દુનિયાભરમાં એલોપથી દવાઓનો વેપાર વધારવાની કામગીરી બજાવતું વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અચાનક પરંપરાગત જડીબુટ્ટીમાં રસ લેવા માંડે ત્યારે કેટલાકને આનંદ થાય છે તો કેટલાકને તેમાં ભેદી કાવતરાંની ગંધ આવે છે. દુનિયામાં મલ્ટિનેશનલ ફાર્માસ્યુટિકલ કંપનીઓની સ્થાપના થઈ તે પહેલાં દુનિયાની ૧૦૦ ટકા પ્રજા પરંપરાગત ઘરગથ્થુ ઔષધો લઈને મફતમાં સાજી થતી હતી. મલ્ટિનેશનલ કંપનીઓએ બેફામ નફો કરવા એલોપથી દવાઓનું ઉત્પાદન શરૂ કર્યું તેમાં દલાલની ભૂમિકા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ભજવી હતી.
જેટલા દેશો તેના સભ્યો બન્યા તેમાં તેણે એલોપથી દવાઓનો જ પ્રચાર કર્યો અને પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓને કચડવાનું જ કામ કર્યું. આ રીતે એલોપથી દવાઓનો વેપાર અબજો ડોલરને પાર કરી ગયો. આજની તારીખમાં પણ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનું મોટા ભાગનું બજેટ મલ્ટિનેશનલ કંપનીઓ અથવા તેના બિલ ગેટ્સ જેવા રોકાણકારોમાંથી જ આવે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અને ફાર્માસ્યુટિકલ કંપનીઓના લાખ પ્રયાસો છતાં દુનિયાની ૮૦ ટકા પ્રજા આજે તેમના દેશની પરંપરાગત દવાઓનો જ ઉપયોગ કરે છે.
આરોગ્યના કોઈ પણ ક્ષેત્રમાં પરંપરાગત દવાઓ એલોપથી દવાઓ કરતાં ચડિયાતી અને સસ્તી હોય છે, કારણ કે તેમાં નફાખોરી કરવામાં આવતી નથી. એલોપથી દવાઓ બનાવતી મલ્ટિનેશનલ કંપનીઓને ખ્યાલ આવી ગયો છે કે હવે એલોપથી દવાઓના વિકાસની કોઈ ગુંજાઈશ નથી. મોટા ભાગની એલોપથી દવાઓ હવે નકામી થઈ ગઈ છે. એલોપથીમાં ભાગ્યે જ કોઈ નવી દવાની શોધ થાય છે. વળી ડાયાબિટિસ, બ્લડ પ્રેશર, કિડની, હૃદયરોગ, કેન્સર, સંધિવાત, અસ્થમા વગેરે રોગોની કોઈ દવા એલોપથીમાં નથી. આ કંપનીઓના નફાર્થે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા ગુજરાતના જામનગરમાં ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનનો પાયો નાંખવામાં આવી રહ્યો છે.
આરોગ્ય અને શિક્ષણ બે ક્ષેત્રો એવાં છે કે જેમાં વેપારને સ્થાન હોવું જોઈએ નહીં. ભારતમાં શિક્ષણનું તંત્ર ગુરુકુળોના હાથમાં હતું અને આરોગ્યનું તંત્ર ઋષિસમાન વૈદરાજો સંભાળતા હતા. ગુરુકુળો રાજામહારાજાઓ અને શ્રીમંતોની સખાવતો પર ચાલતાં હોવાથી તેમાં ગરીબ-તવંગર બંનેનાં બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ મફતમાં મળતું હતું. તેને કારણે ભારતની શિક્ષણપદ્ધતિ વિશ્વમાં શ્રેષ્ઠ ગણવામાં આવતી હતી. આ ગુરુકુળોમાં જે ૬૪-૭૨ વિદ્યાઓ શીખવવામાં આવતી તેમાં આયુર્વેદનો પણ સમાવેશ થતો હતો. ભારતના વિદ્યાર્થીઓ ગુરુ-શિષ્ય પરંપરામાં આયુર્વેદનો અભ્યાસ કરતા.
