નવી દિલ્હી: અમેરિકાના (America) પેન્સિલવેનિયામાં થયેલા હુમલા બાદ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) પોતાનું પહેલું ઈન્ટરવ્યુ (Interview) આપ્યુ હતું. જેમાં તેમણે હુમલા બાદ પણ વક્તવ્ય આપવાની પોતાની ઇચ્છાને પ્રગટ કરી હતી. આ સાથે જ ટ્રમ્પે પોતાના આઇકોનિક બ્લડવાળા ફોટાની પણ વાત કરી હતી.
78 વર્ષીય ટ્રમ્પે ઇંટરવ્યુમાં કહ્યું કે મારા મોતની સંભાવના તો પૂરી હતી પરંતુ ભગવાને જ મને બચાવ્યો છે. આ હુમલો મારા માટે એક અવાસ્તવ અનુભવ હતો. ટ્રમ્પે પોતાના ઈન્ટરવ્યુમાં કહ્યું કે ગોળી માર્યા બાદ પણ તેઓ બોલવા માંગતા હતા. પરંતુ સિક્રેટ સર્વિસે તાત્કાલિક હોસ્પિટલ જવાનો આગ્રહ કર્યો હતો. તેમજ તેમને હોસ્પિટલ ખસેડાયા બાદ તેમને તાત્કાલીક સારવાર આપવામાં આવી હતી.
પોતાના આઇકોનિક ફોટો પર પ્રતિક્રિયા આપતા ટ્રમ્પે ગોળી માર્યા બાદ ઉભા થઈને લડવાની વાત કરી હતી. ટ્રમ્પની આ તસવીર હાલ સમગ્ર વિશ્વમાં વાઇરલ થઇ રહી છે. ત્યારે ટ્રમ્પના જુસ્સાને જોઈને દુનિયા આ તસવીરને ઐતિહાસિક તસવીર કહી રહી છે. હવે ટ્રમ્પે પણ આ ફોટો પર પ્રતિક્રિયા આપી છે. ટ્રમ્પે કહ્યું કે ઘણા લોકો કહે છે કે આ તેમણે અત્યાર સુધીનો સૌથી આઇકોનિક ફોટો જોયો છે. સામાન્ય રીતે આઇકોનિક ફોટો મેળવવા માટે તમારે મરવું પડે છે. પણ હું બચી ગયો. આ સાથે જ ઇંટરવ્યુ દરમિયાન ટ્રમ્પે રાષ્ટ્રપતિ જો બિડેનના ફોન કોલની પણ પ્રશંસા કરી હતી.
મારે તો મરી જવું જોઈતું હતું: ટ્રમ્પ
રિપબ્લિકન નેશનલ કન્વેન્શન આજે સોમવારથી શરૂ થઈ રહ્યું છે. ત્યારે સંમેલનમાં ટ્રમ્પને 5 નવેમ્બરે યોજાનારી રાષ્ટ્રપતિ ચૂંટણી માટે પાર્ટીના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવશે. સંમેલનમાં હાજરી આપવા તેઓ મિલવૌકી જઈ રહ્યા હતા ત્યારે ટ્રમ્પે આ વાત કરી હતી. વાતચીત દરમિયાન ટ્રમ્પે હુમલાને યાદ કરતા કહ્યું કે, મારે અહીં આવવું જોઈતું ન હતું, મારે તો મરી જવું જોઈતું હતું.
યોગ્ય સમયે માથું ફેરવ્યુ, નહીં તો જીવ ગુમાવ્યો હોત
ડોનાલ્ડ ટ્રમ્પ પણ વિશ્વાસ કરી શકતા નથી કે તેઓ કેવી રીતે બચી ગયા. તેમણે કહ્યું, “સૌથી અવિશ્વસનીય વાત એ હતી કે મેં યોગ્ય સમયે અને યોગ્ય માત્રામાં માથું ફેરવ્યું. નહીં તર ગોળી આસાનીથી મારો જીવ લઇ લેત. હાલ ટ્રમ્પે તેમના કાનની આસપાસ સફેદ પટ્ટી બાંધી છે. ત્યારે હોસ્પિટલ સ્ટાફ પણ આ ઘટનાને એક ચમત્કાર માની રહ્યો છે. તેમજ ટ્રમ્પે કહ્યું કે નસીબ અને ભગવાનની કૃપાથી હું અહીં છું.