Vadodara

કપડું નાખી સોનાની બંગડી લૂંટી ફરાર

વડોદરા: શહેરના હાર્દ સમા ભરચક વિસ્તારમાં ભર બપોરે બનેલી લૂંટની ઘટનાના પગલે સ્થાનીક રહીશો મા ફફડાટ વ્યાપી ગયો હતો. જંબુબેટ નજીક આવેલ અરુણોદય બિલ્ડિંગમાં પચાસ વર્ષથી ભાડે રહેતા 90 વર્ષીય પેમીનાબેન પારસી એકલવાયું જીવન વ્યતીત કરે છે. તેમની સાર સંભાળ રાખવા કેર ટેકર તરીકે પારૂલબેન નામની મહીલા અવર જવર કરે છે. આજે બપોરે ત્રણ વાગ્યે કેરટેકર શાકભાજી લેવા ગયા હતા. ઘરમાં એકલી વૃદ્ધા ખુરશી ઉપર બેઠી હતી. ત્યારે પાછળથી બે અજાણ્યા ઈસમો ધસી આવ્યા હતા અને તેમના મોઢા પર કપડું ઢાંકી દીધું હતું. યુવાન વયના ઈસમોએ બળજબરી પૂર્વક વૃદ્ધાના હાથ પકડીને પહેરેલી સોનાની બંગડીઓ કાઢી લીધી હતી. વૃદ્ધાએ પ્રતિકાર કરતા બંને લૂંટારુઓ આશરે વીસ હજાર રૂપિયા ની કિંમતની બંગડીઓ હાથમાં આવતાં જ નાસી છૂટયા હતા.

લુટારુઓ ની ચુંગાલમાંથી છુટકારો મળતા જ વૃદ્ધાએ શોરબકોર મચાવી મૂક્યો હતો. આસપાસના રહીશો તુરંત દોડી આવ્યા હતા. ધોળા દિવસે લૂંટની ઘટનાનો બનાવ પ્રસરી જતા ચકચાર મચી ગઇ હતી. કોઇ જાગૃત નાગરિકે પોલીસ કંટ્રોલમાં જાણ કરતા જ રાવપુરા પોલીસ મથકનો કાફલો ઉચ્ચ અધિકારીઓ સાથે ડિસીબી, એસઓજી સહિતની એજન્સીઓ બનાવના સ્થળે ધસી ગઇ હતી. અને ભોગ બનનાર વૃદ્ધાની ઉંડી પૂછ તાછ હાથ ધરી હતી.

જોકે વૃદ્ધાના મોઢા પર કપડું ઢાંકી દીધું હોવાથી લૂંટારુ બેલડી ના ચહેરા ઓળખાયા ન હતા. પોલીસ ટીમો એ હ્યુમન સોર્સ તેમજ આજુ બાજુના સીસીટીવી કેમેરા ના ફુટેજ મેળવવવાની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસ બાદ પોલીસદ્રારા જાણવા મળ્યું હતું કે બંને લુટારુઓ જાણભેદુ હસે. અને નશાની આદતના કારણે વૃદ્ધા પર વોચ રાખી ને લૂંટને અંજામ આપ્યો હસે. કારણ કે ગણતરીની મિનિટોમાં ગુનો આચરીને નાસી છૂટયા હતા. ઘરમાં અન્ય કોઇ પણ ચીજ વસ્તુઓ કે કબાટમાં હાથ ફેરો કર્યા વગર નીકળી ગયા હતા. પોલીસે એવી પણ આશા વ્યકત કરી હતી કે બંને લુટારુઓ વહેલી તકે ઝડપાઇ જશે. બનાવની ફરીયાદ વૃદ્ધા ના પૌત્ર આદિલ હાશમી એ (તાંદલજા) રાવપુરા પોલીસ મથકે નોંધાવી હતી.

Most Popular

To Top