ભગવાનનું મંદિર એ પવિત્ર ધામ અને આસ્થાનું પ્રતીક ગણાય છે. મંદિરમાં પ્રસ્થાપિત કરેલ મૂર્તિમાં સાક્ષાત ભગવાન બિરાજમાન છે એવી ભક્તજનોમાં અટલ અને અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ હોય છે. પ્રભુનાં દરબારમાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે તથા પોતાની મનોકામના પૂર્ણ થાય તે હેતુથી આવે છે. લોકો પોતાની યથાશક્તિ પ્રમાણે મંદિરમાં દાન, ભેટ, વસ્ત્રો તથા અલંકારો ચઢાવતાં હોય છે, જેમાંથી મંદિરની આરતી, પૂજા સામગ્રી તથા પ્રસાદનો ખર્ચ નિકળી જતો હોય છે.પરંતુ અમુક નાસ્તિક તત્વો એવાં પણ છે કે, જેઓ ઈશ્વરમાં આસ્થા અને શ્રદ્ધા ધરાવતાં નથી અને મંદિરમાં જઈને દાનપેટી તોડીને રોકડ–કૅશ લઈ જાય છે તો ક્યારેક પ્રભુનાં અલંકારોની પણ ચોરી કરે છે.
આનો અર્થ એ થયો કે જો ભગવાનનાં ધામમાં એમની દાનપેટી તથા અલંકારોની ચોરી થતી હોય તો સામાન્ય માણસની શું સલામતિ? કારણકે મંદિરમાં ચોરી કરનારા તત્વોને ભગવાનનો પણ ડર નથી, તો આપણાં જેવાં સામાન્ય માણસોનો, ચોરોને શું ડર રહેવાનો છે. ઘણાં લોકો તો ત્યાં સુધી કહે છે કે, જો ભગવાન પોતે પોતાનું રક્ષણ કરી શકતાં નથી તો આપણું રક્ષણ ક્યાંથી કરી શકવાના છે. પરંતુ આવું અધમ કૃત્ય કરનારા તત્વોએ વિચારવું જોઈએ કે, આપણને મનુષ્ય અવતાર ઈશ્વરની કૃપા થકી જ મળ્યો છે, તો કમસેકમ પ્રભુનાં દર્શન ન કરે તો કાંઈ નહીં, પરંતુ એમનાં દરબારમાં આવીને તસ્કરી તો કરવી જોઈએ નહીં અને ચોરી લૂંટફાટ કરવાને બદલે મહેનતથી કમાઈને જીવન જીવવું જોઈએ.
હાલોલ – યોગેશભાઈ આર જોશી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
