માં આ અંગે સુધારો કરવા નિર્ણય કર્યો છે.

નાયબ મુખ્યમંત્રી સંઘવીએ આ પ્રસંગે જણાવ્યું કે, રાજ્યમાં હોમગાર્ડ પોલીસના પૂરક બળ તરીકે ઉત્તમ સેવા આપી રહ્યાં છે. હોમગાર્ડ્ઝના જવાનો માનદ્દ સેવા આપીને ચૂંટણી બંદોબસ્ત, ટ્રાફિક ફરજ, નાઈટ પેટ્રોલિંગ, વીઆઈપી બંદોબસ્ત, ધાર્મિક-મેળા બંદોબસ્ત સહિતની ફરજો ખંતપૂર્વક નિભાવે છે. આ નિર્ણયથી હોમગાર્ડઝમાં રાષ્ટ્ર સેવા માટેનો જુસ્સો વધશે. તેઓને ત્રણ વર્ષ વધુ રાષ્ટ્ર અને સમાજની સેવાની તક મળશે. તેઓ વધુ સારી રીતે પોતાની કૌટુંબિક અને સામાજિક જવાબદારી નિભાવી શકશે.

નોંધનીય છે કે રાજ્યમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા જવાનોને 2022 પહેલાં પ્રતિદિન 300 રૂપિયાનું માનદ્ વેતન મળતું હતું. ગઈ તા. 31 નવેમ્બર 2022ના રોજ રાજ્ય સરકારે હોમગાર્ડના વેતનમાં 50 ટકાનો વધારો કરી પ્રતિદિન રૂપિયા 450 કર્યો હતો.

Most Popular

To Top