સુરત: બાન્દ્રા અજમેર એકસ્પ્રેસ ટ્રેનમા સાંજે સાત વાગ્યે સુરતમા 30 કિલો કરતા વધુનું ગોલ્ડ ઘુસાડનાર ગેંગનો મુખ્ય સભ્ય ફૈઝલ અબ્દુલ સતાર મેમણની એસઓજીએ એસ ટુ કમ્પાર્ટમેન્ટમાંથી ધરપકડ કરી છે. અચાનક જ પોલીસ આવી ચડતા ફૈઝલ ડઘાઇ ગયો હતો. એસઓજી આજે તેના રિમાન્ડ માંગશે.
ફૈઝલ આ કૌભાંડમા વડોદરા ખાતેની તેની ભઠ્ઠીમાંથી રેકઝીન ઓગાળીને તેમાંથી સોનું કાઢી લેતો હતો. દરમિયાન આ સોનું તે કોને વેચતો હતો તેની પૂછપરછ રિમાન્ડ દરમિયાન કરવામાં આવશે. એસઓજી પીઆઇ અતુલ ચૌધરીએ આ ઓપરેશન પાર પાડ્યું હતું.
કસ્ટમ એક્સાઇઝ ડ્યુટીની ચોરી કરી દુબઈથી સુરતમાં થઈ રહેલી ગોલ્ડ સ્મલીંગના કેસમાં એસઓજી પોલીસે અગાઉ એક મહિલા સહિત ચારની ધરપકડ કરી હતી. દંપતી દુબઈથી બેગની અંદર ગોલ્ડ સ્પ્રેનો છંટકાવ કરી ગોલ્ડ લાવી રહ્યાની બાતમીના આધારે તેમની પાસેથી 64 લાખનું 927 ગ્રામ સોનું પકડાયું હતું. સુરત એરપોર્ટથી અનેક વખત શરીર ઉપર તેમજ લગેજમા સંતાડી યેનકેન પ્રકારે ઇમિગ્રેશન સિક્યોરિટીમાંથી પસાર થઈ ગેરકાયદે સોનાની દાણચોરી કરનારાઓને પકડવામાં આવ્યા હતા.
કપલ આ સોનાની ડિલિવરી આપવા જહાંગીરપુરા, સાયન હજીરા રોડ ખાતે શીવમ હૉટલ ખાતે આવનાર છે એવી બાતમીના આધારે એસઓજીની ટીમે સાયણ હજીરા રોડ ઉપર મોડી રાત્રીના વોચ ગોઠવી હતી. સોનાની ડિલિવરીના સમયે રેઇડ પાડી દુબઇથી સોનાની દાણચોરી કરી લાવેલા આરોપી નઈમ મો. હનીફ સાલેહ (ઉ.વ. ૨૯, રહે. હાલ – મોસાલી ગામ, વસરાવી ચોકડી, વાંકલ રોડની બાજુમાં, માંગરોળ, સુરત), ઉમૈમા નઈમ સાલેહ (ઉ.વ. ૨૫)ને પકડી પાડ્યા હતા.
અર્ટીગા કાર લઈને સોનાની ડિલિવરી લેવા આવનાર અબ્દુલ સમદ ફારુક બેમાત (ઉં.વ. ૩૩, રહે. મસ્જિદ ફળિયું, શાહગામ, પોસ્ટ મોસાલી, વસરાવી ચોકડી, માંગરોળ, સુરત) અને ફિરોઝ ઇબ્રાઇમ નુર (ઉ.વ. ૪૮, રહે. વસરાવી ગામ, માંગરોળ, સુરત)ને પકડી પાડ્યા હતા.
સોનાની દાણચોરીમાં પકડાયેલા આ દંપતીએ અઢી મહિના પહેલા પણ ટ્રીપ મારી હતી. દંપતીને એક ટ્રિપના 10 થી 15 હજાર મળતા હતા. આ સિવાય દુબઈ અઠવાડિયા સુધી ફરવાનું, રહેવાનું અને આખું પૅકેજ ફ્રીમાં મળતું હતું. પહેલી ટ્રિપ સક્સેસ જતા તેમણે બીજી ટ્રિપ મારી અને પકડાઈ ગયા હતા.
આરોપીઓ ટ્રાવેલ બેગની અંદર છુપાવીને સોનું લાવ્યા હતા. જો કે, તેઓ સોનાની બિસ્કિટ નહોતા લાવ્યા, પરંતુ સોનાની પેસ્ટ બનાવી તેનું કાપડ જેવું દેખાતું એક લેયર બેગના પાછળના ભાગે ચીપકાવી દીધું હતું. જેથી પહેલી નજરે જોતા તે બેગનો જ ભાગ હોવાનું લાગતું હતું.
જો કે, સુરત એરપોર્ટ પર આવતા જ એસઓજીએ એક મહિલા સહિત 4ને પકડ્યા હતા. બાદમાં જ્વેલરી એક્સપર્ટને બોલાવીને બેગ પર ખરેખર સોનાની પેસ્ટ ચિપકાવી છે કે નહીં તેની તપાસ કરાવાઈ, ત્યારે ચોંકાવનારો ખુલાસો થયો હતો. જ્વેલરી એક્સપર્ટની હાજરીમાં એસઓજીએ બેગ પરથી વધારાનું લેયર કાઢ્યું હતું. જે બહારથી બેગ જેવા બ્લેક કલરનું પરંતુ અંદરથી ગોલ્ડ કલરનું હતું.
જ્વેલરી એક્સપર્ટે એસઓજીની હાજરીમાં તે લેયર ઓગાળતા તેમાંથી 900 ગ્રામ વજનનું સોનું નીકળ્યું હતું, જેની બજાર કિંમત 64.89 લાખ જેટલી થાય છે. પોલીસે ચાર ટ્રૉલી, 64.89 લાખનું સોનું, 5 મોબાઇલ, 2 પાસપોર્ટ, 2 બોર્ડિંગ પાસ, દુબઈથી સોનું ખરીદી કર્યાનું બતાવવા માટે 2 બનાવટી બિલ, એક કાર મળી કૂલ 76.14 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો.