એક દિવસ એક શિષ્ય ગુરુજી પાસે આવ્યો અને બોલ્યો, “ગુરુજી, તમારું માર્ગદર્શન જોઈએ છે…..” શિષ્ય બે મિનીટ અટક્યો પછી કંઇક વિચારી બોલ્યો, “ગુરુજી, મારે ભગવાનની નજરોમાં નંબર વન બનવું છે… ઈશ્વરની પહેલી પસંદ બનવું છે તો મારે શું કરવું? શું હું રોજ યજ્ઞ કરું? શું હું સતત તેમનું નામસ્મરણ કરું? શું હું તમારી જેમ સફેદ કપડાં પહેરું? કે પછી એકદમ વૈરાગી બની ભગવાં પહેરી લઉં ?ઉપવાસ કરું કે ફળાહાર કરું? બસ ગુરુજી મને ઈશ્વરના પ્રિય …સૌથી પ્રિય બનવાનો રસ્તો બતાવો …તે માર્ગ ગમે તેટલો અઘરો હશે હું તે માર્ગ પર ચાલીશ.”
ગુરુજી શિષ્યની વાત સાંભળી હસી પડ્યા પછી બોલ્યા, “વત્સ, આપણે બધા ઈશ્વરને વ્હાલા છીએ તેમાં કોઈ હોડ ન હોય પણ હા તું જે બધા રસ્તા બોલ્યો તે અઘરા છે તેમાંથી એકનું પણ રોજ પાલન કરવું અઘરું છે તે તું રોજ કરે તો પણ ઈશ્વરનો પૂર્ણ પ્રેમ મળે કે નહિ તેમાં સંદેહ છે.પણ હું તને એક રસ્તો બતાવું છું આમ અઘરો પણ છે …અને સહેલો પણ… પાલન તારે કરવાનું છે.” શિષ્યે અધીરાઈ સાથે કહ્યું, “ગુરુજી,જલ્દીથી મને તે રસ્તો કહો ગમે તેટલો અઘરો હશે હું તેનું પાલન કરીશ અને ઈશ્વરને સૌથી પ્રિય બનીને રહીશ.”
ગુરુજી બોલ્યા, “વત્સ,ધ્યાનથી સંભાળ……ઈશ્વરને પસંદ છે તેના ભક્તની પ્રેમભરી આંખો….જો તારી આંખોમાં પ્રભુ પ્રત્યે પારાવાર પ્રેમ છલકતો હશે…અને તું પરની માત્રને પ્રેમ કરીશ તો ઈશ્વરને ગમીશ.ઈશ્વરને પસંદ છે પરમ શ્રદ્ધા …તું શ્રદ્ધા શાહ ભક્તિથી શીશ નમાવીશ અને દરેક પ્રાણીમાત્રના હૈયામાં વિરાજિત પ્રભુની સમક્ષ માથું ઝુકાવી બધ સાથે નમ્રતાથી વર્તીશ તો ઈશ્વરને ગમીશ…..વત્સ, યાદ રાખજે ઈશ્વરને પસંદ છે બીજાને મદદ કરતા હાથ …જો તું દરેકની સેવા કરવા તત્પર રહીશ તો તે પ્રભુસેવા ગણાશે અને પ્રભુ તને પસંદ કરશે….
ઈશ્વરને પસંદ છે સન્માર્ગ પર ચાલતા પગ …જો તું સાચા ..ઇમાનદારીના માર્ગે ચાલીશ તો ઈશ્વર તારી સાથે રહેશે…અને ઈશ્વરને પસંદ છે સાચું અને મીઠું બોલતી જીભ…જો તું બધા જોડે પ્રેમથી મીઠી વાણી બોલીશ અને સ્વાર્થ માટે કયારેય જુઠું નહિ બોલે તો ઈશ્વર તને અચૂક વ્હાલ કરશે.જો તું આ બધાનું પાલન કરીશ તો આપોઆપ નંબર વન માનવી અને ભક્ત બની જઈશ.”શિષ્યે ગુરુએ ચીંધેલા માર્ગે ચાલવાનો નિર્ણય લીધો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.