આપણે સુખની મીમાંસાને સમજ્યા. ભગવાન કૃષ્ણે યોગી ભક્તના સુખને અંતિમ અને શાશ્વત સુખ કહ્યું છે. હવે આ અંકમાં તેઓ એક વિશેષ દૃષ્ટિકોણની વાત કરે છે તેને સમજીએ. આપણાં પ્રાચીન શાસ્ત્રો નિરંતર એક વાત સમજાવી રહ્યા છે કે સમગ્ર બ્રહ્માંડમાં ભગવાન વ્યાપીને રહેલા છે. જડ કે ચૈતન્યમાં એવું ક્યાંય કોઈ નથી જેમાં ભગવાન ન હોય. શ્રીમદ્દભગવદ ગીતા પણ સર્વત્ર ભગવાનને જોવાની દૃષ્ટિ ઉપર ભાર મૂકતાં જણાવે છે.
सर्वभूस्थमात्मानं सर्वभूतानि चात्मनि।
ईक्षते योग्युक्तात्मा सर्वत्र समदर्शन: ।। (ગી.- ૬/૨૯)
યોગી સર્વત્ર સર્વ પ્રાણીઓમાં ભગવાનને અને ભગવાનને સર્વ પ્રાણીઓના આધાર તરીકે જુએ છે. અમેરિકન તત્ત્વચિંતક એમર્સન જ્યારે આ શ્લોક વાંચતા ત્યારે હર્ષપુલકિત થઈ જતા, નાચી ઊઠતા અને કલાકો સુધી તેઓની આંખોમાંથી અશ્રુ વહ્યા કરતા. ભગવાન સર્વવ્યાપક છે. એ ભાવનાઓનો આ પ્રતાપ હતો. જેને ‘જ્યાં જુએ ત્યાં રામજી બીજું ન ભાસે રે’… મનાય તેને સૌ પોતાના લાગવા માંડે. આવા આત્મીયભાવથી હૃદય ગદગદિત બને ત્યારે ઉપરોક્ત અનુભૂતિ સાકાર થાય છે.
શ્રીકૃષ્ણ ભગવાન અર્જુનને ભગવાનના સ્વરૂપ વિશે આ સમજ આપતાં કહે છે :
वासुदेव सर्वमिति स महात्मा सुदुर्लभ:।
સર્વ કાંઈ ભગવાનમય છે એમ માનનારો મહાત્મા દુર્લભ છે. તુલસીદાસ આવા મહાત્માને વંદન કરતાં કહે છે:
“સિયારામમય સબ જગ જાની,
કરહુ પરનામ જોરી જુગ પાનિ.”
જો સમગ્ર જગત ભગવાનમય જણાય તો એકેય અઘટિત કાર્ય ન થાય. ભગવાનનો કેમેરો સર્વત્ર ગોઠવાયેલો છે અને તે મારી પ્રત્યેક ક્રિયાની છબી ઝીલે છે, તેવી સમજથી આખું જીવન વ્યવસ્થિત થઈ જાય. જો ડોક્ટર દર્દીમાં ભગવાન જુએ અને વેપારી ગ્રાહકોમાં ભગવાન જુએ તો છેતરપિંડી જડમૂળથી ઊખડી જાય. આપણા ગુરુકુળમાં નાનપણથી જ બાળકોને આ સંસ્કાર અપાતા.
