Comments

રાજકારણથી ઉપર જઈ મણિપુરને સમજીયે

મણિપુરમાં જે હિંસા ની ઘટના થઈ રહી છે તેને સમજવા વર્તમાન રાજકારણથી દૂર જવું પડશે. જ્યાં સુધી 1992-93માં કુકી અને નાગાસિન વચ્ચે સંઘર્ષ ન હતો થયો તે સમયે એવું કહેવાતું હતું કે મણિપુરી સમાજના મૈતેઈ, કુકી અને નાગાઓ શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ ધરાવે છે. નહિતર આ જૂથોના અલગતાવાદી આતંકવાદીઓ દ્વારા બળવો થતો રહેતો. હવે, આ વિવાદ કુકી-મૈતેઈ વચ્ચે છે, જોકે મોટી સંખ્યામાં મૈતેઈ-કુકીમાં થોડાક મૈતેઈ-નાગા વચ્ચે આંતર-વિવાહ થયા છે. મણિપુરમાં અગાઉ ક્યારેય આદિવાસી આધારીત રાજનીતિ નહોતી. મૈતેઈ બહુમતીમાં હોવા છતાં, મણિપુરમાં બે નાગા અને એક મુસ્લિમ મુખ્યમંત્રી હતા.

એક વરિષ્ઠ નાગા સંસદસભ્ય રિશાંગ કાઈસિંગ, 18 વર્ષ સુધી સીએમ હતા. (4 ટર્મ). જે 1952માં પ્રથમ લોકસભાના સભ્ય પણ હતા. મણિપુરમાં અગાઉ કોંગ્રેસનું વર્ચસ્વ હતું અને હવે 2017 થી ભાજપનું છે. મણિપુરના રાજકારણીઓ કેન્દ્રમાં સત્તા પર આવનાર પક્ષ સાથે રહેવા દળ બદલવા માટે જાણીતા છે. આજે જે કોંગ્રેસી છે તે કાલે બીજેપી એટલે વારંવાર તેમની વફાદારી બદલ્યા રાખે છે. મણિપુર ખીણમાં મૈતેઈઓ મોટાભાગે હિંદુ વૈષ્ણવો (લગભગ 42%) છે પરંતુ તેમાંના ઘણા તેમના પરંપરાગત વંશીય ધર્મ, સનામાહીને અનુસરે છે. મણિપુરના હાલનાં સીએમ એન બિરેન સિંહ પણ સનામાહી ધર્મના અનુયાયી છે. નાગા અને કુકી ખ્રિસ્તી ધર્મનું પાલન કરે છે. મણિપુરમાં બીજા નંબરે ખ્રિસ્તી ધર્મ (41%) સૌથી વધુ અનુસરવામાં આવે છે.

જોકે, મણિપુરમાં ધર્મ ક્યારેય મુદ્દો રહ્યો નથી. ચર્ચના પાદરી કે હિંદુ વૈષ્ણવોમાંથી કોઈએ સમાજને ક્યારેય ભડકાવ્યો નથી. હાલના કુકી-મૈતેઈ સંઘર્ષમાં પણ કોઈ ધાર્મિક મુદ્દો નથી. અલબત્ત, કેટલાક ચર્ચ સળગાવવામાં આવ્યા હતા પરંતુ કોઈ હિંદુ-ખ્રિસ્તી સંઘર્ષને કારણે નહીં પરંતુ મૈતેઈ-કુકી રમખાણોને કારણે. NE (નાગાલેન્ડ, મણિપુર (નાગા અને કુકી અને અન્ય આદિવાસીઓ) માં ખ્રિસ્તીઓ છે. હકીકતે તો, ચર્ચના ઘણા લાકોએ બળવાખોરોને સમજાવીને શાંતિ સ્થાપવામાં ખૂબ જ સકારાત્મક ભૂમિકા ભજવી હતી. એથી વિદ્રોહની ચરમસીમાએ પણ ધાર્મિક મુદ્દાઓ ક્યારેય મુખ્ય ન હતો.

