સુરત સારસ્વત બ્રહ્મસમાજ સાથે સંકળાયેલા રિધ્ધીશ જોષી એસ. આર. લુથરા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (એમ.બી.એ.) કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. તેમનો ધાર્મિક વાતાવરણમાં ઉછેર થયો છે અને ઈશ્વર પ્રત્યે ઘણી આસ્થા ધરાવે છે. તેઓ વિવિધ વિષયોમાં ઊંડું વાંચન ધરાવે છે. તેઓ વિદ્યાર્થીઓની વિચાર સમૃદ્ધિમાં સાર્વત્રિક વધારો થાય એ માટે હંમેશા પ્રયત્નશીલ રહે છે અને કર્મને ઈશ્વરની ઉપાસના ગણે છે. તેમની ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા અને પ્રાર્થના વિશેના તેમના વિચારો તેમના શબ્દોમાં…..
તમે ઈશ્વરની કેવી રીતે પ્રાર્થના કરો છો?
મારુ એવું માનવું છે કે ઈશ્વરને પ્રાર્થના કરવા માટે ઈશ્વરના ધામમાં કે ઈશ્વરની સમક્ષ ઉભા રહેવું જરૂરી નથી. તમે જયારે ઈચ્છો ત્યારે આંખ બંધ કરીને સાચા મનથી ઈશ્વરને જ્યાં પણ અને જયારે પણ ચાહો ત્યારે પ્રાર્થના કરી શકો છો. ઈશ્વર દરેક જગ્યાએ હાજરાહજૂર છે એવું હું દ્ઢપણે માનું છું. હું જયારે પણ ઈશ્વરને પ્રાર્થના કરું છું ત્યારે બને એટલો શક્ય પ્રયત્ન કરું છું હું સ્વકેન્દ્રી ન બની જાઉં. હું ઈશ્વરને પ્રાર્થું છું કે સર્વ લોકોને સંઘર્ષપૂર્ણ સમયમાં શક્તિ અને આનંદાયક સમયમાં મનને સ્થિર રાખવાની આવડત આપે. મારા થકી કોઈનું ભલું થાય અને એના ફળરૂપે આ દુનિયા સર્વ જીવસૃષ્ટિના જીવતર માટે શ્રેષ્ઠ જગ્યા બને એવી વિનંતી હું ઈશ્વરને કરું છું.
૨. ઈશ્વર હોવાની પ્રતીતિ તમે કેવી રીતે કરો છો?
મારા મત મુજબ કર્મના સિદ્ધાંતની હયાતી એ ઈશ્વરના હોવાની શ્રેષ્ઠ પ્રતીતિ છે. ભૂતકાળના સારા કર્મોના સારા ફળ અને ખરાબ કર્મોના ખરાબ ફળ એ આપણે સૌએ નાનામોટે પાયે પોતે પણ અનુભવ્યા હશે અને બીજાના દાખલા પણ જોયા હશે. ઈશ્વર સિવાય આ કોણ કરી શકે. હિન્દુત્વ સિવાય પણ કર્મનો ઉલ્લેખ સીધી કે આડકતરી રીતે વિશ્વના લગભગ દરેક ધર્મમાં જોવા મળે છે. હજી પણ દુનિયામાં જે સત્ય, પ્રેમ, શાંતિ, વિજ્ઞાન, પ્રમાણિકતા, નૈતિકતા, સકારાત્મક મૂલ્યો વગેરેની હાજરી પણ પળે પળે ઈશ્વરની પ્રતીતિના જ પુરાવા છે. ઈશ્વરની પ્રતીતિ એ કૈંક એવી ભાવના છે જે ફક્ત મનથી જ અનુભવી શકાય.
૩. તમે પુનઃજન્મમાં માનો છો? પુનઃજન્મ શા માટે માંગો છો?
હા ચોક્કસ જ હું પુનઃજન્મમાં મનુ છું. શરીર મૃત્યુ પામે છે પરંતુ આત્મા અમર છે. આત્મા નવા નવા શરીર થકી પોતાનું અસ્તિત્વ જીવંત બનાવતી રહે છે. આ જન્મ, જીવન, મૃત્યુ અને પુનઃજન્મની પ્રક્રિયા નિરંતર ચાલતી રહે છે. આ પ્રક્રિયામાંથી બહાર નીકળવાનો એક જ રસ્તો છે, એ છે મોક્ષ. હું ઈશ્વર પાસે પુનઃજન્મની જગ્યાએ મોક્ષની આજીજી કરું છે પરંતુ એ પણ સત્ય છે કે મોક્ષ મેળવવા માટે એને લાયક બનવું પડે. જ્યાં સુધી હું મોક્ષને લાયક ન બનું ત્યાં સુધી જેટલા પણ જન્મો મળે એમાં મારા થકી સત્કાર્યો થાય અને ઈશ્વરની ભક્તિ થાય એ જ પ્રાર્થના.
તમને તમારા જીવનના પ્રશ્નોનો ઉકેલ ઈશ્વર પાસેથી મળે છે?
ચોક્કસ જ મને મારા જીવનના બધા પ્રશ્નોના જવાબ ઈશ્વર પાસેથી મળે છે. ઈશ્વર સીધી કે આડકતરી રીતે તમારા પ્રશ્નો હલ કરવા હાજર થઇ જ જાય છે. ઈશ્વર જ તમને તમારા પ્રશ્નોના ઉકેલ લાવતા શીખવે છે. મારુ ચોક્કસપણે એવું માનવું છે કે ભક્તોને મુશ્કેલી આપતા પહેલા ઈશ્વર તેના ઉકેલ તૈયાર કરી નાખે છે. પછી એક વડીલ, માં, બાપ, પત્ની, સંતાન, શિક્ષક, પુસ્તક, કે અજાણી વ્યક્તિના સ્વરૂપમાં તેના ઉકેલરૂપે તમારી સામે હાજર થાય છે. ભગવદગીતા, રામાયણ, મહાભારત, વિવિધ વેદો અને અન્ય ધાર્મિક પુસ્તકો દ્વારા ઈશ્વરે જીવન જીવવાની પદ્ધતિની સાચી સમજ આપી જ છે જે પણ તમને વિકટ પ્રશ્નો હલ કરવામાં મદદ કરે છે.