સુરત: ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ લેવલે ટેક્સટાઈલ ઉદ્યોગ ભીંસમાં મુકાતાં એની પ્રત્યક્ષ અને પરોક્ષ અસર કાપડ મિલોની સાથે પેપર મિલો પર પડી છે. ટેક્સટાઈલ પેકેજિંગ ઇન્ડસ્ટ્રીમાં પેપર મિલોનું મોટું યોગદાન રહ્યું છે. વૈશ્વિક મંદીને લીધે એક્સપોર્ટ બંધ થતાં 30,000થી વધુ કામદારો બેરોજગાર બન્યા છે.
- રાજ્યની 120માંથી 65 પેપર મિલ દક્ષિણ ગુજરાતના વાપી, સુરત, તાપી, ભરૂચમાં: આર્થિક મંદીમાં 25 પેપરમિલને તાળા લાગ્યા
તાપી જિલ્લામાં પેપર મિલનું સંચાલન કરનાર કમલવિજય તુલસ્યાને જણાવ્યું હતું કે, કાપડનું ઉત્પાદન કરનારી મિલો પછી હવે પેપર મિલો પણ આર્થિક સંકટનો સામનો કરી રહી છે. ખોટ કરતી 25 પેપર મિલ બંધ થઈ ગઈ છે. બીજી 25 મિલ બંધ થવાની અણીએ છે. પેપર મિલોની સ્થિતિ ખરાબ થવાનાં ચોક્કસ કારણો છે.
વૈશ્વિક સ્તરે મંદી, પેપર મિલને આનુસંગિક ટેક્સટાઇલ, પેકેજિંગ સહિતના ઉદ્યોગોમાં આર્થિક ભીંસ, ઓવર પ્રોડક્શન અને એક્સપોર્ટ ઘટવાને લીધે આ સંકટ ઊભું થયું છે. અત્યારે એનો એકમાત્ર ઉપાય પ્રોડક્શન કાપ મૂકવાનો જણાય છે. રાજ્યમાં કુલ 120 પેપર મિલ જીપીસીબીમાં નોંધાયેલી છે.
મોરબી અને વાપીની મિલો બંધ થઈ
સાઉથ ગુજરાતમાં લગભગ 65 મિલ છે. સૌથી વધુ વાપીમાં 45 અને સુરત, તાપી અને ભરૂચ જિલ્લાની મળીને લગભગ 18થી 20 મિલ કાર્યરત છે. અત્યારે મોરબીમાં 21 અને વાપીની 4 મિલ બંધ થઈ છે. ગુજરાત પેપર મિલ્સ એસોસિએશને ગુજરાત રાજ્ય અને કેન્દ્ર સરકાર બંનેને અપીલ કરી છે કે, તેઓ સંઘર્ષ કરી રહેલા ક્ષેત્રને બચાવવા માટે ખૂબ જ જરૂરી રાહત પગલાં લે.
સરકાર પેપર મિલ ઇન્ડસ્ટ્રીને બચાવવા ઇલેક્ટ્રિસિટી ડ્યૂટી રદ કરે, ડ્યૂટી ડ્રોબેકના લાભો વધારે: કમલવિજય તુલસ્યાન
ટેક્સટાઈલની સાથે પેપર મિલ ઇન્ડસ્ટ્રીના અગ્રણી કમલવિજય તુલસ્યાને જણાવ્યું હતું કે, ગુજરાતની પેપર મિલો દર મહિને આશરે 4 લાખ ટન કાગળનું ઉત્પાદન કરે છે. રાજ્યના કુલ કાગળના ઉત્પાદનમાં એકલા વાપીનો ફાળો આશરે 35 % છે. ચીન અને મિડલ ઇસ્ટના દેશોમાં ઉત્પાદિત પેપર એક્સપોર્ટ કરવામાં આવે છે. સરેરાશ કુલ 1.5 લાખ ટન કાગળની નિકાસ કરવામાં આવતી હતી, જેમાં ખૂબ મોટો ઘટાડો નોંધાયો છે.
અગાઉ મર્ચન્ડાઇઝ એક્સપોર્ટ્સ ફ્રોમ ઇન્ડિયા સ્કીમ (MEIS) અને 4.5 %ની ડ્યૂટી ડ્રોબેકથી લાભ મેળવતા હતા. જો કે, પછીથી કેન્દ્ર સરકારે ડ્યૂટી ડ્રોબેક ઘટાડીને 2.25 % કરી દીધો હતો. કાગળની નિકાસમાં તીવ્ર ઘટાડો થતાં અત્યારે વાર્ષિક ધોરણે નિકાસ માત્ર માત્ર 30,000 ટન રહી ગઈ છે.
પેપર મિલ સંચાલકોની માંગ છે કે, સરકાર પેપર મિલ ઇન્ડસ્ટ્રીને બચાવવા ઇલેક્ટ્રિસિટી ડ્યૂટીમાં રાહત આપે, ડ્યૂટી ડ્રોબેકના લાભો વધારે, પેપર મિલ માલિકો પર લાદવામાં આવેલી 15 % વીજદર ડ્યૂટી દૂર કરે, કાગળની નિકાસને ટેકો આપવા માટે ડ્યૂટી ડ્રોબેકને ફરી 4.5 % કરે, તો જ મિલો સસ્ટેઇન થઈ શકશે.