Charchapatra

ગ્લોબલ વોર્મિંગ : વૈશ્વિક સમસ્યા

થોડા દિવસો પહેલા કેન્દ્રીય હાઈવે ટ્રાન્સપોર્ટ મિનિસ્ટરશ્રી નીતિન ગડકરીજીએ પ્રદુષણને કારણે મને દિલ્હી આવું પસંદ નથી તેવું જણાવ્યું. દૈનિક અખબારમાં અવરનવર દિલ્હીમાં પોલ્યુશનની અતિ ગંભીર સમસ્યાના સમાચાર પ્રકાશિત થતા રહે છે. પ્રદુષણ એ એક સાર્વત્રિક ગંભીર સમસ્યા છે. વાપી અને અંકલેશ્વર શહેરમાં આવેલી જીઆઇડીસીને પરિણામે આ શહેરો ઉપરાંત દેશના અન્ય મેટ્રો કે મીની મેટ્રો સિટીમાં પણ લોકો પ્રદૂષણની ગંભીર સમસ્યાથી પીડાઈ રહ્યા છે. ઔદ્યોગિક ક્રાંતિને પરિણામે તથા વધતા જતા વાહનોની સંખ્યાને પરિણામે પ્રદૂષણની સમસ્યા સમસ્યા ધીરે ધીરે વધતી જાય છે. પ્રદૂષણ ઘટાડવા માટે લોકોમાં જાગૃતિ આવે એ જ એનો સાચો ઉપાય છે. પર્યાવરણની સમતુલા જળવાઈ રહે એ દરેક નાગરિકની ફરજ છે. દેશનો દરેક નાગરિક એ માટે જાગૃત હોય એ જરૂરી છે.

પ્રદુષણ અંગે સમયસર જાગૃતિ દાખવવામાં નહીં આવે તો આવનારા સમયમાં દેશ અને દુનિયામાં ભયંકર પરિસ્થિતિનું સર્જન થશે. પર્યાવરણલક્ષી સમસ્યા દેશ અને દુનિયામાં વધતી જ જાય છે. આપણા દેશમાં પ્રદૂષણને લગતા કાયદાઓ તો અમલમાં છે. પ્રદૂષણ કરનાર સામે કાયદામાં કડક સજાની જોગવાઈ પણ કરવામાં આવી છે. પ્રદૂષણના વર્તમાન કાયદાનું સુપેરે પાલન થાય એ જોવાની જવાબદારી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની છે. પ્રદૂષણના ઉકેલ માટે જાહેર જનતા સંપૂર્ણપણે ગવર્મેન્ટ પર મદાર રાખે તે પણ યોગ્ય નથી. સરકાર અને લોકો બંનેએ પોતપોતાની જવાબદારી નિભાવી જોઈએ.
નવસારી – જે. એમ. નાયક– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top