મણિપુરના વિવાદનું મૂળ મૈતેઈની અનુસૂચિત જનજાતિ (એસટી)નો દરજ્જો આપવાની માંગમાં છે કારણ કે કુકી અને નાગાઓ ઘણા સમયથી અનુસૂચિત જનજાતિનો દરજ્જો ભોગવે છે. તેઓ ગમે ત્યાં જમીન ખરીદી શકે છે જ્યારે મૈતેઈને છુટ નથી. મણિપુર હાઈકોર્ટે રાજ્ય સરકારને મૈતેઈ સમુદાયને STની શ્રેણીમાં સામેલ કરવા અંગે વિચારણા કરવા જણાવ્યું એ આદેશ સામે કુકી દ્વારા વિરોધ પ્રદર્શનને પગલે મણિપુરમાં 3 મેના રોજ હિંસાની શરૂઆત થઈ. મૈતેઇ પાસે હાલમાં અન્ય પછાત વર્ગ (ઓબીસી)નો દરજ્જો છે. હાઈકોર્ટના આદેશનો વિરોધ એટલે થયો કારણ કે કુકીઓને ડર હતો કે મૈતેઈઓને આદિવાસીઓ માટે આરક્ષિત વિસ્તારોમાં જમીન સંપાદન કરવાની મંજૂરી આપવામાં આવશે. મે મહિનામાં લડાઈ દરમ્યાન મણિપુરની રાજધાની, ઇમ્ફાલ અને ખીણમાં મૈતેઇ જૂથો દ્વારા કુકીઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. આનાથી 70,000 કુકીઓને પહાડીઓ અથવા પડોશી મિઝોરમમાં ભાગી જવાની નોબત પડી. કુકીઓએ પણ આવી જ રીતે કુકી-પ્રભુત્વવાળા વિસ્તારોમાં મૈતેઇ ઘરો પર હુમલો કરીને બદલો લીધો. ચુરાચંદપુર અને અન્ય કુકી પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં મૈતેઇ વિરુદ્ધ હિંસા થઈ હતી.

ઘણા ઘરો બળી ગયા હતા અને સેંકડો લોકોને ઘરબાર છોડી રાહત શિબિરોમાં આશ્રો લેવાની ફરજ પડી. પરિસ્થિતિ નિયંત્રણ બહાર ગઈ અને અરાજકતાની સ્થિતિ પેદા થવાનું કારણ પોલીસ દળ પોતાની વંશીય તરફાદારીમાં વિભાજિત થઈ ગયું અને મૈતેઈ-કુકી આતંકવાદી જૂથોએ આ તોફાનોમાં સક્રિયપણે ભાગ ભજવ્યો. ઇમ્ફાલનાં પોલીસ સ્ટેશનો અને શસ્ત્રાગારોમાંથી AK-47 રાઇફલ્સ, સ્નાઇપર રાઇફલ્સ, મોર્ટાર, મશીનગન, ગ્રેનેડ લૉન્ચર સહિત લગભગ 4,000 જેટલા શસ્ત્રો લૂંટવામાં આવ્યા હતા. 5 લાખથી વધુની ગોળીઓ પણ લૂંટાવામાં આવી. જ્યારે સેના અને કેન્દ્રીય અર્ધલશ્કરી દળોને તૈનાત કરવામાં આવ્યા હતા, ત્યારે પરિસ્થિતિ થોડી હળવી થઈ હતી પરંતુ થોડા સમય પછી, આતંકવાદીઓ વિરોધી ગામડાઓ પર હુમલો કરતા. આજે, એવું કહેવાય છે કે ઇમ્ફાલ શહેરમાં કોઈ કુકી નથી બચ્યો. તેવી જ રીતે કોઈ પણ મૈતેઈ ચુરાચંદપુર, કાંગપોકપી અથવા અન્ય કુકી વિસ્તારોમાં રહેતા નથી. મૈતેઈ અને કુકી બંને આતંકવાદી જૂથો આંતરીયાળ વિસ્તારોના ગામડાઓમાંથી કામ કરી રહ્યા છે.

પોતપોતાનાં સમુદાયો વચ્ચે સુરક્ષિત છે, ખાસ કરીને મહિલાઓ દ્વારા, જે તેમના બાતમીદાર તરીકે કામ કરે છે અને આર્મી- અન્ય સુરક્ષા દળોની હિલચાલને અવરોધે છે. હાલની મણિપુરની પરિસ્થિતિ કેટલાક લોકોને 1947માં વિભાજન સમયની અરાજકતાની યાદ અપાવે છે જ્યારે 1947માં પાકિસ્તાનમાં હિંદુઓને નિશાન બનાવવામાં આવતા. ફરક માત્ર એટલો છે કે અહીં બંને વંશીય જૂથો એકબીજાને નિશાન બનાવી રહ્યા છે. જ્યાં કાયદાનું પાલન ન હોય ત્યારે પોલીસનું અસ્તિત્વ રહેતું નથી. મણિપુરના ઘણા વિસ્તારોમાં અશાંતિ ફેલાયેલી છે કારણ કે હથિયાર વિહીન રહેવાસીઓ પર રેઈડ પાડવામાં આગળ રહેતા આતંકવાદીઓ પોતપોતાના સમુદાયોના સ્વ-ઘોષિત તારણહાર બની કામ કરે છે.