એક વાર એક ઋષિએ પોતાના તમામ વિદ્યાર્થીઓને એક ફળ આપીને કહ્યું : “આ ફળને લઈ જાઓ અને તમને કોઈ ન જુએ એવી જગ્યાએ જઈ તમારે તે ખાઈ લેવાનું.” ઋષિની વાત પ્રમાણે કોઈએ ઝાડની ટોચ પર, તો કોઈએ ઝાડની બખોલમાં સંતાઈને ફળ ખાઈ લીધું. કોઈ રાફડામાં ઘૂસ્યું તો કોઈ ખેતરમાં પહોંચ્યું. સૌ ફળ ખાઈને પરત આવ્યા ત્યારે એક વિદ્યાર્થી ફળ એવું ને એવું જ લઈને પાછો ફરેલો. ઋષિએ પૂછ્યું : “શું તને એવી કોઈ જગ્યા ન મળી કે જ્યાં કોઈ તને જોઈ ન શકે ?” ત્યારે તે વિદ્યાર્થીએ કહ્યું : “ગુરુજી! તમે જે શીખવાડ્યું છે કે બધે જ ભગવાન આપણને જુએ છે. તેથી હું આપણી શરત અનુસાર ફળ ખાઈ શક્યો નથી.” ગળથૂથીમાં સિંચાઈ ગયેલા આ સંસ્કાર આગળ જતા સંસ્કાર સમૃદ્ધ સમાજનું સર્જન કરે છે. એ સમાજમાં સૌ પ્રત્યે સમાન ભાવ રહે છે. ગીતા માતા એક સત્ય ઉચ્ચારતાં કહે છે કે :
“વિદ્યા વિનય સંપન્ન બ્રાહ્મણ, ગાય, હાથી, કૂતરાં કે ચાંડાળ – સૌ પ્રત્યે પંડિતો સમભાવવાળા હોય છે. કારણ કે તેઓ સૌમાં ભગવાન જુએ છે.” (ગી. – ૫/૧૮)એક વાર પ્રમુખસ્વામી મહારાજે અમેરિકાના યુવાનોને સંબોધતા કહેલું : તમે સૌ ભગવાનનાં સંતાનો છો. આ જ રીતે સ્વામીએ રાત્રે એક વાગ્યે મોટી બેજમાં આદિવાસી ભાઈઓને સંબોધતાં કહેલું : “આદિ એવા જે ભગવાન તેનો જેમાં વાસ છે તે આદિવાસી. હું તમારા સૌમાં ભગવાન દેખું છું.”
ઈશાવાસ્ય ઉપનિષદમાં પણ આ જ વાત દૃઢ કરાવવામાં આવી છે. ગાંધીજી આ મંત્રને વાંચીને કહેતા કે “કદાચિત ભારતવર્ષનાં બધાં જ શાસ્ત્રો આક્રમણખોરો સળગાવી નાંખે, પરંતુ આ એક જ મંત્ર ભારતને ફરીથી ઊભું કરી શકે છે.” જો ભગવાનને સર્વત્ર જોવાની દૃષ્ટિ આવી જાય તો પછી આ વિશ્વમાં હંમેશાં માટે શાંતિનું સામ્રાજ્ય સ્થાપિત થઈ જાય. હિંસા, યુદ્ધ અને લૂંટફાટ જેવી ક્રિયાઓ સદંતર બંધ થઈ જાય. કોઈ કોઈની સાથે વૈર ન રાખી શકે. જાતિ અને ધર્મના આધારે ક્યારેય ઝગડા ન થાય. આવી આ ચમત્કારી દૃષ્ટિ છે.
ભગવાન સ્વામિનારાયણ આ દૃષ્ટિને સિદ્ધ દશા કહે છે. તેઓ વચનામૃત ગ્રંથમાં સમજાવે છે કે “અક્ષરધામને વિષે જે ભગવાનની મૂર્તિ અખંડ વિરાજમાન રહે છે, તે મૂર્તિને સ્થાવર-જંગમ સર્વે આકારને વિષે જ્યાં જ્યાં દૃષ્ટિ જાય ત્યાં ત્યાં સાક્ષાત્કાર દેખે અને એ મૂર્તિ વિના બીજું અણુમાત્ર પણ ભાસે નહીં. એ સિદ્ધદશાનું લક્ષણ છે.”(વચ. વર. ૭) તો આપણે આપણા જીવનમાં બધાને ભગવાનની દૃષ્ટિથી જોઈ શકીએ અને ભેદભાવને દૂર કરીએ.