બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય અંગે છેલ્લા કેટલાક દિવસોથી ચાહકોમાં ચિંતા ફેલાઈ હતી. જોકે હવે તેમના સ્વાસ્થ્યમાં સુધારો થતાં બ્રીચ કેન્ડી હોસ્પિટલમાંથી તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 89 વર્ષીય આ અભિનેતા હવે તેમના બંગલા ખાતે ઘરે જ સારવાર લેશે અને હાલ તેમની તબિયત સ્થિર હોવાનું જાણવામાં આવી રહ્યું છે.
ધર્મેન્દ્રને તા.1 નવેમ્બરના રોજ તબિયત બગડતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તા. 10 નવેમ્બરના રોજ તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હોવાનું સૂત્રો દ્વારા જણાવાયું હતું પરંતુ સતત સારવાર બાદ તેમની તબિયતમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. ડોક્ટરોએ હવે તેમને ડિસ્ચાર્જ આપવાની મંજૂરી આપી છે. તેમના પરિવારે નક્કી કર્યું છે કે અભિનેતાની આગળની સારવાર ઘરેથી જ ચાલુ રાખવામાં આવશે.
મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલના ડોક્ટરોએ પુષ્ટિ કરી છે કે ધર્મેન્દ્રને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને હવે તેમને ઘરે જ દેખરેખ હેઠળ રાખવામાં આવશે. અભિનેતાને એમ્બ્યુલન્સ મારફતે તેમના ઘરે પહોંચાડવામાં આવ્યા હતા.
સોશિયલ મીડિયા પર ધર્મેન્દ્રને ઘરે લઈ જવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ઈન્સ્ટન્ટ બોલિવૂડના ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરવામાં આવ્યો હતો. જેમાં ધર્મેન્દ્રને હોસ્પિટલમાંથી બહાર લાવવામાં આવતા અને એમ્બ્યુલન્સમાં બેઠેલા જોવા મળે છે.
ચાહકો આ સમાચારથી ખુબ ખુશ છે અને સોશિયલ મીડિયા પર ધર્મેન્દ્રની ઝડપી સ્વસ્થતા માટે શુભેચ્છાઓ અને પ્રાર્થનાઓ વ્યક્ત કરી રહ્યા છે.
આ પહેલાં તા. 11 નવેમ્બરના રોજ ધર્મેન્દ્રની પત્ની હેમા માલિની અને પુત્રી એશા દેઓલે સોશિયલ મીડિયા મારફતે ચાહકોને આશ્વાસન આપ્યું હતું કે ધર્મેન્દ્રની તબિયતમાં સતત સુધારો થઈ રહ્યો છે. એશા દેઓલે લખ્યું હતું, “મારા પિતા સ્થિર છે અને ધીમે ધીમે સાજા થઈ રહ્યા છે. મીડિયા પર ફેલાતી ખોટી અફવાઓ પર વિશ્વાસ ન કરો.” તેમણે ચાહકોનો આભાર માન્યો હતો કે જેઓ ધર્મેન્દ્રની તબિયત માટે પ્રાર્થના કરી રહ્યા છે.
ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય અંગે ગઈકાલે કેટલીક અફવાઓ પણ ફેલાઈ હતી કે તેઓ જીવિત નથી પરંતુ હેમા માલિની અને એશા દેઓલે તરત જ સ્પષ્ટતા કરીને જણાવ્યું કે “ધર્મેન્દ્ર જીવિત છે અને સાજા થઈ રહ્યા છે.”
ધર્મેન્દ્ર છેલ્લા 12 દિવસથી તબિયત બગડવાના કારણે હોસ્પિટલમાં દાખલ હતા. આ દરમિયાન શાહરુખ ખાન, સલમાન ખાન અને આમિર ખાન જેવા દિગ્ગજ કલાકારોએ પણ હોસ્પિટલમાં જઈને તેમની મુલાકાત લીધી હતી. હવે ચાહકોને રાહત છે કે તેમના પ્રિય “હી-મેન” ધીમે ધીમે સ્વસ્થ થઈ રહ્યા છે અને જલદી ફરી સક્રિય થવાની આશા છે.