મુખ્યમંત્રી એન.બિરેન સિંહની સરકાર મૈતેઈ તરફી હોવાનું માનવામાં આવે છે અને કુકીઓને તેના પર વિશ્વાસ નથી. ઇમ્ફાલ ખીણમાં, મૈતેઇ આતંકવાદીઓ મુક્તપણે ફરે છે કારણ કે તેમને લાગે છે કે રાજ્યમાં તેમની પોતાની સરકાર છે એટલે પોલીસ કંઈ નહીં કરે. એ જ રીતે કુકી વિસ્તારોમાં, સરકારના નિયમો ચાલતા નથી કારણ કે તેમને લાગે છે કે એ લોકો જે મુખ્યત્વે કુકી, નાગા આદિવાસીઓ છે તેવા લોકલ પોલીસ જ સુરક્ષિત રાખે છે.

કુકીઓ અને મૈતેઇ વચ્ચે ભારોભાર નફરત છે. જો મણિપુરમાં સ્થિતિ શાંતિપૂર્ણ બનવી હોય તો આ અવિશ્વાસને દૂર કરવો પડશે. બંને તરફના આતંકવાદીઓને નિઃશસ્ત્ર કરવા પડશે અને તમામ ચોરાયેલા શસ્ત્રો ફરી મેળવવા પડશે. સેના અને સુરક્ષા દળોએ અત્યાર સુધીમાં માત્ર 1,000 શસ્ત્રો જપ્ત કર્યા છે. કેન્દ્ર દ્વારા મૈતેઇ-કુકી-નાગા, ચર્ચ અને ધાર્મિક વડાઓ, નિવૃત્ત વરિષ્ઠ અમલદારો, બંને સમુદાયોના નાગરિક અને પોલીસ અધિકારીઓની ‘મધર્સ ઓર્ગેનાઈઝેશન’ને આ વિવાદમાં માધ્યમ બનાવાનો પ્રયાસ કરી રહ્યું છે.

પરંતુ સૌથી પહેલા તો પોલીસ ખાતાને જ સક્રિય કરવું પડશે. કદાચ, સેનાની કામગીરીને સરળ બનાવવા માટે આર્મ્ડ ફોર્સિસ (સ્પેશિયલ પાવર્સ) એક્ટ AFSPAને ફરીથી લાગુ કરવો પડે. મણિપુરમાં લાંબા સમયથી AFSPA લાગુ હતો. 2022 થી મણિપુરના ઘણા ભાગોમાં દૂર કરવામાં આવ્યું છે. આના પરિણામે આતંકવાદી જૂથો વધુ મુક્તપણે આગળ વધી રહ્યા છે. મણિપુરમાં ડ્રગની દાણચોરીની સમસ્યા પણ છે, જે હાલની પરીસ્થિતી માટે પણ જવાબદાર છે. ઘણા આતંકવાદી સંગઠનો અને અમુક રાજકારણી અને બિઝનસમેન આ ધંધામાં સામેલ હોવાનું કહેવાય છે. ડ્રગ્સની દાણચોરી માત્ર એક સમુદાય પુરતી મર્યાદિત નથી. ખસખસની ખેતી મણિપુરના બઘા જ પહાડો પર થાય છે.

મણિપુરમાં મોટા બજાર કેન્દ્રો મહિલાઓ દ્વારા ચલાવવામાં આવે છે. ત્યાંની મહિલાઓ આર્થિક વિકાસમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેઓ કૃષિ ઉત્પાદન, મત્સ્યઉદ્યોગ અને હાથવણાંટ ઉદ્યોગમાં સામેલ છે અને બજાર અર્થતંત્રમાં તેમનું યોગદાન દેખીતું છે. સેનાના કેટલાક નિવૃત્ત અધિકારીઓનું કહેવું છે કે મણિપુરમાં પરિસ્થિતિને સરળતાથી નિયંત્રિત કરી શકાય છે. જો સરકાર જમ્મુ અને કાશ્મીરમાં વ્યવસ્થા સુધારી શકતી હોય તો મણિપુરની સ્થિતિ તેની ક્ષમતાની બહાર નથી. પોતાના છોકરાઓ પ્રત્યે અપાર પ્રેમ સિવાય, મણિપુરીની માતાઓ સમાજનું ભલું જ ઇચ્છે છે. આથી, શાંતિ સ્થાપવા તેમને સામેલ કરવા પડશે.
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top