ચીનના એક ગામમાં બનેલી અજબ ઘટના હાલ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચામાં છે. બતક કાપતી વખતે તેના પેટમાંથી સોનાના કણો મળી આવતાં યુવક આશ્ચર્યમાં પડી ગયો. આ સોનાની કિંમત લગભગ ₹1.6 લાખ જેટલી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
આ અનોખી ઘટના ફેબ્રુઆરી મહિનામાં Longhui County, Hunan Province (ચીન)માં બની હતી. સ્થાનિક વ્યક્તિ લ્યુ (Liu)એ જણાવ્યું કે જ્યારે તે બતક કાપી રહ્યો હતો ત્યારે તેના પેટમાં નાના ચમકતા કણો દેખાયા. શરૂઆતમાં તેને લાગ્યું કે કદાચ તે પથ્થરના ટુકડા હશે, પરંતુ ઉત્સુકતાથી તેણે તેના પર ‘બર્નિંગ ટેસ્ટ’ કર્યો. તપાસ પછી ખબર પડી કે તે ખરેખર સોનાના કણો હતા.
સ્થાનિક મીડિયા મુજબ આ સોનાનું કુલ વજન લગભગ 10 ગ્રામ હતું. ચીનની કરન્સી મુજબ તેની કિંમત લગભગ 12,000 યુઆન ગણાય છે, જે ભારતીય રૂપિયામાં લગભગ ₹1.6 લાખ જેટલી થાય છે. આ અચાનક મળેલા સોનાને લઈને લ્યુના પરિવારજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. લ્યુના પિતાએ તો આ શોધને આવતા વર્ષ માટે શુભ સંકેત ગણાવ્યો.
બતકના પેટમાં સોનું કેવી રીતે આવ્યું?: લ્યુએ જણાવ્યું કે તેમના પરિવાર પાસે બતકો ફ્રી-રેન્જમાં ઉછેરવામાં આવે છે. આ બતકો ઘણીવાર ગામની નજીક વહેતી નદીના કિનારે માટી અને કાદવમાં ખોરાક શોધતી રહે છે. શક્ય છે કે ખોરાક શોધતી વખતે બતકે સોનાના નાના કણો ગળી લીધા હોય.
આ વિસ્તારની Chenshui River અગાઉ સોનાના ભંડાર માટે જાણીતી હતી. 1970થી 1990 વચ્ચે અહીં મોટી સંખ્યામાં લોકો સોનું શોધવા આવતા હતા અને એક પ્રકારનો ‘ગોલ્ડ રશ’ જોવા મળ્યો હતો. બાદમાં સરકારે ખાનગી ગોલ્ડ માઇનિંગ પર પ્રતિબંધ મૂકી દીધો હતો.
અધિકારીઓએ શરૂ કરી તપાસ: સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ આ ઘટનાની સાચાઈ અંગે શંકા વ્યક્ત કરી છે. તેના જવાબમાં સ્થાનિક નેચરલ રિસોર્સ વિભાગે જણાવ્યું કે સોનાના કણોની પુષ્ટિ માટે નિષ્ણાત સંસ્થા દ્વારા તપાસ કરવી જરૂરી છે.
અધિકારીઓએ એ પણ કહ્યું કે આ વિસ્તારમાં અગાઉ પણ નદીની રેતીમાંથી સોનાના કણો મળ્યા છે. ગયા વર્ષે ગામલોકોએ રેતી ધોઈને 10 ગ્રામથી વધુ સોનું મેળવ્યું હોવાનો દાવો કર્યો હતો. ચીનના કાયદા મુજબ જમીન હેઠળના તમામ ખનિજ સ્રોતો રાજ્યની માલિકીના ગણાય છે. તેથી બતકના પેટમાંથી મળેલા આ સોનાનો માલિક કોણ હશે તે મુદ્દે પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે.