આપણે સમજ્યા કે ભગવાનના સ્વરૂપને સમજ્યા વિના જગતના જીવો સંસાર સાગરમાં અનંત કાળ સુધી ભટક્યા કરે છે. આપણે એ પણ જાણ્યું કે મૃત્યુનો વિચાર જીવનને સાર્થક કરે છે. હવે આ અંકમાં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને ભગવાનના સર્વ વ્યાપક સ્વરૂપનો પરિચય આપે છે.
શ્રીકૃષ્ણ ભગવાન કહે છે –
मया ततमिदं सर्वं जगदव्यक्तमूर्तिना।
मत्स्थानि सर्वभूतानि न चाहं तेष्ववस्थित:।।९/४।।
અહીં આ શ્લોકમાં શ્રી હરિ સમજાવે છે કે “આ સંપૂર્ણ જગત મારા(પરમાત્માના) અવ્યક્ત સ્વરૂપથી વ્યાપ્ત છે. બધા જ જીવો મારામાં સ્થિત છે પરંતુ હું એમનામાં સ્થિત નથી.” જેમ કોઈ રાષ્ટ્ર હોય તેના મુખ્ય શાસક પ્રધાનમંત્રી અથવા રાષ્ટ્રપતિ પોતે સ્વતંત્ર છે, તેમ પરમાત્મા પણ સ્વતંત્ર છે, નિયામક છે અને અંતર્યામી શક્તિથી સમગ્ર બ્રહ્માંડમાં વ્યાપક છે.
આ જ વાત ઈશાવાસ્ય ઉપનિષદના પ્રથમ મંત્રમાં જ છે – ईशा वास्यम् इदं सर्वं यत् किञ्च जगत्यां जगत्। અહીં એમ કહ્યું છે કે ‘જે પ્રશાસન કરે છે, નિયમન કરે તે ઈશ(ભગવાન) તેના વડે પ્રકૃતિને આધારે રહેલું જગત વ્યાપ્ત છે.’
જગત પરમાત્માને આધીન છે. એટલું જ નહિ પણ સમસ્ત ઐશ્વર્યરૂપ યોગના ધારક પણ પરબ્રહ્મ છે. તે પણ ગીતાનો સ્પષ્ટ અભિપ્રાય છે કેમ કે પરમાત્મા પોતાની ઇચ્છાથી સમગ્ર જગતને સર્જે છે, પોષે છે અને પોતાની નિયમન શક્તિથી નિયમન કરે છે. જે આકાશમાં વાયુ સર્વત્ર છે, તેમ પરમાત્મા બધા જીવપ્રાણીમાત્રને ધારણ કરે છે. ભગવાન સ્વામીનારાયણે વચનામૃત ગઢડા મધ્ય-10માં કહ્યું છે કે “તેમ જ પુરુષોત્તમ ભગવાન છે તે બ્રહ્મરૂપ જે પોતાની અંતર્યામી શક્તિ તેણે કરીને સર્વને વિષે વ્યાપક છે.’ કઠપૂતળી હોય તેને જેમ ખેલ બતાવનારો જેમ ક્રિયા કરાવે તેમ જ કઠપૂતળી ક્રિયા કરે છે. અરે! કઠપૂતળી પોતે તો બોલી જ નથી શકતી, તેનો માલિક જેમ બોલાવે તેમ જ બોલે છે. એમ સર્વે ભગવાનને આધીન છે.
આ બાજુ પરમાત્મા સિવાય બીજે ક્યાંય પણ જીવપ્રાણીમાત્રનો આશ્રય નથી, પરંતુ અજ્ઞાનવશ જીવો પોતાને દેહને જ આશ્રયરૂપ માની બેસે છે. પરંતુ જનાર્દનના કહેવાનું તાત્પર્ય સ્પષ્ટ છે કે, “બધા જ જીવોની સ્થિતિ હું જ છું.” અર્થાત ઉત્પત્તિ, પાલન અને પ્રલય પરમાત્માને જ આધીન છે. ભગવાન સ્વામીનારાયણે પણ વચનામૃતલોયા પ્રકરણ બીજામાં વાત કરી છે કે “ભગવાનના એક – એક રોમમાં અનંત કોટિ બ્રહ્માંડ અણુની પેઠે રહ્યા છે.”
