Gujarat

ગોધરામાં લાખો રૂપિયા લઈને NEET પરીક્ષાર્થીઓના પેપર ‘નિષ્ણાંતો’એ લખ્યા હતા, અડધો કલાકમાં ખેલ થયો

અમદાવાદ: મેડિકલ અભ્યાસ માટે લેવાતી NEETની પરીક્ષામાં મોટા પાયે ગેરરીતિ અને ગોલમાલના એક પછી એક કાળા કારનામા બહાર આવી રહ્યાં છે. ગોધરામાં પણ લાખો રૂપિયા લઇ નીટની પરીક્ષામાં નિષ્ણાતો દ્વારા પેપર લખવામાં આવ્યા હોવાની હકીકત બહાર આવી છે. પેપર પેક કરવા માટે ફાળવવામાં આવેલા અડધો કલાકના સમયમાં જ મોટો ખેલ પાડવામાં આવ્યો છે. તેવામાં આ સમગ્ર કૌભાંડ ગોધરાની જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલમાં બહાર આવ્યું છે, ત્યારે આ સ્કૂલના સંચાલકો સામે તપાસ એજન્સી દ્વારા ગંભીરતાથી કોઈ જ તપાસ કરવામાં આવતી નથી, તે બાબતો અનેક ગંભીર સવાલો ઊભા કરે છે.

પ્રદેશ કોંગ્રેસના મિડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, સરકારી ઈજનેરી કોલેજ તૈયાર હોવા છતાં ગોધરા ખાતેની જય જલારામ ઈન્ટરનેશનલ સ્કૂલને નીટના પરીક્ષા કેન્દ્ર કેવી રીતે ફાળવણી કરવામાં આવી ? જય જલારામ ઈન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટી દિક્ષિત પટેલ, અમદાવાદથી દિલ્હી ૧૨મી માર્ચે કોને મળવા માટે ગયા હતા ? શું આ એક દિવસની દિલ્હી મુલાકાતમાં કોઈ વિશેષ વ્યક્તિઓ સાથે મીટીંગ કરી ? કારણ કે તા. ૧૬મી માર્ચે નીટનું રજિસ્ટ્રેશન બંધ કરવામાં આવ્યું અને પાછળથી ખાસ કિસ્સામાં ૯મી એપ્રિલના રોજ વિન્ડો ખોલવામાં આવી હતી.

જેમાં માત્ર એક જ દિવસમાં ૨૪,૨૪૬ જેટલા વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું આ પૈકીના કેટલા વિદ્યાર્થીઓ નીટમાં ટોપર થયા ? કેટલા ક્વોલીફાઈડ થયા ? નીટ પરીક્ષાના દસ દિવસ પહેલા એટલે કે તા. ૨૫-૪-૨૦૨૪ ના રોજ વડોદરાથી દિલ્હી ખાસ એક દિવસ માટે દિલ્હીમાં ક્યા મહાનુભાવોને મળવા ગયા હતા ? ક્યા અધિકારી-પદાધિકારી સાથે વિશેષ બેઠક કરી ? આ અંગે પણ તટસ્થ તપાસ થવી જોઈએ કારણ કે ગોધરાની જય જલારામ ઈન્ટરનેશનલ સ્કૂલ જ્યાં નીટ કૌભાંડ થયું ત્યાંના સેન્ટર ઈન્ચાર્જ અને વડોદરાની એજન્સીની પણ સાંઠગાંઠ સામે આવી છે.

એજન્ટો સાથે સાંઠગાંઠ ધરાવતા પરીક્ષાર્થીના ફોર્મ પણ એજન્ટો જ ભરે છે
ડૉ. મનિષ દોશીએ વધુમાં કહ્યું હતું કે ચોકકસ પરીક્ષાર્થીઓને પસંદગીના નાના સેન્ટરોના પરીક્ષા કેન્દ્રોની ફાળવણી નેશનલ ટેસ્ટીંગ એજન્સી (NTA)ની સાંઠગાંઠ વગર શક્ય બને નહીં. તે તપાસનો વિષય છે. એવા કિસ્સા ધ્યાને આવ્યા છે કે પ્રથમ પ્રયાસમાં બે-ત્રણ લાખ જેવો રેન્ક મેળવનારા પરીક્ષાર્થીઓએ બીજા પ્રયાસમાં ૮૦૦૦ કે ૧૩૦૦૦ જેવો રેન્ક હાંસલ કરી લીધો. એટલું જ નહીં પસંદગીના નાના સેન્ટરોમાંથી જ પરીક્ષા આપીને આ અસામાન્ય દેખાવ કર્યો હતો.

પરીક્ષાર્થીઓને પસંદગીના સેન્ટર મળવાની ઘટના પણ તપાસનો વિષય છે. નીટની પરીક્ષા માટે અરજી કરવામાં આવે ત્યારે પરીક્ષાર્થીઓને પસંદગીના બે સેન્ટર પસંદ કરવાનો વિકલ્પ આપવામાં આવે છે. એજન્ટો સાથે સાંઠગાંઠ ધરાવતા પરીક્ષાર્થીના ફોર્મ પણ એજન્ટો જ ભરે છે અને પરીક્ષાના વતનથી ઘણાં દુર – અંતરીયાળ – નાના સેન્ટર પસંદ કરે છે. સારો રેન્ક મળી જવાની ખાતરી આપે છે. જેમાં લાખો રૂપિયાની ગોઠવણો થવાનું સામે આવ્યું છે.

Most Popular

To Top