નવી દિલ્હી: કેન્દ્રીય કર્મચારીઓ (Central Employee) માટે સરકાર ટૂંક સમયમાં એક મોટી ખુશ ખબર આપી શકે છે. ડીએમાં (DA) વધારાની માંગ પૂરી થયા બાદ હવે ફિટમેન્ટ ફેક્ટરનો (Fitment Factor) વારો છે. કેન્દ્રીય કર્મચારીઓ તેને વધારવા માટે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા, પરંતુ હવે લાગે છે કે આ રાહનો અંત આવવાનો છે. અગાઉ નવા નાણાકીય વર્ષની શરૂઆતમાં તેમાં વધારો થવાની ધારણા હતી, પરંતુ તેમ થયું ન હતું. હવે જ્યારે કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં વધારાની ભેટ મળી છે, ત્યારે ફિટમેન્ટમાં પણ વધારો થવાની આશા વધી છે.
વધારીને 3.68% કરવાની માંગ કરાઈ
કેન્દ્ર સરકારના કર્મચારીઓનો પગાર નક્કી કરવામાં ફિટમેન્ટ ફેક્ટર મહત્વની ભૂમિકા ભજવે છે. જો તેમાં વધારો કરવામાં આવે તો પગારમાં મોટો વધારો થઈ શકે છે. કેન્દ્રીય કર્મચારીઓ તેને વધારીને 3.68 ગણા કરવાની લાંબા સમયથી માંગ કરી રહ્યા છે. નોંધનીય છે કે હાલમાં ફિટમેન્ટ ફેક્ટર 2.57 ગણું નક્કી કરવામાં આવ્યું છે. મળતી માહિતી અનુસાર, વર્ષ 2022ના અંત પહેલા સરકાર આ અંગે મોટો નિર્ણય લઈ શકે છે. જો કે કેન્દ્ર સરકાર દ્વારા હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કે ટિપ્પણી કરવામાં આવી નથી.
ફિટમેન્ટ ફેક્ટરથી પગારમાં થઈ શકે છે આટલો વધારો
જો કેન્દ્રીય કર્મચારીઓને આપવામાં આવતા ફિટમેન્ટ ફેક્ટરમાં વધારો કરવામાં આવે છે, તો તે DA વધારા પછી સરકાર તરફથી બીજી મોટી ભેટ હશે. કર્મચારીઓના પગારમાં આ ફિટમેન્ટ ફેક્ટરની ભૂમિકા વિશે વાત કરીએ તો, 7મા પગાર પંચની ભલામણો અનુસાર, કેન્દ્રીય કર્મચારીઓનો પગાર ભથ્થાં સિવાય તેમના બેઝ પે અને ફિટમેન્ટ ફેક્ટરના આધારે નક્કી કરવામાં આવે છે. એટલે કે તેમાં વધારાને કારણે પગારમાં વધારો થવાનો જ છે.
છ વર્ષ પહેલાનો જ વધારો ચાલુ છે
સરકારે લગભગ છ વર્ષ પહેલા એટલે કે વર્ષ 2016માં કેન્દ્રીય કર્મચારીઓને આપવામાં આવતા ફિટમેન્ટ ફેક્ટરમાં 2.57 ગણો વધારો કર્યો હતો. 7મું પગાર પંચ પણ એ જ વર્ષે લાગુ કરવામાં આવ્યું હતું. આ વધારાને કારણે તે સમયે કર્મચારીઓનો લઘુત્તમ પગાર રૂ. 6000 થી સીધો રૂ. 18,000 થઇ ગયો હતો. હવે સરકાર આ વર્ષે ફરી કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં વધારો કરી શકે છે. જો તેમાં સંભવિત વધારો થશે તો લઘુત્તમ બેઝિક વેતન 18,000 રૂપિયાથી વધીને 26,000 રૂપિયા થઈ જશે.
પગાર આમ ને આમ આટલો વધશે
હાલમાં કેન્દ્રીય કર્મચારીઓને જે ફિટમેન્ટ ફેક્ટર મળી રહ્યું છે તે 2.57 ગણું છે. તેના આધારે લઘુત્તમ વેસિક પગાર 18000 રૂપિયા છે. હવે કર્મચારીઓની માંગ છે કે તેને વધારીને 3.68 ગણી કરવામાં આવે એટલે કે લઘુત્તમ બેઝિક પગાર વધારીને 26,000 કરવામાં આવે. જો આપણે અત્યારે ઉપલબ્ધ ફિટમેન્ટ ફેક્ટર પ્રમાણે પગારની ગણતરી કરીએ, તો જેનો પગાર રૂ. 18,000 છે, તો તેને અન્ય ભથ્થાં સિવાય 18,000 X 2.57 = રૂ. 46,260 મળે છે. બીજી તરફ, જો તેને વધારીને 3.68 કરવામાં આવે છે, તો કર્મચારીઓના અન્ય ભથ્થાને બાદ કરતાં, પગાર 26000 X 3.68 = 95,680 રૂપિયા થશે.