Charchapatra

ભગવાન હવે મંદિરમાં પણ સલામત નથી

કોઈ પણ ભગવાનનું મંદિર એ પવિત્ર ધામ ગણાય છે અને ભગવાનની મૂર્તિમાં સાક્ષાત્ ઈશ્વર બિરાજમાન છે એવી ભક્તજનોમાં આસ્થા અને શ્રદ્ધા હોય છે. ઈશ્વરના દરબારમાં શ્રધ્ધાળુઓ દર્શનાર્થે તથા પોતાની મનોકામના પૂર્ણ થાય તે હેતુથી આવે છે. દરેક વ્યક્તિ મંદિરમાં પોતાની યથાશક્તિ દાન,  ભેટ કે સીધું સામગ્રી ચઢાવતાં હોય છે, જેનાથી મંદિરનો નિભાવ ખર્ચ નિકળી જતો હોય છે. પરંતુ અમુક એવાં  તત્ત્વો પણ છે કે, જેઓ ભગવાનમાં આસ્થા ધરાવતાં નથી અને પ્રભુના ધામમાં પણ દાનપેટી તોડીને રોકડ રકમ લઈ જાય છે તો ક્યારેક ઈશ્વરને ચઢાવેલા અલંકારોની પણ ચોરી કરે છે. આનો અર્થ એ થયો કે જો ભગવાનની મંદિરમાં સલામતી ન હોય તો સામાન્ય માણસની શું સલામતી? કારણકે મંદિરમાં ચોરી કરનારાં તત્ત્વોને ઇશ્વરનો પણ ડર નથી તો સામાન્ય માણસનો ડર શું રહેવાનો છે, એટલે ઘણાં લોકો એવું કહે છે કે, જો ભગવાન પોતે પોતાનું રક્ષણ કરી શકતા નથી તો આપણું રક્ષણ ક્યાંથી કરી શકવાનાં છે, પરંતુ આવું અધમ કૃત્ય કરનારાં તત્ત્વોએ વિચારવું જોઈએ કે, આપણને મનુષ્ય અવતાર ઈશ્વરની કૃપા થકી જ મળ્યો છે તો કમસેકમ એમનાં દર્શન ના કરો તો કાંઈ નહીં, પરંતુ એમના દરબારમાં આવીને તસ્કરી તો ના જ કરવી જોઈએ અને ચોરી કે લૂંટફાટ કરવાને બદલે મહેનતથી કમાઈને જીવવું જોઈએ.
હાલોલ   – યોગેશ જોશી આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

લગ્ન/છૂટાછેડાની વર્તમાન સામાજિક દશા ચિંતાપ્રેરક છે
લ : Love થી લઈ….. ગ : ગ(ધે) ડપણમાં….. ન : નનામી સુધીનો સાથ !પરંતુ આજના વિકસિત/શિક્ષિત યુગમાં લગ્નના જૂના સંસ્કાર/નિયમ ભૂલાઈ રહ્યા છે અને છૂટાછેડાના કાયદાને મજાક બનાવી રહ્યા છે. સંબંધ : પત્નીનું સ્વાસ્થ્ય જ કોઈ પણ પુરુષના ચારિત્ર્યનું પ્રતિબિંબ છે. પરંતુ પુરુષો (પતિ) આ ફરજ ધ્યાનમાં લેતા જ નથી;  શા માટે લગ્ન કર્યાં તેનું જ્ઞાન જ નથી. ભારત સરકાર (વડા પ્રધાનશ્રી) ને એક નિવેદન છે કે છૂટાછેડાના કાયદાનો અમલ દરેક કોર્ટે કડક રીતે કરે; તેવી ફરજ પાડવામાં આવે !  માનસિક રોગથી પીડિત સ્ત્રીઓની અવદશા ઘણી જ ખરાબ થાય છે. તેઓ આત્મહત્યા કરવા પ્રેરિત થાય છે. ઘણા કેસમાં તો માતા (સ્ત્રી)થી પોતાનું પ્રિય પાત્ર (સંતાન)ને તેનાથી દૂર કરવામાં આવે છે અને છૂટાછેડા લેવામાં આવે છે. આ પ્રકારના કેસોમાં છૂટાછેડા મંજૂર કરવા નહીં અને પતિના પક્ષકારોને પીડિત સ્ત્રીની સારવાર કરાવે તેવી સૂચના, દંડ સહિત કરવામાં આવે; તે આ સમયની માંગ છે.
સુરત     – જવાહર પટેલ આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top