એક દિવસ બાદશાહ અકબરે બીરબલને પૂછ્યું, ‘બીરબલ, આ સંસારમાં આટલી વિષમતા કેમ છે કોઈ ગરીબ છે કોઈ અમીર …કોઈ સુખી છે કોઈ દુઃખી ….કોઈ પૈસાના ઢગલા પર આળોટે છે અને કોઈને બે ટંક ખાવાના સાંસા છે.’ બીરબલે કહ્યું, ‘જહાંપનાહ, આ તો ઉપરવાળાનો ન્યાય છે.પરમપિતા ઈશ્વર દયાળુ છે અને જેને જે આપવાનું હોય તે આપે જ છે.જેને જે મળે છે તે પોતાનાં કર્મો પ્રમાણે મળે છે.’ અકબર બાદશાહે કહ્યું, ‘બીરબલ, આ થોડો જવાબ છે…ભગવાનને વચ્ચે લાવવાનો કોઈ અર્થ નથી.ઉપરવાળો અલ્લા હોય કે ભગવાન તે અન્યાય થોડા કરે તે તો બધાના પરમપિતા છે તો કોઇપણ પિતા આવું થોડું કરે કે પોતાના એક સંતાનને વધુ આપે અને બીજા સંતાનને ઓછું આપે…ભગવાન પોતાનાં બધાં બાળકો પર સરખી જ કૃપા કરે ને કારણ કે તેના માટે તો તેના બધાં સંતાનો એક સમાન જ હોય ને…’
બીરબલે કહ્યું, ‘બાદશાહ સલામત, હું તમારા સવાલના જવાબ રોજ આપું છું.આજે તમે મને જવાબ આપો કે તમે બાદશાહ છો તો તમારી નજરમાં તમારી બધી પ્રજા એક સમાન જ છે ને…??તમારા નગરમાં બધા માટે એક જ કાનૂન અને નિયમો છે ને?? ’અકબર બાદશાહ થોડા ગુસ્સે થઈ બોલ્યા, ‘આ કેવો સવાલ કરે છે તું ?? શું તને મારા પર શક છે ?? શું હું પક્ષપાતી અને અન્યાયી છું ??’ બીરબલ બોલ્યો, ‘ના ના બાદશાહ, સલામત ગુસ્તાખી માફ. હું તો માત્ર પૂછું છું કે જો તમારે માટે બધા એક સમાન જ છે તો પછી જુદા જુદા કામ કરવાવાળાને જુદા જુદા પગાર કેમ આપવામાં આવે છે.બધા રાજ્યની પ્રજા છે અને આપણા રાજ્ય માટે જ કામ કરે છે…બધા આખો દિવસ સેવા આપે છે છતાં તો તેમનું વેતન જુદું જુદું શું કામ છે??’ અકબર બાદશાહે કહ્યું, ‘બીરબલ તું તો ચતુર છે, શું તને એટલી ખબર પડતી નથી કે કોણ શું કામ કરે છે તેની પર તેનું વેતન નક્કી થાય છે…જેનું જેવું કામ તેવો તેનો પગાર …’
બીરબલ આછું હસ્યો અને બોલ્યો, ‘બાદશાહ સલામત , જેમ તમે તમારી પ્રજાને એક સમાન ગણો છો…બધા માટે એક સરખા નિયમો અને એકસરખી સાર્વજનિક સુવિધાઓ આપો છો તેમ ઈશ્વર પણ બધાને એક ગણે છે.તેણે આ સૃષ્ટિ બધા માટે બનાવી છે.હવા ,પાણી ,સુરજની રોશની બધું જ બધા માટે છે.બધા માણસોને એક સમાન શરીર અને મગજ આપ્યા છે.પણ જે જેવું કામ કરે છે ..જે જેટલી મહેનત કરે છે તે પ્રમાણે તેને તેના કામનો પગાર મળે છે તેવી જ રીતે જીવનમાં જે મનુષ્ય જે કર્મો કરે છે તે પ્રમાણે ભગવાન તેને ફળ આપે છે .’અકબર બાદશાહ બીરબલની વાત સમજી ગયા.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.