નવજાતનો અંધારામાં સદાનો પ્રકાશ પાથરનાર નાનકકડો ગ્રંથ તે ભગવદ્દગીતા છે. માત્ર 700 શ્લોકો અને 18 અધ્યાયોમાં શ્રીકૃષ્ણે માનવજાતને જીવન આનંદમય બનાવવાનો રસ્તો બતાવી દીધો છે. ગીતામાં વૈચારિક કિલષ્ટતા પણ નથી તેથી કોઇ પણ વ્યક્તિ સહજભાવે જ વાંચીને સમજી જાય છે. કર્મ, કર્મનો સંન્યાસ, ભક્તિ, શ્રદ્ધા એ બધું વાંચતા જ સમજાઈ જતું હોય છે. ગીતામાં કથનશૈલી છે તેથી અર્જુનને પ્રશ્નો થયા તેવા પ્રશ્નો કોઇ પણ વાચકને થઇ શકે છે. અર્જુનના પ્રશ્નોના ઉત્તરો પણ કોઇ પણ માણસના મનમાં સહજભાવે જ ઊતરી જતા હોય છે. વહેવારમાં જીવતા માણસને જુદે જુદે પ્રસંગે જુદા જુદા પ્રશ્નો ઊભા થતા હોય છે. એવા તમામ પ્રશ્નોના શ્રીકૃષ્ણે સહજભાવે જ ઉત્તરો આપ્યા છે.
ગીતામાં જ્ઞાન, કર્મ, કર્મનો સંન્યાસ એ બધું જ આવી જાય છે. જેથી જિજ્ઞાસુને ઉત્તરો તો મળી જશે પરંતુ તેની સાથે સાથે જીવનનો રસ્તો પણ સ્પષ્ટ થઇ જશે. વિશ્વના અગત્યના ગ્રંથોમાં તેથી જ ગીતાનો સ્વીકાર થયો છે. જે સ્થિતિ ભારતના યોગની થઇ તે સ્થિતિ ભારતના તત્ત્વ જ્ઞાનની થવાની જ છે. તેથી વિશ્વની પ્રજા બહુ ઝડપથી ભારતના વિશેષને પકડવા પ્રયત્ન કરી રહી છે. તેમાં યોગ પછી ભારતનું તત્ત્વજ્ઞાન આવવાનું જ છે. તે સમયે શ્રીમદ્દ ભગવદ ગીતા એ વિશ્વનો ગ્રંથ બનશે. મનુષ્ય પાસે બધું હોય પરંતુ માનસિક શાંતિ ન હોય તો બધું છે તેનો કોઇ અર્થ રહેતો નથી. આ શાંત જીવન જીવવાનાં સોપાનો ગીતામાં દર્શાવ્યા છે. તેના તરફ વિશ્વનું ધ્યાન ગયું. તેથી ઘરે ઘરે ગીતા એ આવતીકાલના ઘરોમાં જોવા મળશે.