તે સમયના વૈદરાજો પણ નિ:સ્પૃહી અને સેવાભાવી હોવાથી તેઓ જંગલમાં જઈને જાતે જડીબુટ્ટીઓ લઈ આવતા અને તેમાંથી ઔષધો તૈયાર કરતા. આ ઔષધો અત્યંત કિફાયતી ભાવે દર્દીઓને આપવામાં આવતાં હતાં. આજે શિક્ષણ ધંધાદારી લોકોના હાથમાં ગયું છે તેમ આરોગ્યનું ક્ષેત્ર પણ મલ્ટિનેશનલ કંપનીઓના હાથમાં ગયું હોવાથી તેના દ્વારા લોકોનું શોષણ થાય છે. સ્વ. વિનોબા ભાવે કહેતા હતા કે જેટલું અસરકારી હોય છે, તેટલું જ અસરકારી હોય છે. મતલબ કે સરકાર જે ક્ષેત્રમાં પ્રવેશ કરે તેનું સત્યાનાશ નીકળી જતું હોય છે.
આયુર્વેદના શિક્ષણના ક્ષેત્રમાં પણ સરકારે પ્રવેશ કર્યો ત્યારથી તેના પતનનો પાયો નંખાઈ ગયો છે. પ્રાચીન કાળમાં આયુર્વેદનું શિક્ષણ લાયક વિદ્યાર્થીઓ ગુરુ-શિષ્ય પરંપરામાં મેળવતા હતા. આજે આયુર્વેદિક કોલેજોમાં લાખો રૂપિયાની ફી લઈને આયુર્વેદનું શિક્ષણ આપવામાં આવે છે. તેનો મુખ્ય ઉદ્દેશ એલોપથીની જેમ આયુર્વેદનો પણ વેપાર કરીને નફો રળવાનો છે. આજે જે વિદ્યાર્થીને એમ.બી.બી.એસ.માં પ્રવેશ નથી મળતો તેઓ લાચારીવશ આયુર્વેદિક કોલેજમાં પ્રવેશ લે છે. વૈદનું સર્ટિફિકેટ મેળવે છે અને પછી શુદ્ધ આયુર્વેદની પ્રેક્ટિસ કરવાને બદલે પૈસા રળવા માટે એલોપથીની પ્રેક્ટિસ કરવા લાગે છે. આયુર્વેદિક કોલેજમાં ભણતાં વિદ્યાર્થીઓને તાલીમમાં પણ એલોપથીની પદ્ધતિ શીખવવામાં આવે છે. આ કારણે આયુર્વેદની વિશ્વસનીયતા સતત ઘટતી જાય છે.
જૂના જમાનાના વૈદો જાતે જંગલમાં જઈને વનસ્પતિઓ ચૂંટી લાવતા હતા, સાફ કરતા હતા અને તેમાંથી ઔષધો બનાવતા હોવાથી દવાઓ રામબાણ બનતી હતી. હવેના વૈદોને તેવી ફુરસદ નથી અને જંગલો પણ બચ્યાં નથી. હવે મોટી મોટી આયુર્વેદિક ફાર્મસીઓ દવાઓનું જથ્થાબંધ ઉત્પાદન કરે છે, જેમાં ગુણવત્તાનો ભોગ લેવાઈ જાય છે. બજારમાં મળતી આવી હલકી દવાઓ અપેક્ષિત પરિણામ આપી ન શકતી હોવાથી લોકોનો આયુર્વેદમાં વિશ્વાસ ઊઠી જતો હોય છે. આજ દિન સુધી વિશ્વભરમાં એલોપથી દવાઓનો પ્રચાર કરતા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનને અચાનક પરંપરાગત દવાઓ ઉપર પ્રેમ કેમ ઉભરાઈ આવ્યો?
