જોખમ આવે ત્યારે તે કેટલું મોટું છે તેની જાણકારી તેની સામે લડનારાઓને હોવી જોઈએ. જાણકારી હોય તો જ જોખમ સામે લડી શકાય અને ટકી શકાય. દેશમાં કોરોના ( CORONA) રૂપી સ્વાસ્થ્ય કટોકટી આવી ત્યારથી તેનાં જોખમો તો દર્શાવાઈ રહ્યાં છે પણ તેનો વ્યાપ કેટલો છે તે અંગે સતત ઢાંકપિછોડો થતો રહ્યો. કેસીસ, મૃત્યુઆંક, બેડની સંખ્યા, ઇન્જેક્શન ( INJECTION) , ઓક્સિજન ( OXYGEN) અને વેન્ટિલેટર ( VENTILETOR) આ તમામ બાબતે ચિત્ર અસ્પષ્ટ રહ્યું. આ કારણે જ કોરોના ઘાતક બન્યો અને એક સમયે આપણે કોરોનાથી સૌથી પહેલાં ઉગરી જવાનો દાવો કરતા હતા, તેઓ જ તેના દાવાનળમાં ફસાયા. બીજી વેવમાં બધા જ દાવાઓ ધોવાઈ ગયા અને હવે તેવી જ સ્થિતિ વેક્સિનમાં પણ આવી. વેક્સિન મામલે આપણે આત્મનિર્ભર હતા અને વિશ્વને પહોંચાડવાનો ભરોસો આપતા હતા. હવે સ્થિતિ એવી આવી કે દેશના લોકોએ વેક્સિનના ( VACCINE) મુદ્દે અન્ય દેશો પર નિર્ભર રહેવું પડશે એટલે જ રાજ્યો હવે પોતાની મેળે વેક્સિન મેળવવાની પહેલ કરી રહ્યાં છે અને તે માટે અનેક રાજ્યો ગ્લોબલ ટેન્ડરીંગ તરફ વળ્યાં છે. આ યાદીમાં એક મહારાષ્ટ્ર છે.
દેશમાં મહારાષ્ટ્ર કોરોનાથી સૌથી અસરગ્રસ્ત રાજ્ય છે. બીજી વેવમાં અહીં રોજના 60 હજાર કેસ આવી રહ્યા છે અને સામે મૃત્યુનો દર પણ બે ટકા રહ્યો છે. જો કે સ્વાસ્થ્ય કટોકટી હોવા છતાં મહારાષ્ટ્ર સરકાર પૂરતી સજાગ દેખાય છે. કેન્દ્ર સરકાર પર આધાર રાખ્યા વિના જ મહારાષ્ટ્ર સરકારે રેમડિસિવિર ઇન્જેક્શન ( REMDESIVIR) , ઑક્સિજન પ્લાન્ટ ( OXYGEN PLANT) અને ઑક્સિજન ( OXYGEN) માટે ગ્લોબલ ટેન્ડરીંગ કર્યું છે. આ ટેન્ડરીંગથી મહારાષ્ટ્ર સરકારને જે જથ્થામાં મેડિકલ સંસાધન જોઈએ તે મળ્યાં નથી પરંતુ આ રીતે ઇન્જેક્શનથી માંડીને દવા મેળવવાનું મહારાષ્ટ્ર સરકારને ઘણું વહેલું સૂઝ્યું હતું. ઇવન, મુંબઈ કોર્પોરેશન દ્વારા પણ એક કરોડ વેક્સિન ડોઝ માટે ગ્લોબલ ટેન્ડરીંગ કર્યું છે. સ્થાનિક પ્રશાસનનેય મહારાષ્ટ્રની સરકારે કટોકટીકાળમાં નિર્ણય લેવાની છૂટ આપી છે. મતલબ કે પોતાનાં લોકો માટે કેન્દ્રની સહાય માટે રાહ જોવાનું અને પરસ્પર આક્ષેપો કરવાના રાજકારણને બદલે અત્યારે તેઓ હેલ્થ કટોકટીને પહોંચી વળવા માટે કામ કરી રહ્યાં છે.