ભગવાન સ્વામીનારાયણના મતે 5 નિત્ય અને વાસ્તવિક તત્ત્વો છે – જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. (પ્ર.7,અં.10) તેમણે આ તત્ત્વોને જાણવાની શી આવશ્યકતા છે? જાણવું તો કેવી રીતે જાણવું? અને સાધકને ભગવતપ્રાપ્તિ માટે શું કરવું? એ આદિક ઘણા બધા પ્રશ્નોના જવાબ વચનામૃતમાં આપ્યા છે. સ્વામીનારાયણ તત્ત્વજ્ઞાનમાં સ્વીકારાયેલા 5 નિત્ય તત્ત્વોમાં સૌથી મહત્ત્વનું અને સર્વોપરી તત્ત્વ ‘પરબ્રહ્મ’ છે. તત્ત્વજ્ઞાનસભર ગીતા ગ્રંથનો પણ મુખ્ય ઉદ્દેશ કલ્યાણલક્ષી હોવાથી તેમાં મુખ્ય પ્રતિવાદ્ય વિષય પરબ્રહ્મનો યોગ જ છે અને પરબ્રહ્મને જ કેન્દ્રમાં રાખીને અન્ય બધા આધ્યાત્મિક તત્ત્વોનું નિરૂપણ કરવામાં આવ્યું છે.
સાધનામાર્ગમાં પરબ્રહ્મનું સ્વરૂપ જેમ છે તેમ યથાર્થ અને અસંદિગ્ધ પણે સમજવાની કેવળ આવશ્યકતા જ નહીં પરંતુ અનિવાર્યતા છે. પરબ્રહ્મના સ્વરૂપ અંતર્ગત એમનું સાકારપણું, સર્વ કર્તાહર્તાપણું, સર્વોપરીપણું, પ્રત્યક્ષપણું અને દિવ્યપણું સમજવું અનિવાર્ય છે. જે આટલા ગુણોના ધારક હોય તે સર્વ વ્યાપક હોય તે નિર્વિવાદ છે. પરબ્રહ્મ તત્ત્વ અક્ષરબ્રહ્મ, ઈશ્વર, જીવ અને માયા થકી તત્ત્વ, સ્વરૂપ અને ગુણથી વિલક્ષણ છે, એક છે, અદ્વિતીય છે. તેમના જેવો થવાને કોઈ સમર્થ નથી. સર્વ વ્યાપક હોવાથી પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ જ આ સમગ્ર જગતના કર્તા – કર્મનું ફળ આપવા સમર્થ છે.
અનંત કોટિ બ્રહ્માંડની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયના કારણ અને કર્તા તેઓ જ છે. અનંત કોટિ બ્રહ્માંડરૂપ આ જગતમાં તેમનું કર્યું સર્વે થાય છે, એમના વગર સૂકું પાંદડું પણ હાલવાને સમર્થ નથી. એમના ડોલાવ્યા વિના એક તૃણ પણ ડોલવાને સમર્થ નથી. એમની ઇચ્છાશક્તિ, ક્રિયાશક્તિ અને પ્રેરણા વગર કાળ, કર્મ, માયા, 3 ગુણ, 24 તત્ત્વો, સ્વભાવ, પુરુષ, બ્રહ્માદિક દેવ પણ કાંઈ કરવા સમર્થ નથી. એવી દૃઢ સમજણ એ કોઈ પણ સાચા ઉપાસકને માટે અત્યંત આવશ્યક છે. ભગવાનની આ વ્યાપકશક્તિ ભક્તની ભક્તિની સદૈવ રક્ષા કરે છે. તેને કુકર્મોથી બચાવે છે, તેને જાણપણું આપે છે.