સુરત: ઓપરેશન ગોલ્ડમાઈનના (OperationGoldMine) ભાગરૂપે, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)એ સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ (SuratInternationalAirport) પરથી 48.20 કિલો ગોલ્ડ પેસ્ટ (Liquid Gold) જપ્ત કર્યું છે. ગોલ્ડ સ્મગલિંગનાં (Gold Smuggling) આ મામલામાં DRIએ સુરત એરપોર્ટ પર ફરજ બજાવતા એક જવાબદાર અધિકારી સહિત કુલ 4 દાણચોરની ધરપકડ કરી છે. તાજેતરના સમયમાં સુરત એરપોર્ટ પરથી દાણચોરીના સોનાની આ સૌથી જપ્તી છે.
DRIએ આજે નવી દિલ્હીથી સત્તાવાર અખબારી યાદી પ્રસિદ્ધ કરતાં જણાવ્યું હતું કે ચોક્કસ બાતમીના આધારે, DRIના અધિકારીઓએ તા. 07.07.2023ના રોજ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટ નં. IX172 દ્વારા શારજાહથી (Sharjah) આવતા 3 મુસાફરોને ભારતમાં દાણચોરી કરવા માટે પેસ્ટ સ્વરૂપમાં સોનું વહન કરવાની શંકામાં અટકાવ્યા હતા. તેમના હાથના સામાન ઉપરાંત ચેક-ઇન બેગ સામાનની તપાસ કરવામાં આવી હતી. એ દરમિયાન પાંચ બ્લેક બેલ્ટમાં છુપાવેલ 20 સફેદ કલરના પેકેટમાં 43.5 કિલો સોનું પેસ્ટ સ્વરૂપે મળી આવ્યું હતું.
મુસાફરોની પૂછપરછમાં ખુલાસો થયો હતો કે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તૈનાત અધિકારીઓની મદદથી ભારતમાં દાણચોરી કરવા માટે સોનું લાવવામાં આવ્યું હતું. સત્તાવાળાઓ દ્વારા સ્ક્રિનિંગ અને પરીક્ષણ ટાળવા માટે ઇમિગ્રેશન પહેલાં શૌચાલયમાં સોનાનું વિનિમય કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. DRIનાં અધિકારીઓએ કાર્યવાહી કરી એ પહેલા કોઈકે એરપોર્ટના ટોયલેટ સુધી પહોંચાડેલું સોનુ પણ પાછળથી પકડી પાડ્યું હતું.
પેસ્ટ સ્વરૂપમાં 4.67 કિલો સોનું વધુ મળી આવ્યું હતું. સુરત એરપોર્ટના ઇમિગ્રેશન ચેકપોઇન્ટની બાજુમાં પુરુષોના વોશરૂમ (ટોયલેટ)માં ત્યજી દેવાયેલું સોનું મળી આવ્યું હતું, જેને CISF દ્વારા DRIને સોંપવામાં આવ્યું હતું. મુસાફરો પાસેથી કુલ 48.20 કિલો સોનાની પેસ્ટ જપ્ત કરવામાં આવી હતી. 42 કિલોથી વધુ સોનુ શુદ્ધતાની દૃષ્ટિએ 24 કેરેટ કેટેગરીનું મળ્યું હતું, જેની અંદાજીત બજાર કિંમત 25.26 કરોડ હોવાનું જાણવા મળ્યું છે.
કસ્ટમ્સ એક્ટ, 1962 હેઠળ આરોપી વ્યક્તિઓના નિવેદન નોંધવામાં આવ્યા હતા અને તેમની ભૂમિકાના આધારે એક અધિકારી અને 3 મુસાફરોની ધરપકડ કરવામાં આવી હતી. અત્યાર સુધીની તપાસ પરથી એવું જણાઈ રહ્યું છે કે સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર દાણચોરીનું સંગઠિત રેકેટ ચાલી રહ્યું છે.
સમગ્ર સિન્ડિકેટને ઝડપી પાડવા માટે એરપોર્ટના અધિકારીઓ સહિત અન્ય વ્યક્તિઓની સંડોવણી શોધવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ડીઆરઆઈની કાર્યવાહીથી દાણચોરીની સિન્ડિકેટની કામગીરીનો પર્દાફાશ થયો છે. આ જપ્તી દેશમાં ઉચ્ચ મૂલ્યના માલસામાનની ગેરકાયદે દાણચોરી સામે લડવા માટે DRI દ્વારા સતત પ્રયાસોનો એક ભાગ છે.
કસ્ટમ વિભાગનાં અધિકારી સ્ક્રિનિંગ ટાળવા ઇમિગ્રેશન પહેલાં પેસેન્જરોને વોશરૂમમાં લઈ ગયાનો DRI નો આરોપ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)એ દિલ્હી હેડક્વાર્ટરથી જારી કરેલી સરકારી યાદીમાં જણાવ્યું હતું કે, સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 48.20 કિલો સોના સાથે પકડાયેલા 3 મુસાફરોની પૂછપરછમાં ખુલાસો થયો છે કે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તૈનાત અધિકારીઓની મદદથી દાણચોરી કરવા માટે સોનું છુપાવવામાં આવ્યું હતું.
સુરત એરપોર્ટના કસ્ટમ વિભાગનાં જવાબદાર અધિકારીઓ દ્વારા આ કેસમાં સ્ક્રિનિંગ અને પરીક્ષણ ટાળવા માટે ઇમિગ્રેશન પહેલાં એરપોર્ટના પુરુષ શૌચાલયમાં સોનાનું વિનિમય કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. એટલે કે, એરપોર્ટના કસ્ટમ વિભાગનાં જવાબદાર અધિકારી આ કેસમાં સ્ક્રિનિંગ અને પરીક્ષણ ટાળવા ઇમિગ્રેશન પહેલાં પેસેન્જરોને વોશરૂમમાં લઈ ગયાનો આરોપ DRIએ મુક્યો છે. એટલું જ નહીં અધિકારીઓની મદદથી આ રેકેટ ચાલતું હોવાનો આક્ષેપ પણ કર્યો છે.
અત્યાર સુધીની તપાસમાં એવું જાણવા મળ્યું છે કે, સુરત એરપોર્ટ પર સંગઠિત રીતે દાણચોરો અને અધિકારીઓ આ રેકેટ ચલાવતા હતાં. ધરપકડ કરાયેલા 4 આરોપીઓમાં એક અધિકારીનો પણ સમાવેશ થાય છે. બીજા કયા અધિકારીઓ અને દાણચોરો સામેલ છે એ અંગે ચારેય આરોપીઓની પૂછપરછ ચાલી રહી છે. આવતીકાલે ચારે આરોપીઓને વધુ પૂછપરછ અને રિમાન્ડ માટે સુરતની કોર્ટમાં રજૂ કરવામાં આવશે, એમ સુરત DRIનાં અધિકારીઓએ જણાવ્યું હતું.