સુરતઃ ગોડાદરાના નારિયેળના વેપારીને (Coconut Merchant) બે ગઠિયાઓએ ‘ખોદકામ કરતી વખતે સોનુ મળ્યું છે’ તેમ કહીને પહેલા સાચા સોનાના (Gold) 3 દાણા આપ્યા હતા. બાદમાં નારિયેળ વેપારીને લાલચ જાગતા 300 ગ્રામ સોનું 3 લાખમાં લીધું હતું. પરંતુ આ સોનું ડુપ્લિકેટ (Duplicate) નીકળતા તેની સાથે છેતરપિંડી થયાની ફરિયાદ અમરોલી પોલીસ સ્ટેશનમાં (Police Station) નોંધાવી હતી. આ કેસમાં પોલીસે કલ્પનાનગર સોસાયટી, નિલગીરી ગોડાદરા ખઆતે રહેતા આરોપી મોહન ગંગારામ પટેલને ઝડપી પાડ્યો હતો.
- બે ગઠિયા ખોદકામ કરતી વખતે 300 ગ્રામ સોનુ મળ્યાનું કહી સસ્તામાં વેચવાની લાલચ આપી હતી
- પહેલા 3 સાચા સોનાના દાણા આપ્યા અને પછી ડુપ્લિકેટ સોનુ પધરાવી રૂપિયા લઈ ગયા
ગોડાદરા ખાતે માનસરોવર સોસાયટીમાં રહેતો 26 વર્ષીય આનંદ સ્વરૂપસીંગ પ્રકાશસિંગ ઠાકુર મુળ જાલોન ઉત્તરપ્રદેશનો વતની છે. અને સુરતમાં નારિયેળનો હોલસેલનો વેપાર કરે છે. ગત 18 જુને સુદામા ચોક પાસે રમેશ યાદવ પાસે નારિયેળના પૈસા લેવા ગયો હતો. ત્યારે ત્યાં બે ભાઈઓ આવેલા હતા. તેમને ખોદકામ કરતી વખતે સોનું મળ્યું છે તેવું કહ્યું હતું. અને તેમને આ સોનું સસ્તા ભાવમાં વેચવાનું છે. આનંદસ્વરૂપે લાલચમાં આવીને આ સોનું ખરીદી કરવા તૈયારી બતાવતા બંને ઠગે તેને સોનાના ત્રણ દાણા આપ્યા હતા. આનંદસ્વરૂપે તે ચેક કરાવતા સોનું સાચું હતું. જેથી તેને બંનેને તેમની પાસે કેટલું સોનું છે તે અંગે પુછતા તેમને 300 ગ્રામ સોનું 3 લાખમાં વેચવાનું કહ્યું હતું. બાદમાં બંનેએ 20 જુને ઉત્રાણ ખાતે રમેશભાઈના ઘરે સોનુ લઈને બોલાવ્યા હતા.
બંને ઠગે આનંદસ્વરૂપને સોનાના દાણા વાળી 8 માળાઓ આપી તેની પાસેથી 3 લાખ રૂપિયા લઈને નાસી ગયા હતા. બાદમાં આનંદસ્વરૂપે આ દાણા માતાવાડી ખાતે આવેલી એક લેબમાં ચેક કરાવ્યા હતા. જ્યાં આ સોનું નકલી હોવાનું સામે આવ્યું હતું. બાદમાં રમેશના ઘરે જઈને બંને અજાણ્યાઓનો નંબર મેળવી ફોન કરતા ફોન બંધ આવતો હતો. જેથી આનંદસ્વરૂપને તેની સાથે છેતરપિંડી થયાનો ખ્યાલ આવતા અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી અગાઉ પણ આવા ગુના કરી ચૂક્યો છે અને તે પહેલા સાચુ સોનું આપતો હતો અને ત્યારબાદ નકલી સોનુ પધરાવતો હતો. આ કેસમાં પોલીસે ઠગાઇની તમામ 3 લાખની રકમ રિકવર કરી હતી.