આણંદ : વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીના ટિચર્સ એસોસિએશન દ્વારા સૂચિત ગુજરાત કોમન યુનિવર્સિટી બિલનો વિરોધ કર્યો છે. ખાસ કરીને આ બિલથી ગ્રાન્ટ ઇન એડ કોલેજો ખતમ થવાનો ભય વ્યક્ત કર્યો છે અને આ અંગે આવેદનપત્ર આપી દેખાવો યોજ્યાં હતાં. સરદાર પટેલ યુનિવર્સિટીના ટિચર્સ એસોસિએશન રજુઆતમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા આગામી વિધાનસભા સત્રમાં ગુજરાત કોમન યુનિવર્સિટી બિલ પસાર થવા જઇ રહ્યું છે. સમયની સાથે પરિવર્તન જરૂરી છે.
પરંતુ સમાજને હિતકાર નિયમો, કાયદાઓ લાગુ કરવામાં આવે તેનો વિરોધ ન કરવો જોઈએ. પરંતુ આ ગુજરાત કોમન યુનિવર્સિટી એક્ટ જે રીતે લાગુ થવા જઇ રહ્યો છે, તે અને તેની જોગવાઇઓ જોતા આ બિલને લઇને શિક્ષણ જગતમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. હાલના વડાપ્રધાન અને રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સરકારમાં લાગુ કરવામાં આવેલી ખાનગી યુનિવર્સિટી એક્ટમાં ગ્રાન્ટ ઇન એડ કોલેજોને ખાનગી યુનિવર્સિટીમાં સમાવેશ કરવામાં આવ્યો નહોતો.
પરંતુ તેમાં વર્ષ 2021માં તત્કાલિન મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારમાં સુધારો કરીને ગ્રાન્ટ ઇન એડ કોલેજોને પણ ખાનગી યુનિવર્સિટી સાથે જોડાણ કરી શકાશે તેવી જોગવાઇ કરવામાં આવી હતી. જે રાહત દરે શિક્ષણ આપતી ગ્રાન્ટ ઇન એડ કોલેજો ખતમ કરવાનો કાયદો હોય તે સ્પષ્ટ દેખાતું હતું. આથી, ગુજરાત રાજ્ય સરકાર અધ્યાપક મહામંડળ દ્વારા સમગ્ર રાજ્યમાં આ જોગવાઇનો વિરોધ થતાં રાજ્ય સરકારે માગણી સ્વીકારી અને વિધાનસભાનું ખાસ સત્ર બોલાવીને ખાનગી યુનિવર્સિટીમાં ગ્રાન્ટ ઇન એઇડ કોલેજોને સમાવેશ કરવાનો સુધારો રદ્દ કર્યો હતો. રાજ્ય સરકારના આ નિર્ણયને આવકારીને ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળ દ્વારા રાજ્ય સરકારનો અભિવાદન કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો.
ગુજરાત કોમન યુનિવર્સિટી બિલના ડ્રાફ્ટની જોગવાઇઓ જોતા અગાઉ વિરોધના લીધે જે કાયદો રદ થયો હતો. તે જ ફરી પાછો કોમન એક્ટના માધ્યમથી આવી રહ્યો છે. તે જોતા એવું લાગી રહ્યુ છે કે, લાગુ થનારો કાયદો ખાનગીકરણને ચોક્કસથી વેગ આપનારો કાયદો છે, માત્ર સરકારી યુનિવર્સિટીને આ કોમન એક્ટ લાગુ કરવામાં આવી રહ્યો છે. જે પ્રકારે સંચાલક મંડળો ઉપર કોડ ઓફ કંડક્ટ લાગુ કરવો, યુનિવર્સિટીના અધ્યાપકો અને કર્મચારીઓને આઈપીસી કલમ -21ની વ્યાખ્યા પ્રમાણે જાહેર સેવક ગણવા, વિદ્યાર્થીઓના પ્રતિનિધિત્વને ખતમ કરવું, યુનિવર્સિટીની સ્થાવર અને જંગમ મિલકતોને લીજ પર આપવી, ભાડે કે વેચાણ આપવી, સેનેટ ખતમ કરવી, સિન્ડીકેટ, બોર્ડ ઓફ મેનેજમેન્ટ સહિતની યુનિવર્સિટીની વિવિધ વહીવટીય સમિતિઓ વગેરે જોગવાઇઓ યુનિવર્સિટીની સ્વાયત્તા પર પૂર્ણવિરામ સૂચવે છે. આ ઉપરાંત ગુજરાત કોમન યુનિવર્સિટી બિલની મોટા ભાગની જોગવાઇઓ શિક્ષણ હિતમાં ન હોવાથી આ બિલ લાગુ કરવામાં ન આવે તેવી માગણી કરવામાં આવી હતી.