રાજ્યો વેક્સિનના ટેન્ડરીંગ માટે મજબૂર થયાં તેનું મુખ્ય કારણ કેન્દ્ર દ્વારા વેક્સિનનો અપૂરતો પુરવઠો છે. એક બાજુ કેન્દ્ર સરકાર જોરશોરથી વહેલાસર વેક્સિન લગાવવાની જાહેરાત કરે છે. જ્યારે બીજી તરફ વેક્સિનની ડિમાન્ડ મુજબ સપ્લાય નથી. દિલ્હી સરકારે તો વેક્સિન મુદ્દે કેન્દ્ર પર રાજકીય રમતનો આક્ષેપ પણ કર્યો છે. દિલ્હી સરકારના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાનું ત્યાં સુધી કહેવું છે કે રાજ્યો ગ્લોબલ ટેન્ડરીંગ કરે તે સ્થિતિ યોગ્ય નથી. ખરેખર કેન્દ્રે વેક્સિનનો પૂરતો સ્ટોક ખરીદીને રાજ્યોને સમાન વહેંચણી કરવી જોઈએ. સિસોદિયાએ તો એ પણ કહ્યું કે, કેન્દ્ર વેક્સિન પૂરી પાડવાને લઈને નિષ્ફળ ગયું તેથી તેઓ જ ભાજપ શાસિત રાજ્યોને વેક્સિન માટે ગ્લોબલ ટેન્ડરીંગ કરવાનું કહી રહ્યા છે. ભાજપશાસિત રાજ્યોમાં ઉત્તર પ્રદેશ અને કર્ણાટક જેવાં રાજ્યોએ ટેન્ડરીંગની પહેલ કરી છે. જ્યારે ગુજરાતે હજુ પણ આ મામલે કોઈ જ આગવી તૈયારી કરી નથી. રાજ્યો તરફથી આમ વેક્સિનનું ટેન્ડરીંગ થવા માંડે તો તેનું સૌથી મોટું જોખમ આર્થિક રીતે નબળાં રાજ્યોને થશે.
18થી 45 ઉંમરનાં લોકોને વેક્સિન આપવાની જાહેરાત થઈ ત્યારથી વેક્સિનનો સ્ટોક ખૂટી પડ્યો છે અને દેશભરમાં આ સ્થિતિ છે. વેક્સિન માટે લાંબી લાઈનોમાં લોકોને ઊભા રહેવું પડી રહ્યું છે. શરૂઆતમાં વેક્સિનની વહેંચણીને લઈને ગલ્લાંતલ્લાં થયા તેથી કેન્દ્રના ગુડબુકમાં ન હોય તેવાં દિલ્હી, મહારાષ્ટ્રની જેમ ઓરિસ્સાએ પણ જાતે જ વેક્સિન માટે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રયાસ શરૂ કર્યા છે. ઓરિસ્સા સરકાર હાલમાં રશિયાની સ્પુતનિક માટે પ્રયાસ કરી રહી છે. ટેન્ડરનું બીડીંગ થાય ત્યારે કઈ વેક્સિન ખરીદવી, કેટલું વળતર આપી ખરીદવી અને કેટલો જથ્થો ખરીદવો તેનું પણ મેનેજમેન્ટ કરવું રહ્યું. આ મેનેજમેન્ટમાં ગફલત હાલના સમયમાં પોસાય તેમ નથી. આ માટે ઓરિસ્સા સરકારે વેક્સિનની ખરીદી અને તેના આયોજન અંગે દસ સભ્યોની ટેક્નિકલ કમિટી પણ બનાવી છે. વિજ્ઞાની વલણ રાખીને આ રાજ્યો તૈયારી કરી રહ્યાં છે. ઓરિસ્સાના મુખ્ય મંત્રી બીજુ પટનાયકે તો વેક્સિનેશન ( VACCINATION) મામલે આધારકાર્ડ કે અન્ય બીજા ઓળખકાર્ડની અનિવાર્યતાને પણ કોરાણે મૂકી છે અને જાહેર કર્યું છે કે ઓળખકાર્ડ નહીં ધરાવનારને પણ રસી આપવામાં આવશે!
