Columns

સોનાની જેલ

પ્રખ્યાત ચીની વાર્તા છે. ચીનના મહાન સંત ચુઆંગત્ઝુ નદી કિનારે સૂરજનો તડકો માણતા નદીના પાણીમાં ઉછળકૂદ કરતી માછલીઓ જોઈ રહ્યા હતા ત્યારે ચીનના સમ્રાટના બે મંત્રી તેમની પાસે આવ્યા અને કહ્યું, ‘પ્રણામ, સમ્રાટે તમારી પ્રતિભા વિષે સાંભળ્યું છે અને તેઓ તમને તેમના મુખ્ય સલાહકાર બનાવવા માંગે છે.ચાલો ,હમણાં જ અમારી સાથે સમ્રાટના મહેલમાં. હવે તમને ત્યાં જ રહેવાનું માન મળશે.’ મહાન સંત ચુઆંગત્ઝુ હસીને બોલ્યા, ‘મને માફ કરો, મારે તમારી સાથે નથી આવવું.’મંત્રીઓ ચોંકી ઊઠ્યા અને બોલ્યા, ‘સમ્રાટના કહેણને કોઈ ઉથાપી ના શકે અને તમને તો આટલું માન મળી રહ્યું છે છતાં તમે ના પાડો છો શા માટે?’ 

સંત ચુઆંગત્ઝુએ તેમને થોડે દૂર ભીની માટીમાં રમતા અને પૂંછડી હલાવતા કાચબાને દેખાડ્યો અને પૂછ્યું, ‘શું આ કાદવમાં રમતો કાચબો તમને ખુશ લાગે છે?’ મંત્રીઓએ કહ્યું, ‘હા ખુશ છે.’મહાન સંત ચુઆંગત્ઝુ બોલ્યા, ‘મેં સાંભળ્યું છે તમારા સમ્રાટના મહેલમાં પણ એક કાચબો છે.’મંત્રીએ ઉત્સાહથી જવાબ આપ્યો, ‘હા હા છે ..ખૂબ પ્રાચીન. તેને સોનાની પેટીમાં રાખવામાં આવ્યો છે. હીરા ઝવેરાત પહેરાવવામાં આવે છે.વર્ષમાં ખાસ દિને એક વાર તેની પૂજા કરવામાં આવે છે.

ખૂબ જ પવિત્ર કાચબો છે.’ હવે સંત ચુઆંગત્ઝુએ કહ્યું, ‘મને કહો કે શું આ ભીની માટીમાં પોતાની મસ્તીથી રમતો કાચબો તમારી સાથે સોનાની પેટીમાં રહેવા અને હીરામોતીના ઝવેરાત પહેરવા મહેલમાં આવશે,જ્યાં તેની વર્ષમાં એક વાર પૂજા પણ થશે.’મંત્રી બોલ્યા, ‘મને નથી લાગતું કે કાચબો આ મસ્તી છોડી સોનાની પેટીમાં રહેવા મહેલમાં આવવા તૈયાર થાય.’ સંત ચુઆંગત્ઝુ બોલ્યા, ‘બસ આ જ મારો જવાબ છે. જેમ આ કાચબો અહીં ભીની માટીમાં પોતાની મસ્તીમાં ખુશ છે તેમ હું પણ અહીં મારી મસ્તીમાં જીવતો કાચબો જ બનીને રહેવા માંગું છું.

મારે સમ્રાટના સોનાની પેટીમાં રહેતા કાચબા જેવા નથી બનવું.તમારા સમ્રાટના હુકમનું પાલન કરવા અને તેના સોનાની જેલ જેવા મહેલમાં રહેવા આવવું જ નથી. હવે મહેરબાની કરી મને બોલાવશો નહિ.વિનંતી કરશો નહિ.ડરાવશો પણ નહિ. મારો જવાબ ના છે અને ના જ રહેશે. હું સોનાની જેલમાં આવવા માંગતો નથી.’મંત્રીઓ ચાલ્યા ગયા.સંત કોઈ પ્રલોભનો અને બંધનમાં બંધાયા વિના પોતાની મસ્તીમાં ફરી કાચબા અને માછલીઓની ગમ્મત જોવા લાગ્યા.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top