ભગવાન જગન્નાથજીના પરમ ભક્ત માધવદાસજીના જીવનચરિત્રની વાત છે. ભક્ત માધવદાસજીનાં પત્નીનું મૃત્યુ થયું અને સંતાન ખૂબ જ નાનું હતું. માધવદાસજી ખૂબ જ ચિંતામાં વ્યગ્ર હતા કે આટલા નાના બાળકની સાર સંભાળ ઉછેર હું કઈ રીતે કરી શકીશ? મારા ભગવાનની ભક્તિમાં વિક્ષેપ પડશે અને આટલું નાનું બાળક મા વિના કેવી રીતે મોટું થશે? માધવદાસજી આ ચિંતામાં બેઠા હતા ત્યાં જોરદાર પવન ફૂંકાયો અને પવનની થપાટથી ઝાડ ઉપર એક પંખીનો માળો હતો જેમાં પૂર્ણ રીતે સેવાયેલાં ઈંડાં હતાં તેમાંથી એક ઈંડુ નીચે પડી ગયું.
માધવદાસજીએ ઈંડાને નીચે પડતાં જોયું, તેમનો જીવ અરેરાટી પોકારી ઊઠ્યો કે અરે, આ ઈંડુ નીચે પડીને ફૂટી જશે અને બચ્ચું મરી જશે પણ વિધાતાનો ખેલ કહો કે નિયતિએ ઈંડું નીચે પડ્યું પણ સૂકા ઘાસના ઢગલા પર…. ઈંડું ઘાસ પર પડ્યું એટલે તેમાં તિરાડ જ પડી અને તિરાડ પડતાં તેમાંથી બચ્યું બહાર આવ્યું. સૂકા ઘાસનો ઢગલો હતો તેમાં જીવાતો હતી એટલે બચ્ચાને ખોરાક પણ તરત જ મળી ગયો અને બચ્ચું કુદરતની કૃપાથી બચી ગયું. આ દૃશ્ય જોઈને માધવદાસજીની આંખોમાંથી દડ દડ આંસુ વહેવા લાગ્યાં. તેમના મનની વ્યગ્રતા દૂર થઈ ગઈ. જાણે ઈંડાના પડવાથી બચ્ચાનાં બચી જવાના બે ઘડીના સમયમાં તેમને પોતાના મનના પ્રશ્નનો ઉકેલ મળી ગયો.
ભક્ત માધવદાસજીને સમજાઈ ગયું કે હું નાહક ચિંતા કરું છું.બધું મારો જગન્નાથ જ કરે છે. મારો ઈશ્વર જેને જન્મ આપે છે, આ સૃષ્ટિ પર લાવે છે તે બધાને જાળવે છે. મારો ભગવાન બધાની જ સારસંભાળ રાખે છે. આ એક ઈંડું પડ્યું છતાં તેની અંદરના જીવને તેણે બચાવ્યો અને તરત જીવવા માટે ખોરાક પણ પૂરો પાડ્યો તો પછી મારા નાનકડા સંતાનના ઉછેરની ચિંતા હું શા માટે કરું? મારો ભગવાન જે કરશે તે બરાબર જ કરશે, તેની મરજી મુજબ જ બધું થાય છે અને થશે. ઈશ્વર જ પાલનહાર છે. હું મારા ભગવાન ઉપર ભરોસો રાખું અને બસ તેની ભક્તિ કરું માધવદાસજી ભગવાન જગન્નાથની ભક્તિમાં લીન થઈ ગયા.– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.