ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારતે સાત મેડલ મેળવ્યા. ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર સૌ ખેલાડીઓને અભિનંદન પાઠવીએ.નીરજ ચોપરાએ ભાલા ફેંકમાં જીતેલો ગોલ્ડ મેડલ એથ્લેટિક્સમાં પહેલો અને ઓલિમ્પિક્સ ગેમ્સમાં ઓવરઓલ 13 વર્ષ પછી મળેલો ગોલ્ડ મેડલ રહ્યો હતો. નામમાં શું રાખ્યું છે? સામાન્ય રીતે આમ કહેવાય છે. બે પ્રસંગોની ઉજવણીની અનોખી રીત બતાવે છે કે નામમાં બધું જ છે. એ વાત ફરીથી જણાવવાની ઈચ્છા છે તે એ કે ભરૂચ જિલ્લાના પૂર્વ ભાગમાં નેત્રંગ નગરમાં એસ.પી. પેટ્રોલ પંપના માલિકે તા.9 ને સોમવારે સાંજના પાંચ વાગ્યા સુધી રૂ.500 નું પેટ્રોલ મફતમાં આપવાની જાહેરાત કરી હતી. શરત હતી, લાભ લેનારનું નામ નીરજ હોવું જોઈએ.
બીજું ગિરનારના રોપ-વે નો લાભ લેનાર સૌ નીરજ નામધારીને તા.20 સુધી ફી ભરવાની નથી. આ બતાવે છે કે ભારતભરમાં સૌને ખેલાડીઓ માટે ગૌરવ છે. ભાગ લેનાર સૌ ખેલાડીઓ પણ અભિનંદનના અધિકારી છે. ભવિષ્યમાં ઉત્તમ દેખાવ કરી દેશનું નામ રોશન કરે એવી મહેચ્છા રાખીએ. જાહેરાત મુજબના તમામ પ્રોત્સાહન તેમને મળે. સારી સગવડોના સહારે ઉત્તરોત્તર પ્રગતિ કરી દેશનું નામ રોશન કરે તેવી અભ્યર્થના પાઠવીએ. નવસારી – કિશોર આર. ટંડેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.