તારીખ ૧૪ મી જૂનના કિરીટ મેઘાવાલાના પત્ર સંદર્ભે રજૂઆત, હું માનું છું ત્યાં સુધી આપણા દેશમાં આજની તારીખે ફક્ત ચાર મહાનગરોને મેટ્રો સિટીનો દરજ્જો જાહેર કરાયો છે, એ દિલ્હી, કલકત્તા, મુંબઈ અને મદ્રાસ (ચેન્નાઈ) છે. આપણા ગુજરાતમાં આર્થિક રીતે સદ્ધરતાની દૃષ્ટિએ પાટનગર તરીકે અમદાવાદ છે, પરંતુ હકીકતમાં આજે સુરત શહેર એને વટોળીને બધી રીતે સદ્ધર અને સમૃદ્ધ થાય છે ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારના સાંપ્રત સમયના સત્તાધીશો દ્વારા ડબલ એન્જિનની સરકારના મદ કહો કે,અતિરેક થકી, કોઈ પણ પ્રકારની પ્રજાજોગ હાલાકીનું પૂર્વાવલોકન કર્યા વગર જ જાણે સુરતમાં મેટ્રો રેલનો પ્રોજેક્ટ રીતસર માથે મારેલું વજનદાર કાટલું જ નથી લાગતું?
વિકાસ.. વિકાસની આંધળી હરણફાળ ભરીને શહેર આખામાં નાગરિકોની તમામ પ્રકારની.. આર્થિક, સામાજિક, માનસિક અને શારીરિક રીતે સ્વસ્થતાને સીધી રીતે અસર પહોંચે છે એવી બેહદ તકલીફોનો જરાય તલસ્પર્શી અભ્યાસ કરવામાં આવ્યો નથી એ નગ્ન સત્ય મતદારો અને શાસકોએ સ્વીકૃત કરવું જોઈશે. કોઈ પણ રાજ્ય કે દેશના વિકાસ માટે બેઉ પક્ષે હળી મળીને રચનાત્મકતાને સાકાર કરવી હિતાવહ છે.બાકી કાગડો જો હંસની ચાલ ચાલવાની કોશિશ કરવાથી હંસ કહેવાય એ નરી ભ્રમણા છે.
જાહેર સરકારી ખર્ચાની બાબતે લોકજીભે નરી કટુતાના વેણ સાંભળી રહેલી હાલની ડબલ એન્જિનની સરકાર હજી પણ ભ્રમમાં રહેતી હોય એવી લાગે છે. મુંબઈ એ મુંબઈ કહેવાય અને સુરત એ સુરત કહેવાય .. ગુજરાતમાં કહેવાય છે કે, આંધળું અનુકરણ એ સામે ચાલીને માંગેલું મૃત્યુ છે.વણનોતરેલો વિકાસ સરવાળે સત્તાધીશોની ખુરશીઓનો વિનાશ કરી શકે છે. સત્તાના નશામાં ધૂત એવા કોઈ પણ પક્ષના સૂત્રધારોએ પ્રજામતને પ્રાધાન્ય આપવામાં કસર છોડી, યેનકેન ખુરશી જ પકડી રાખી છે,ત્યારે એ વહેલા મોડા ભોંયભેગા ( ઘર ભેગા ) થતાં આવ્યા ના અઢળક કિસ્સાઓ જગજાહેર છે.
સુરત – પંકજ શાં. મહેતા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.