Charchapatra

ભગવાન માન્યા પણ શેતાન નીકળ્યા

કેટલાક વ્યવસાયો એવા છે કે જેની સાથે સંવેદના અને વિશ્વાસ જોડાયેલા હોય છે. તબીબનો વ્યવસાય પણ આવો જ છે. ડોક્ટર જ્યારે દર્દીનો ઈલાજ કરે છે ત્યારે દર્દી ડોક્ટરમાં ભગવાનનું રૂપ જ જુએ છે એ પોતાની જાતને સમર્પિત કરે છે. છેલ્લા કેટલાક દિવસોથી હોસ્પિટલો દ્વારા ચલાવાતી લૂંટના સમાચારો છાપાઓમાં આવી રહ્યા છે. ખ્યાતિ હોસ્પિટલમાં આડેધડ કરાયેલા ઓપરેશનો અને આયુષ્યમાન કાર્ડમાંથી મેળવી લેવાયેલી મૂડી એ તબીબી વ્યવસાયને કલંક લગાડ્યું છે. શિક્ષણ અને આરોગ્ય એ બંને એવા ક્ષેત્રો છે કે જેમાં માત્ર અને માત્ર નફાને ધ્યાનમાં ન રાખી શકાય. કમનસીબે આ બંને ક્ષેત્રમાં હવે પ્રોફેશનલ એપ્રોચ આવી ગયો છે.

બિલ્ડરો સ્કૂલો બનાવી શાળા સંચાલક બની ગયાં છે અને હવે એ જ બિલ્ડરો મલ્ટિસુપર સ્પેશિયલ હોસ્પિટલો બનાવી રહ્યા છે. તેઓ હોસ્પિટલ બનાવી ડોક્ટરોને હાયર કરે અને દર્દીઓ પર લૂંટ ચલાવે. હવે જ્યારે મરણ પથારીએ પડેલા કોઈપણ દર્દીને સારવાર માટે ડોક્ટર દ્વારા જે કંઈ સૂચવાય તે કરવા માટે એના સગા સંબંધીઓ સંમત જ થતા હોય છે, પણ જ્યારે કમરનો દુ:ખાવો હોય અને એન્જીઓપ્લાસ્ટિ કરી દેવામાં આવે તે તો કેવી મ ટી છેતરપિંડી! આવા પ્રકારનું વિકૃત માનસ ધરાવતા આ વ્યવસાયિક ડોક્ટરો અને હોસ્પિટલના માલિકો ખરેખર શેતાનના રૂપમાં સામે આવી રહ્યા છે. હવે તમે ક્યાંય પણ સારવાર લેવા જાઓ એટલે કાઉન્ટર પર પહેલો જ પ્રશ્ન પુછાય મેડીક્લેમ છે? આયુષ્યમાન કાર્ડ છે l? અને આ જવાબના આધારે એ લોકો દર્દીની દવાઓ અને સારવારની કેટેગરી નક્કી કરતા હોય છે.

ઘણીવાર તો કેટલાક દર્દી હોસ્પિટલમાં મરણ પથારીએ હોય તો એમને વેન્ટિલેટર પર રાખવામાં આવે. ખબર પડે કે એમનો દીકરો કે દીકરી પરદેશ છે તો તો વિશેષ રૂપે એને વેન્ટિલેટર પર રાખવામાં આવે જેથી કરીને એટલા દિવસોનો હોસ્પિટલ ચાર્જ વધારી શકાય. કોવિડ દરમ્યાન આવા ઘણા વેપારી માનસિકતાવાળા તબીબોએ અને હોસ્પિટલોએ બેહિસાબ લૂંટ ચલાવી લાશની ઉપર મિજબાની કરી છે. અલબત્ત તબીબી શિક્ષણ મોંઘુ બન્યું છે એનો અર્થ એવો તો નથી ને કે યેનકેન પ્રકારે દર્દીઓને લૂંટી લેવા. સરકારી આરોગ્યવિભાગ અને કાયદાતંત્રએ આ વિષયે ગંભીરતાપૂર્વક પગલાં લેવાં જોઈએ.
સુરત     – પ્રકાશ પરમાર     – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top