Business

ઈશ્વર અવિનાશી છે, તેમ આત્મા પણ અવિનાશી છે

એક સમયે સુરતના સગરામપુરા વોર્ડમાંથી નગરસેવક તરીકે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લોકોનું પ્રતિનિધિત્વ પણ કરેલું છે એવા ઍડવોકેટ મહેંદ્ર તામ્હણે શ્રમિક અને ઔદ્યોગિક કાયદાના નિષ્ણાત તરીકે વકીલાતના ચાર દાયકા ઉપરાંતની વકીલાતનાં વ્યવસાયમાંથી શારીરિક માંદગીના કારણોસર હાલમાં નિવૃત્ત છે. વાંચન લેખનનો શોખ, ધાર્મિક પરંપરામાં માનવાવાળા પરિવારમાં ઉછેર, શિશુ સ્વયંસેવક તરીકેની ઉંમરથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખા ઉપર થયેલ સંસ્કારને કારણે રાષ્ટ્રવાદી વિચારધારા મહેન્દ્રભાઈની આ કોલમ સ્પર્શી વિચારો જાણીયે તેમના જ શબ્દોમાં..

તમે ઈશ્વરની કઈ રીતે પ્રાર્થના કરો છો?

વ્યવસાયની વ્યસ્તતા અને સાથે સાથે રાજકારણ પણ, તેને કારણે રોજ નિયમિત રીતે પૂજાપાઠ કરવું કદી શક્ય ન હતું.પરંતુ સ્વામી ચિન્મયાનંદજી નો એક ઉપદેશ યાદ રાખેલો કે “તમારાં ધંધા વ્યવસાય ને કારણે જો તમે ઈશ્વર સમીપ જઈ શકતા નહિ હોવ તો ઈશ્વરને તમારાં ધંધા વ્યવસાયમાં લઇ જજો.” તેથી રોજ ઘરની બહાર જતી વખતે મનોમન પ્રાર્થના કરીને નીકળતો કે હે,ઈશ્વર હું બહાર તો જાઉં છું પણ મારાં હાથે કઈ ખોટું કરાવતો નહીં.તે સિવાય દર વર્ષે ગણેશ સ્થાપના બિલકુલ વિધિ વિધાનપૂર્વક અને ભક્તિભાવ સાથે અમારાં ઘરે કરવામાં આવે છે.અમારું કુટુંબ શાક્ત સંપ્રદાય પાળતું હોવાથી નવરાત્રિમાં ઘટ સ્થાપના કરવામાં આવે છે અને ચીવટાઈથી કુલધર્મનું પાલન પણ કરવામાં આવે છે. તે દિવસોમાં હું સપ્તશતી ચંડીપાઠનું વાંચન પણ કરતો હોઉં છું.

ઈશ્વર હોવાની પ્રતીતિ તમે કેવી રીતે કરો છો?

ઈશ્વર હોવાની આપણને પ્રતીતિ થાય અને પછી આપણે આસ્તિક બનીએ એવું થતું નથી.આપણે આસ્તિક હોઈએ તો આપણને એના અસ્તિત્વની પ્રતીતિ આપોઆપ થાય જ છે. હું ધાર્મિક માન્યતામાં અદ્વૈતવાદી હોવાને કારણે હું મારાથી ઈશ્વરનું અસ્તિત્વ અલગ હોવાનું માનતો નથી. મને ઈશ્વરના અસ્તિત્વની અલગ પ્રતીતિ થવાનો કદી પ્રશ્ન જ ઉપસ્થિત થયો નથી. મને જન જનમાં અને આ જગત ના કણ કણમાં ઈશ્વરના અસ્તિત્વની પ્રતીતિ થતી જ રહે છે.

તમે પુનઃ જન્મમાં માનો છો?

આખા જગતમાં માત્ર અને માત્ર હિન્દુ જ એવી માનવજાતિ છે કે જે પુનઃજન્મ માં માને છે.હિંદુઓને સ્વર્ગ કે નર્કની પરિકલ્પના સ્વીકાર્ય નથી.મને પણ નથી.આપણો આત્મા એક શક્તિ છે,તે ઈશ્વર નો અંશ છે. જેમ ઈશ્વર અવિનાશી છે. તેમ આત્મા પણ અવિનાશી છે.મારી દ્રઢ માન્યતા છે કે શક્તિ અવિનાશી છે.હું કર્મના સિદ્ધાંતમાં માનું છું અને મારી માન્યતા છે કે કર્મ ફળ અને સંચિત કર્મ અનુસાર આત્મા પુનઃજન્મ પ્રાપ્ત કરે છે. આ જગતમાં હિન્દુ જ એકમાત્ર અમરત્વ પ્રાપ્ત કરીને પૃથ્વી ઉપર આવ્યો છે અને તે પૈકી નો એક હું પણ છું. 

તમને તમારા જીવનના પ્રશ્નોનો ઉકેલ ઈશ્વર પાસેથી મળે છે?

આપણાં પ્રશ્નોના ઉકેલ માટે ઈશ્વર દોડી આવે અથવા આકાશવાણી કરે એવી અપેક્ષા કરવી વધારે પડતી વાત છે. આપણી સમસ્યાના ઉકેલ માટે ઈશ્વર સદેહે દોડી તો નથી આવવાનો પણ મુશ્કેલીના સમયે કોઈ મિત્ર,પરિચિત કે રસ્તે ચાલતો કોઈપણ માણસ આપણી  મદદ માટે અચાનક આવી પડે તે કંઈ ઓછું નથી.કદાચ ઈશ્વર એવા લોકોના સ્વરૂપે આવતો હશે કારણ કે અણીનાં સમયે મદદ કરવા દોડી આવનાર ઈશ્વર કરતાં જરા પણ ઓછો નથી હોતો.મારી એવી પણ દ્રઢ માન્યતા છે કે સમસ્યાના ઉકેલ માટે આપણને થતી આંતરસ્ફુરણા પણ ઈશ્વરીય સંદેશો જ હોય છે.

Most Popular

To Top