એક નાનકડી વાર્તા વાંચી. સંસ્કારવર્ગમાં ટીચરે ભગવાન વિશે વાત કરી. વાત સાંભળી ગીતાએ પ્રશ્ન કર્યો, ‘‘ભગવાન ક્યાં છે?’’ ટીચરે કહ્યું, ‘‘ભગવાન તો બધે છે.’’ ‘‘તો આપણે કેમ જોઈ શકતા નથી?’’ મીરાંએ પૂછ્યું.‘‘પાણીમાં સાકર ઓગળ્યા પછી પાણીમાં સાકર દેખાય છે ?’’ ટીચરે પ્રશ્ન કર્યો. બધાએ જવાબ આપ્યો, “ના ,સાકર દેખાતી નથી.” ટીચરે કહ્યું ‘‘ભગવાન પણ પાણીમાં સાકર ઓગળે એમ બધે એકાકાર થઈ ગયા છે. આપણે તેમને જોઈ નથી શકતા પણ એ તો આપણને જુએ જ છે. એટલે આપણે ભગવાનને ગમે એવું કામ કરવું.’’ આ સંસ્કાર વર્ગમાં ભણતી રાધાના મનમાં બરાબર બેસી ગયા. એ લખવા બેસે અને પછી વિચારે કે ‘‘આવા ખરાબ અક્ષર ભગવાનને કંઈ ગમે ! અને એ સારા અક્ષર કાઢવા પ્રયત્ન કરે.’’
ઘરે આવી મમ્મીને એણે વાત કરી કે,‘‘મમ્મી, આજે ટીચરે કહ્યું કે ભગવાન આપણને નથી દેખાતા પણ તેઓ બધું જુએ છે માટે ભગવાનને ગમે તેવું કાર્ય કરવું પણ આ જો ને…. મારા અક્ષર કેટલા ખરાબ આવે છે !’’ આટલું બોલી રાધા રડવા લાગી અને રડતાં રડતાં કહ્યું, ‘‘આવા ખરાબ અક્ષર મને નથી ગમતા તો ભગવાનને ક્યાંથી ગમે !’’ મમ્મીએ રાધાને શાંત કરી પછી પાણી પીવડાવી સમજાવ્યું, ‘‘તારી ભાવના સારી છે અને તને ખબર છે કે તારા અક્ષર ખરાબ આવી રહ્યા છે તો સારા અક્ષર કાઢવાનો પ્રયત્ન કર …..પ્રયત્ન કરીએ તો સારા અક્ષર આવે.’’ મમ્મીએ આગળ સમજાવતાં કહ્યું, ‘‘જેમ તેમ લખીએ તો સારા અક્ષર ન આવે, પણ દરરોજ મન દઈને મરોડદાર અક્ષર કાઢવા પ્રયત્ન કરીએ તો જરૂર સારા અક્ષર આવે.’’ મમ્મીની પ્રેરણા અને રાધાના પ્રયત્ને એના અક્ષર એક દિવસ ખૂબ જ સુંદર અને સુઘડ આવવા લાગ્યા, ત્યારે એ મનોમન બોલી, ‘‘હં, આવા અક્ષર તો ભગવાનને જરૂર ગમે.’’ એ ખુશ ખુશ થઈ ગઈ. સ્કૂલમાં સુલેખનસ્પર્ધામાં એને પ્રથમ ઈનામ મળ્યું.
આ નાનકડી છોકરીની વાત …આપણને બધાને લાગુ પડે છે..ભગવાન આપણને જુએ જ છે, ભલે આપણે તેમને જોઈ શકતા નથી..તેથી આપણે બધાએ સભાનતાપૂર્વક અને સતત ભગવાનને ગમીએ તેવા બનવાના પ્રયત્નો કરવા જોઈએ..સતત ભગવાનને ગમે તેવાં કાર્યો કરવાં જોઈએ…અને તેમ કેવી રીતે કરવું નો જવાબ પણ એટલો જ છે કે ‘‘સતત યાદ રાખો કે ભગવાન આપણને જુએ છે અને મારે ભગવાનને ગમવું છે.’’સારાં અને સાચાં કાર્યો આપોઆપ થશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.