ઈશ્વરના અસ્તિત્વ અંગે રજનીશજીએ સરસ વાત કરી છે. તેઓ કહે છે માણસની ઇશ્વરની શોધ એ દરિયામાં રહેતી માછલી દરિયાની શોધ પર નીકળે, આકાશમાં ઊડતાં પક્ષી આકાશની શોધ કર્યા કરે એના જેવું છે. માછલી દરિયામાં જ રહે છે. પક્ષીઓ આકાશમાં ઊડતાં રહે છે અને આકાશને શોધ્યા કરે છે. પછી દરિયો અને આકાશ તેમને કઇ રીતે મળે, તેમના અસ્તિત્વનો જ તેઓ એક ભાગ છે. મનુષ્ય પણ પ્રકૃતિ એટલે ઇશ્વરના સાન્નિધ્યમાં જ અવિરત હોય છે. તેને ઇશ્વરની શોધ પર નીકળવા જવું એ વ્યાજબી ખરું? આપણ સૌ કયાંકથી આવીએ છીએ અને કયાંક ચાલ્યા જઇએ છીએ. જેમ સાગર પરથી લહેર ઊઠે છે. સાગરમાં જ ખોવાઈ જાય છે. લહેર હતી ત્યારે પણ સાગર હતો. લહેર નહીં હોય ત્યારે પણ તે હશે જ. ઇશ્વરનું પણ કંઇક એવું જ છે. સાચું કહું તો જીવન એ જ ઇશ્વર છે.ઇશ્વર જીવનથી ભિન્ન હોઈ જ ના શકે તો ઇશ્વરની શોધ પર નીકળવાનું પાગલપન શા માટે?
નવસારી – ગુણવંત જોષી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ખાનગી નોકરીમાં વેતનની અસમાનતા
જોબ સિક્યોરિટી કોઇ પણ નહિ. સ્વખર્ચે માંદગી ભોગવવી, પાર્ટ ટાઈમ જોબ કરવી પડે છે. વાર તહેવારોના ખર્ચ કાઢવા શાહુકારોનાં મોંઘા વ્યાજને શરણે જવું પડે છે, જેની નાગચૂડમાંથી કયારેય છુટાતું નથી. વહીવટી તંત્ર પણ ભાગીદાર હોય છે. કયારેક કરજદાર આપઘાત પણ કરે છે. કહેવાનું તાત્પર્ય એકસરખું કામ અને કલાકોનું વેતન પણ સરકારી ધોરણે મળવું જોઇએ. આર્થિક શોષણ સામાન્ય વર્ગને પાયમાલ કરી નાંખે છે. સંતાનોને નાની વયે ખાનગી નોકરીમાં જોડી દેવામાં આવે છે. આથી જ તેઓનો શૈક્ષણિક વિકાસ થતો નથી.
સુરત – અનિલ શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.