વેક્સિનનો આ મુદ્દો જે રીતે ગૂંચવાયો છે તેથી કેન્દ્રની વેક્સિન એલોકેશનની નીતિનો પણ ઉલ્લેખ થવો જરૂરી છે. હાલમાં કેન્દ્ર દ્વારા વેક્સિનનું એલોકેશન થયું તેમાં જે માપદંડ રાખવામાં આવ્યા છે તેમાં સૌ પ્રથમ કયાં રાજ્યોએ સૌથી ઝડપથી વેક્સિનેશન કર્યું છે તે, ઉપરાંત કયું રાજ્ય કોરોનાથી સૌથી વધુ પીડિત છે તે. આ બે માપદંડ ઉપરાંત રાજ્યે વેક્સિનનો બગાડ કર્યો હોય તો તેના અનુપાતમાં ડોઝ ન આપવાનો માપદંડ પણ રાખ્યો છે. વેક્સિન એલોકેશન મુદ્દે ઘણા પ્રશ્નો થયા એટલે તે અંગે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ કરી છે. આ એફિડેવિટમાં કેન્દ્રે જાહેર કરેલા આંકડા મુજબ મે મહિનાની 15 તારીખ સુધીના જે જથ્થાની વહેંચણી કરવામાં આવી છે તેમાં સૌથી વધુ વેક્સિન મહારાષ્ટ્ર મોકલવામાં આવી છે. મહારાષ્ટ્રને ત્રેવીસ લાખનો જથ્થો મળ્યો છે. જ્યારે બીજા ક્રમે ઉત્તર પ્રદેશ છે, જેની સંખ્યા સત્તર લાખની છે અને ત્રીજો ક્રમ આમાં રાજસ્થાન છે. ચોથો ક્રમ ગુજરાત અને પાંચમો ક્રમ કર્ણાટક છે.
રાજ્યો જે રીતે વેક્સિન માટે ટેન્ડરીંગ કરી રહ્યાં છે તે પરથી એવું લાગી શકે કે કેન્દ્રે જાણે વેક્સિનના મામલે પીછેહઠ કરી લીધી છે પરંતુ સરકારે સુપ્રીમ સામે જે રજૂઆત કરી છે તે મુજબ કેન્દ્ર સરકાર વિદેશ વેક્સિન મેન્યુફેક્ચરર્સ સાથે સંવાદમાં છે. કેન્દ્રએ આ ઉપરાંત કોર્ટમાં એ દલીલ પણ રજૂ કરી છે કે અમે પૂરા દેશભરમાં કિફાયતી અને એક જ કિંમતે ઉપલબ્ધ થાય તેવી રસી માટે પ્રયાસ કરી રહ્યા છે. એક રાજ્યમાં કોઈ વ્યક્તિને રસી મોંઘી મળે અને બીજા રાજ્યના નાગરિકને સસ્તી રસી મળે તે સ્થિતિ શક્ય બને ત્યાં સુધી ટાળવા કેન્દ્ર પ્રયાસ કરી રહ્યું છે. જોકે કેન્દ્રનું આ વલણ કોર્ટ સામે છે, જ્યારે બહાર ગ્રાઉન્ડ પર રાજ્યને વેક્સિનનું એલોકેશન ઠીકઠીક થયું હોવા છતાં છેલ્લા ઘણાં દિવસથી વેક્સિનનો પુરવઠો ખોરવાઈ ચૂક્યો છે.
