ભરૂચ, અંકલેશ્વર: ભરૂચનું (Bharuch) ગૌરવ એવો ગોલ્ડન બ્રીજ (Golden Bridge) 142 વર્ષનો થયો છે. વર્ષ 1881માં આજના દિવસે ખુલ્લો મુકાયો હતો. અનેક તડકા છાંયા જોઇ નર્મદા નદીમાં આવેલ અનેક રેલની થપાટો રોજના હજારો વાહનોનું ભારણ છતાં આજે પણ ગોલ્ડન બ્રિજ અડીખમ છે. એક સમયે અંગ્રેજો શાસન કરવાના હેતુથી દેશમાં ઘણી બધી સુવિધાઓ લાવ્યા. રેલ, તાર, ટપાલ, વીજળી વગેરે તેના ઉદાહરણ છે. આ ઉપરાંત તેમણે ઘણા બાંધકામ પણ કર્યા. ભરૂચનો ‘ગોલ્ડન બ્રિજ’ પણ અંગ્રેજોના બાંધકામનો નમૂનો છે.
ઇસ 1860માં સર જોન હોક્શોની રૂપરેખા મુજબ નર્મદા નદી પર બ્રિજ બાંધવાની શરૂઆત કર્યા બાદ 1863, 1868, 1871, 1872, 1873, 1876માં નર્મદા નદીમાં આવેલ ભયાનક પૂરને કારણે બ્રિજના અનેક ભાગો તૂટી પડ્યા હતા. જેને પગલે અનેક કામદારોના મોત પણ થયા હતા. છેવટે ગોલ્ડન બ્રિજનું કામ 16 મે 1881ના દિવસે પૂર્ણ થયું અને ખુલ્લો મુકાયો હતો. આ બ્રિજને બનાવતા જે તે સમયે એટલો અધધ ખર્ચ થયો હતો કે તેટલામાં આખે આખો સોનાનો બ્રીજ બની જાત, અને તેથી આ બ્રિજને ગોલ્ડન બ્રીજ નામ આપવામાં આવ્યું હતું.
ગોલ્ડન બ્રીજ અગાઉ રેલવે માટે બનાવવામાં આવ્યો હતો. પરંતુ સમય જતા તેના પરથી વાહનોની આવન જાવન શરૂ કરવામાં આવી છે. ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે આ બ્રીજ કરોડરજ્જુ સમાન બની ગયો છે. દક્ષીણ ગુજરાતને મધ્ય ગુજરાત સાથે જોડતી આ એક સમયની મહત્વની કડી હતી. આજે તેના 142માં જન્મ દિવસે દરેક ભરૂચી તેના પ્રત્યે ગૌરવની લાગણી અનુભવતો હશે. ગોલ્ડન બ્રિજની સમાંતર નર્મદા મૈયા બ્રિજ તાજેતરમાં જ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જે બાદ ભરૂચ – અંકલેશ્વરને જોડતા નર્મદા નદી પરના ગોલ્ડન બ્રિજ પર હવે ગણતરીના જ સાધનો ઉપયોગ કરી પસાર થઈ રહ્યા છે. પરંતુ જિલ્લાના અન્ય બ્રિજની સરખામણીમાં ગોલ્ડન બ્રિજ આજે પણ ભરૂચ જિલ્લાના લોકો માટે સંજીવની સમાનની ઓળખ અડીખમ રાખી છે.
બ્રિજની સફાઈ પરત્વે પણ તંત્રની ઉદાસીનતા
ભરૂચ અંકલેશ્વરને જોડતા ગોલ્ડન બ્રિજના લોખંડના સ્ટ્રક્ચરમાં વરસાદી પાણી કેટલા બ્લોકમાં છલોછલ જોવા મળતા રહ્યા છે. તેનો નિકાલ અટકી જતાં તે ત્યાં જ સ્થાયી થઈ જાય છે જે ધીરેધીરે લોખંડને કાટ ચડવાની સાથે તેની સાથે જોઈન્ટ ગડરોને પણ નુકસાન પહોંચાડતું હોય છે. તો કેટલા બ્લોકમાં માટીના થર જામેલ જોવા મળી રહ્યા છે. જેથી બ્રિજની સફાઈ પરત્વે તંત્ર યોગ્ય પગલાં ભરે તે સમયની જરૂરિયાત છે.