Business

ગોલ્ડની ડિમાન્ડ વધીઃ ડ્યૂટી ઘટ્યા બાદ સોનાની આયાતમાં 214 ટકાનો ઉછાળો

અમદાવાદઃ કેન્દ્ર સરકારના બજેટમાં આયાત જકાતમાં ઘટાડો થવાને પગલે સોનાની ડીમાંડમાં મોટો વધારો થયો છે અને તેના પ્રભાવ હેઠળ આયાતમાં પણ ઉછાળો છે. જુલાઈ મહિનામાં સોનાની આયાતમાં 214 ટકાની વૃધ્ધિ થઈ હોવાનું બહાર આવ્યું છે. મહત્વની વાત એ છે કે આયાત જકાતમાં ઘટાડાની જાહેરાત 23 જુલાઈએ થઈ ત્યાર બાદના જુલાઈના છેલ્લાં સપ્તાહના સાત દિવસમાં જ આયાતનાં ધડાધડ ઓર્ડર નીકળ્યા હતા.

  • ડ્યૂટીમાં ઘટાડો જાહેર થતાં એકાએક સોનાની આયાત વધી
  • જુલાઈના છેલ્લા અઠવાડિયામાં સોનાની ખરીદી વધી, આખા મહિનામાં સોનાની આયાતમાં 214 ટકાનો વધારો નોંધાયો
  • દાણચોરીના સોનાની સપ્લાય પર માર્જિન ઘટતા હવેથી કાયદેસર આયાત વધે તેવું અનુમાન

અમદાવાદ એરકાર્ગો કોમ્પલેકસનાં રીપોર્ટ પ્રમાણે જુલાઈમાં સોનાની આયાત 10.56 ટન થઈ હતી. ગત વર્ષના જુલાઈમાં તે 2.36 ટન જ હતી. આગામી તહેવારો તથા લગ્નગાળામાં સોનાની માંગ વધુ વધવાની અપેક્ષાએ ઝવેરીઓએ સ્ટોક વધારવાનું શરૂ કરતા આયાતમાં વધારો થયાનું મનાય છે. આ સિવાય આયાત જકાતમાં ઘટાડાને પગલે સોનું-ચાંદી-પ્લેટીનમ સસ્તા બનતા અત્યારે ઓફ સીઝનમાં પણ સારી ડીમાંડ નીકળતા જવેલર્સો-વેપારીઓ પાસેનો સ્ટોક ઘટતા તેઓએ વધુ આયાત ઓર્ડર આપ્યા હતા.

ઈન્ડીયા બુલીયન એન્ડ જવેલર્સ એસોસીએશનનાં ડાયરેકટર હરેશ આચાર્યએ કહ્યું કે એક ટકાના ડયુટી ડીસ્કાઉન્ટના લાભ માટે ઘણી આયાત ઈન્ડીયા ઈન્ટરનેશનલ બુલીયને એકસચેંજ મારફત પણ થઈ હતી.

જવેલરી ઉદ્યોગનાં સુત્રોએ કહ્યું કે મોટાભાગના આયાત ઓર્ડર જુલાઈના છેલ્લા સપ્તાહમાં મળ્યા હતા. ગઈ તા. 23 જુલાઈના રોજ બજેટમાં આયાત જકાતમાં ઘટાડાની જાહેરાત થયા બાદ સોનું સસ્તું થતા ખરીદી નીકળી હતી. આ સમય સામાન્ય રીતે ઓફ સિઝનનો હોય છે છતાં એક જ ઝાટકે સોનાના ભાવમાં 4થી 5 હજાર રૂપિયાનો ઘટાડો થતા લોકલ માર્કેટમાં ડિમાન્ડ નીકળી હતી.

તે ઉપરાંત આગામી સમયમાં ફેસ્ટિવલ સિઝન શરૂ થનારી હોય ડિમાન્ડ વધવા પાછળ તે પણ એક કારણ હતું. વળી, આ વર્ષે ચોમાસું પ્રમાણમાં સારું રહ્યું છે. તેથી કૃષિ ઉત્પાદનમાં વધારો થાય તેવું અનુમાન છે. એટલે ગ્રામીણ માંગ વધી શકે છે. જાણકારો એમ પણ કહે છે કે હવે દાણચોરીના સોનામાં અગાઉ જેવું મોટું વળતર રહ્યું નથી એટલે ગેરકાયદે સોના પર લગામ આવી શકે છે. ડિમાન્ડમાં કોઈ ફેર પડવાનો નથી એટલે કાયદેસરની ચેનલ મારફત સોનાની સપ્લાયમાં વધારો થાય તે સ્પષ્ટ છે.

Most Popular

To Top