બીજા વેવમાં જે રીતે કોરોનાના કેસીસમાં ઉછાળો આવ્યો તેથી તમામ રાજ્યો હવે આવનારી કટોકટી ટાળવા માંગે છે. આ કટોકટી ટાળવા માટે વેક્સિન જ કારગર શસ્ત્ર છે. અને હાલમાં કેન્દ્ર સરકારના કારણે વેક્સિનની જે અછત ઊભી થઈ છે તે સ્થિતિ ફરી ન આવે તે માટે તમામ રાજ્યો થાય એટલાં પ્રયાસ કરી રહ્યા છે. આવા પ્રયાસ કરનારાઓમાં દક્ષિણના રાજ્યો પણ મોખરે છે. કર્ણાટકે પણ પોતાની મેળે વેક્સિન મેળવવાનો પ્રયાસ કર્યો છે. એ જ રીતે તમિલનાડુના મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલિને પણ વિદેશમાંથી વેક્સિન મેળવવા માટે ટેન્ડરીંગનો માર્ગ અપનાવ્યો છે. 18થી 45ના એજગ્રૂપમાં તમિલનાડુને અત્યાર સુધી કેન્દ્ર દ્વારા 13 લાખ વેક્સિન આપવામાં આવી છે. સ્વાભાવિક છે કે તમિલનાડુ જેવા મોટા રાજ્યોને આ જથ્થો અપૂરતો લાગે. આ રેસમાં એક અન્ય ભાજપશાસિત પ્રદેશ હરિયાણા પણ જોડાયું છે. એ જ રીતે ઉત્તર પ્રદેશ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, રાજસ્થાન, સરકાર પણ વેક્સિનનું જાતે જ ટેન્ડરીંગ કરી વેક્સિનરૂપી સુરક્ષા કવચ આપવા માટે જાતે જ પ્રયત્નો શરૂ કરી દીધા છે. આ રાજ્યો આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પુતનિક, મોડેર્ના, જ્હોન્સન એન્ડ જ્હોન્સન જેવી કંપનીઓ સાથે સતત સંપર્કમાં છે. રાજ્યો આમ કરવા મજબૂર બન્યાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેઓએ ટેન્ડર બહાર પાડવું પડ્યું તેનું એક કારણ કેન્દ્ર સરકારની નીતિ પણ છે. આ નીતિ મુજબ મેન્યુફેક્ચરર્સને એવું સૂચન કરવામાં આવ્યું છે કે તેઓએ કુલ વેક્સિન ઉત્પાદનમાં પચાસ ટકા જથ્થો કેન્દ્રને આપવો, બાકીના પચાસ ટકા જથ્થામાંથી મેન્યુફેક્ચરર્સ રાજ્યોને અને ખાનગી હોસ્પિટલને વેચાણ કરી શકે છે.
મસમોટા ઇવેન્ટ મેનેજમેન્ટ, બુથ મેનેજમેન્ટ કરી શકતી આ સરકાર વેક્સિનેશન મેનેજમેન્ટમાં નિષ્ફળ જઈ રહી છે, તેવું હવે સામાન્ય લોકોને પણ લાગવા લાગ્યું છે અને તેથી જ ગ્લોબલ ટેન્ડરીંગ કરવામાં રોજ કોઈ ને કોઈ રાજ્ય ઉમેરાઈ રહ્યું છે. અત્યાર સુધી આવાં રાજ્યોની સંખ્યા બાર સુધી પહોંચી છે. હકીકતમાં તો કેન્દ્ર સરકારે જ રાજ્ય વચ્ચે રસીની ખરીદી અને વહેંચણીનું મૅનેજમેન્ટ કરવાનું હોય પરંતુ કેન્દ્ર સરકાર નિષ્ફળ ગઈ હોવાથી રાજ્યોએ ન છૂટકે આ માર્ગે જવું પડ્યું છે.