મંદિરમાં મોટો ઉત્સવ હતો. નગરશેઠ મનોરથના યજમાન હતા. ઠાકોરજીને આજે છપ્પન ભોગ ધરાવવામાં આવ્યા હતા. વિધવિધ જાતનાં અનેક પકવાનોની હાર હતી અને દર્શન કરવા માટે મંદિરમાં ભક્તોની ભીડ હતી. આગળથી દર્શન કરવા માટે ભક્તો ધક્કામુક્કી કરી રહ્યાં હતાં. આ બધું જોઇને પ્રભુ મંદ મંદ હસી રહ્યા હતા. લક્ષ્મીજીએ પૂછ્યું, ‘પ્રભુ, આજે બહુ ખુશ લાગો છો. આ છપ્પ્નભોગના અગણિત પકવાનોમાંથી પ્રભુ તમારા ભાવતા મનપસંદ પકવાન ક્યાં છે તે મને કહો ને અને તમને ભાવતાં ભોજન જમાડનાર ભક્તો તો તમને ખૂબ જ પ્રિય હશે ને.’
ભગવાન મીઠી મુસ્કાન સાથે બોલ્યા, ‘દેવી, તમે તો જાણો છો મને તો કોઈ પકવાનની ખાસ પસંદ નથી. પકવાન મહત્ત્વનાં નથી ,મહત્ત્વનો છે જમાડનારનો ભાવ. સંપૂર્ણ ભાવથી કેળાની છાલ કે તુલસીનું પાન મને જમાડો તો તે પણ મને પસંદ છે અને ચાલો, આજે તમને કહું કે મારાં ભક્તોમાં મને શું વધુ પસંદ છે.’ લક્ષ્મીજી પ્રભુ પાસેથી તેમની પસંદ જાણવા આતુર બન્યાં. પ્રભુએ કહ્યું, ‘મારાં ભક્તો મારાં દર્શન કરવા આવે છે અને ત્યારે તેની પ્રેમભરેલી આંખોમાંથી વહેતાં અશ્રુ સાથે જે પ્રેમ છલકાય છે તે પ્રેમ-ચળકતી આંખો મને બહુ ગમે છે.
તેમનું મારા પ્રત્યેની શ્રધ્ધાથી મારાં ચરણોમાં ઝૂકેલું મસ્તક મને પસંદ છે.’ ત્યાં જ ભક્તોનાં દર્શનની ભીડમાં ધક્કામુક્કી થઈ અને એક ડોશીમા પડી ગયાં. એક યુવાને તેમને તરત હાથ પકડી ઊભાં કર્યાં અને હાથ ઝાલીને આગળ લઇ જઈ દર્શન કરાવ્યાં. પ્રભુ બોલ્યા, ‘દેવી, જુઓ આ બીજાને સહયોગ આપતાં મારાં ભક્તોના હાથ, સેવા કરતાં હાથ મને બહુ જ પસંદ છે.’ મંદિરમાં વ્યવસ્થા જાળવવા સ્વયંસેવકો ઊભે પગે સેવા આપી રહ્યા હતા. ધક્કામુક્કીમાં એક છોકરી પડી ગઈ અને માથામાંથી લોહી નીકળ્યું. એક સ્વયંસેવક તેને ઊંચકીને ડોક્ટર પાસે લઇ જવા દોડ્યો.
પ્રભુ બોલ્યા, ‘દેવી જુઓ, મારાં દર્શન કરવા નહિ પણ અન્યને મદદ કરવા દોડી રહેલાં ભક્તના પગ મને પસંદ છે.’એક વીઆઈપી આવ્યા, આગળ જવા જગ્યા કરવામાં આવી પણ તેમણે કહ્યું, ‘ના, હું કતારમાં ઊભો રહીને મારો વારો આવશે ત્યારે જ દર્શન કરીશ. બધા દર્શન માટે જ આવ્યાં છે.’ ભગવાને દેવી લક્ષ્મીને કહ્યું, ‘દેવી, દિલની નમ્રતા અને હૃદયની સચ્ચાઈ મને પસંદ છે. મારાં ભક્તોમાંથી જેની પાસે પ્રેમભરેલી આંખો, સાચી શ્રધ્ધાભરેલાં નમન, સેવા કરતા હાથ, અન્યની સેવા માટે દોડતા પગ, સાચું બોલતી જીભ છે તે ભક્તો મને વધુ પ્રિય છે.’
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.