જે વ્યક્તિ સચ્ચાઈ-ઈમાનદારીના માર્ગે ચાલે છે. તેની અનેક વાર કસોટી કરે છે. અનેક વિરોધ-અવરોધ આવે છે. જીવનમાં પડકારનો સામનો કરવો પડે છે. જ્યારે નીતિ છોડીને અનીતિના માર્ગે ચાલે છે અને કાળા-ગોરખધંધા કરે છે. તેને કાંઈ નડતું નથી. વૈભવ વિલાસવાળી જિંદગી જીવીને તાગડધિન્ના કરતો હોય છે. અંતે તો અંજામ બૂરો આવે છે. સીતારામ પરિવારના બાલુરામ બાપુ સત્સંગ- સભામાં કહે છે. ઉજળું એટલું સોનું નથી હોતું. આથી નીતિમત્તા જાળવી રાખવી જોઈએ. સત્યનો આખરે વિજય થાય જ છે.
તરસાડા – પ્રવીણસિંહ મહીડા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
દબાણ એક મહાસમસ્યા
નગરપાલિકા હોય કે મહાનગરપાલિકા એમાં થતાં દબાણો એક માથાના દુખાવા પુરવાર થતા આવ્યા છે. ખાસ કરીને રોડની આસપાસ અને ફૂટપાથ પર ફેરિયા, ખાદ્ય સામગ્રી વિક્રેતા પણ અમુક અંશે ગેરકાયદેસર દબાણ કરે છે. આના કારણે ફૂટપાથ પર ચાલનારા રાહદારીઓને તેમજ વાહનચાલકોને પણ ભયંકર હાડમારી થાય છે. એક તો દુકાનોમાં ખરીદી કરવા આવતા ગ્રાહકોની અવરજવર તેમજ આ લોકોએ કરેલાં દબાણોને કારણે રોડ રસ્તાના અવરોધને કારણે રસ્તા સાંકડા થાય છે એટલે અમુક વખતે અકસ્માતો પણ સર્જાતા હોય છે.
મહદ્ અંશે હપ્તાખોર પોલીસ અને પોલીટીશ્યન પણ આ વર્ગને છાવરે છે. આ ત્રાસ કોઇ એક શહેરનો નથી. ભારતનાં લગભગ તમામ શહેરોની આ જ પરિસ્થિતિ છે અને દિવસે દિવસે આ ત્રાસ વધતો જ જાય છે. સરકાર અને લોકલ ઓથોરીટીના ભ્રષ્ટાચારી અધિકારીઓ જયાં સુધી એમને છાવરતાં રહેશે ત્યાં સુધી પ્રજાએ આ મુશ્કેલીનો સામનો કરવો જ રહ્યો. પ્રજા બિચારી લાચાર બનીને આ ત્રાસ વેઠી રહી છે શું થાય? આમાંથી નીકળવાનો કોઇ ઉપાય ખરો?
સુરત – શીલા સુભાષ ભટ્ટ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