તેનો વિચાર કરવો જોઈએ. તાજેતરમાં જગતમાં કોરોના નામની મહામારી આવી તેમાં કોઈ પણ એલોપથી દવા કામિયાબ નીવડી નહોતી. તેથી વિરુદ્ધ આયુર્વેદિક દવાઓ લઈને લાખો દર્દીઓ સાજાં થયાં હતાં. તેમ છતાં ભારત સરકારે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને આયુર્વેદિક દવાઓને માન્યતા આપી નહોતી. કોરોના સામે સંરક્ષણ માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા જે વેક્સિનનો ધૂમ પ્રચાર કરવામાં આવ્યો તે વેક્સિનને આયુર્વેદ માનતું જ નથી; કારણ કે આયુર્વેદ સૂક્ષ્મ વિષાણુથી રોગ થાય છે, તેવું માનતું નથી. તેમ છતાં ભારત સરકારના આદેશથી ફ્રન્ટલાઈન વર્કરો તરીકે સરકારી હોસ્પિટલોમાં કામ કરતા વૈદો ઉપરાંત આયુર્વેદિક કોલેજોમાં ભણતાં વિદ્યાર્થીઓને પણ વેક્સિન ફરજિયાત અપાઈ હતી. આવી ભારત સરકાર ભારતમાં પરંપરાગત દવાઓના જાગતિક કેન્દ્ર માટે જમીન ફાળવે ત્યારે શંકા પેદા થયા વિના રહેતી નથી. આ કેન્દ્રનો ઉપયોગ આયુર્વેદના વિકાસ માટે થશે કે વિનાશ માટે?
ભારતમાં જેમ આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ છે તેમ દુનિયાના લગભગ બધા દેશોમાં પોતાની પરંપરાગત ચિકિત્સા પદ્ધતિ છે, જે એલોપથી કરતાં ચડિયાતી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના જે ૧૯૪ સભ્ય દેશો છે, તેમાંના ૧૭૦ દેશો પોતાની પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ ધરાવે છે. આ પ્રાચીન પદ્ધતિઓના કારણે જ એલોપથીનો વિકાસ મર્યાદિત બની ગયો છે. જ્યાં સુધી આ પ્રાચીન પદ્ધતિમાં ઘૂસીને તેનો વિનાશ ન કરવામાં આવે ત્યાં સુધી એલોપથીનો વિકાસ થઈ શકે તેમ નથી. જો પ્રાચીન ચિકિત્સા પદ્ધતિનો વિનાશ કરવો હોય તો તેનું વેપારીકરણ કરી નાખવું જોઈએ. જામનગરમાં સ્થપાઈ રહેલું ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન આ દિશાનું પ્રથમ ભેદી પગલું જણાઈ રહ્યું છે.
- આયુર્વેદની જે દવાઓ અને સારવાર પદ્ધતિ છે તે કરોડો વર્ષ જૂની છે. તેને કોઈ પ્રયોગોની અને પુરાવાની જરૂર નથી. જામનગરના ગ્લોબલ સેન્ટરમાં આ દવાઓ ઉપર પ્રયોગો કરવામાં આવશે અને તેના પુરાવા એકઠા કરવામાં આવશે. આ પ્રયોગો પાછળ ખર્ચાઓ કરીને મલ્ટિનેશનલ કંપનીઓ દ્વારા પ્રાચીન જડીબુટ્ટીઓની પેટન્ટ કરાવવામાં આવશે અને કમાણી કરવામાં આવશે. આ પેટન્ટને કારણે આયુર્વેદિક દવાઓના ભાવો સામાન્ય માણસની પહોંચની બહાર નીકળી જશે. આયુર્વેદિક દવાઓ મફતમાં આપવાને બદલે તેનું પણ માર્કેટિંગ કરવામાં આવશે તો વૈદો તેના સેલ્સમેનો બની જશે. આ ભેદી યોજનાનો આયુર્વેદના નિષ્ણાતો દ્વારા જ વિરોધ થવો જોઈએ.
–આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.