ગોવાના પૂર્વ મુખ્યમંત્રી અને હાલના કૃષિ મંત્રી રવિ નાઈકનું 79 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન થયું. તેમના અવસાનથી રાજ્ય અને રાજકારણમાં શોકની લહેર ફેલાઈ છે.
રવિ નાઈક ગોવાની રાજધાની પણજીથી લગભગ 30 કિલોમીટર દૂર આવેલા તેમના નિવાસસ્થાને હતા. ત્યારે ગત રોજ તા.14 ઓક્ટોબર મંગળવારે મોડી રાત્રે અચાનક હાર્ટ એટેક આવ્યો હતો. જેને પગલે તેમને પોંડાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં રાત્રે 1 વાગ્યાની આસપાસ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
અંતિમ સંસ્કાર ક્યારે થશે
રવિ નાઈકના અંતિમ સંસ્કાર આજે તા. 15 ઓક્ટોબર બપોરે 3 વાગ્યે કરવામાં આવશે. તેમના પરિવારમાં પત્ની, બે બાળકો, એક પુત્રવધૂ અને ત્રણ પૌત્ર-પૌત્રીઓ સામેલ છે. પાર્થિવ શરીર તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યું છે. જ્યાં હજારો લોકોએ શ્રદ્ધાંજલિ આપવાની તૈયારી કરી છે.
PM મોદીએ પણ શોક વ્યક્ત કર્યો
પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર શોક વ્યક્ત કરતાં કહ્યું “ગોવા સરકારના ભૂતપૂર્વ મંત્રી રવિ નાઈકજીના નિધનથી ખૂબ જ દુઃખ થયું. તેઓ એક અનુભવી પ્રશાસક અને સમર્પિત જાહેર સેવક હતા જેમણે ગોવાના વિકાસ માર્ગને સમૃદ્ધ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.” પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે તેઓ ખાસ કરીને દલિતો અને હિંસામાં પીડિત લોકોના સશક્તિકરણ માટે સમર્પિત રહ્યા હતા.
ગોવાના હાલના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે પણ ઇન્સ્ટાગ્રામ પર શોક વ્યક્ત કર્યો અને જણાવ્યું “અમારા વરિષ્ઠ નેતા અને કેબિનેટ મંત્રી રવિ નાઈકના નિધનથી અત્યંત દુઃખ થયું. મુખ્યમંત્રી તરીકેની તેમની દાયકાઓની સેવા અને મંત્રી તરીકે રાજ્યના લોકો માટે કરેલ કાર્ય અમીટ છાપ છોડી ગઈ છે.”
રવિ નાઇકનો રાજકારણમાં સફર
રવિ નાઈકે પોંડા વિધાનસભા મતવિસ્તારમાંથી છ વખત ધારાસભ્ય તરીકે સેવા આપી હતી અને રાજકીય જીવનમાં વિવિધ પદ પર કાર્ય કર્યું. તેમણે ગોવામાં બે વાર મુખ્યમંત્રી તરીકે સેવા સંભાળી હતી.
પ્રથમ કાર્યકાળ જાન્યુઆરી 1991થી મે 1993 સુધી રહ્યો હતો અને બીજા કાર્યકાળ દરમિયાન 1994માં માત્ર છ દિવસ મુખ્યમંત્રી રહ્યા હતા. તેઓ 1998માં સંસદીય ચૂંટણીમાં ઉત્તર ગોવા મતવિસ્તારથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે જીત્યા હતા.
રવિ નાઈકનું રાજકીય જીવન વિશિષ્ટ અને વ્યાપક હતું. તેઓ ગોવાના વિકાસ, ખેડૂતોની સુવિધાઓ અને રાજ્યના સામાન્ય જનતાના કલ્યાણ માટે જાણીતા હતા. તેમના નિધનથી રાજકારણ અને સામાન્ય લોકો બંને માટે દુઃખની લાગણી સર્જાઈ છે.