ઉત્તરાખંડના ચમૌલી જિલ્લાના જોષીમઠ ખાતે રવિવારે ગ્લેશિયર ફાટવાની જે દુર્ઘટના સર્જાઇ તેના પછી આ ગ્લેશિયરો કે હિમશીખરો તૂટવાની કે ફાટવાની ઘટનાઓ અંગે અનેક સમજૂતીઓ અપાઇ છે. સામાન્ય રીતે ગ્લેશિયરો જ્યારે પોતાની જગ્યાએથી ખસે છે ત્યારે તેઓ પોતાની પાછળ તળાવો મૂકતા જાય છે જે ખડકો અને કાંપ, કીચડ વડે બંધાતા હોય છે.
આ તળાવ ફાટે ત્યારે પાણીનો મોટો જથ્થો નદીમાં કે તે પહાડ પરથી નીકળતા ઝરણામાં ધસી જાય છે. કેટલીક વખત એવું પણ બને છે કે ઉપરથી બરફના દેખાતા ગ્લેશિયરની અંદરના ભાગમાં જામ્યા વિનાના પાણીનો મોટો જથ્થો સંગ્રહાયેલો હોય છે અને આ જથ્થો દબાણ સાથે બહારની તરફ ધસે ત્યારે ગ્લેશિયર ફાટે છે અને પાણીનો મોટો જથ્થો છૂટે છે. કેટલીક વખતે ભૂગર્ભીય હિલચાલને કારણે પણ ગ્લેશિયરો તૂટી જતા હોય છે. ભૂતકાળમાં પેરૂ અને નેપાળમાં ગ્લેશિયરોને કારણે મોટી હોનારતો બની છે.
હાલમાં ગ્લેશિયરો પીગળવાને કારણે પણ હોનારતો બનવાનું પ્રમાણ વધ્યું છે. ગ્લોબલ વૉર્મિંગને કારણે ગ્લેશિયરો પીગળવાનું પ્રમાણ વધ્યું છે. વૂડ્સ હોલ ઓસનોગ્રાફિક ઇન્સ્ટિટ્યુટના એક એસોસીએટ પ્રોફેસર સારાહ દાસ કહે છે કે વિશ્વભરના મોટા ભાગના ગ્લેશિયરો ભૂતકાળમાં ઘણા મોટા હતા અને હવે તેઓ હવામાન પરિવર્તન અને ગ્લોબલ વૉર્મિંગને કારણે નાટ્યાત્મક રીતે પીગળી રહ્યા છે અને સંકોચાઇ રહ્યા છે.