ઉત્તરાખંડના ચમોલી ખાતે આજે સવારે દશ વાગ્યે ગ્લેશિયલ તૂટી પડતા મોટી દુર્ઘટના સર્જાઇ હતી. આ કરૂણાંતિકામાં આશરે 170 યુવકો જેઓ ઋષિગંગા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યાં હતાં તેઓ લાપત્તા છે. જ્યારે અત્યાર સુધીમાં 10 જેટલા મૃતદેહો શોધી કાઢવામાં આવ્યા છે. આ દુર્ઘટનાના સમાચાર વાયુવેગે સમગ્ર દુનિમામાં ફેલાઇ ગયા હતા. જેના કારણે ઉત્તરાખંડ ગયેલા ગુજરાતીઓ ચિંતિત થઇ ગયા છે. જો કે, તેઓ તમામ સલામત હોવાનું જાણવા મળે છે.
રાજકોટ ખાતે રહેતી એક યુવતી જે ટ્રેકિંગ કેમ્પમાં ગઇ હતી તેણે વીડિયો મેસેજ દ્વારા આ માહિતી આપી હતી. તેણે આ મેસેજમાં જણાવ્યું હતું કે, તેઓ મસૂરીમાં ટ્રેકિંગ કેમ્પમાં ગયા હતા અને તેમની સાથે સમગ્ર ગુજરાતમાંથી યુવક યુવતીઓ આવ્યા હતા. જેમાં રાજકોટના વધુ લોકો હતા પરંતુ એ સિવાય સુરત અને વડોદરાના લોકો પણ આ કેમ્પમાં હતા.
આ દુર્ઘટના બનતાની સાથે જ તેમને જાણકારી આપી દેવામાં આવી હતી. તેઓ જ્યાં હતા તે ઉત્તરાખંડનું શ્રીનગર ચમોલીથી ખાસ્સુ દૂર છે. એટલે ત્યાં કોઇ અસર ન હતી પરંતુ તેમનું ગ્રુપ દહેરાદુન કેમ્પ સાઇટ પર જવા માટે રવાના થઇ ગયા હતા. તેમનો સામાન પણ હરિદ્વારમાં પડ્યો છે. જો કે, તેમને કે તેમના ગ્રુપને કોઇ નુકસાન થયું ન હતું.
બીજી તરફ તેમના ગ્રુપના લોકો જે સ્થળે હતાં ત્યાં ઇન્ટરનેટની કનેક્ટિવિટી નહીં હોવાથી તેઓ સંપર્ક વિહોણા થઇ ગયા હતાં. જો કે, બીજી તરફ ગુજરાતના મુખ્યમંત્રી સહિત ઉચ્ચ અધિકારીઓ સતર્ક થઇ ગયા હતા અને તેઓ સતત ઉત્તરાખંડ સરકારના સંપર્કમાં રહીને પળેપળની જાણકારી મેળવી રહ્યાં છે. મોડી રાત સુધી સુરતના કેટલા લોકો ઉત્તરાખંડમાં છે તેની જાણકારી મળી શકી ન હતી.
ઉત્તરાખંડમાં ફસાયેલા સુરત જિલ્લાના રહેવાસીઓની માહિતી ડિઝાસ્ટર કંટ્રોલ રૂમના નંબર પર આપવી
ઉત્તરાખંડમાં હાલમાં પુરની ઘટનાને ધ્યાનમાં લેતા અગર કોઈ સુરત જિલ્લાના રહેવાસીઓ, સહેલાણીઓ ત્યાં ફસાયલા હોય કે ફરવા ગયા હોય તો તાત્કાલિક એમની માહિતી ઇ.ચા ડિઝાસ્ટર મામલતદાર કે.એમ.ઢીંમર મો.નં. 98796 66764 તથા કંટ્રોલ રૂમ નંબર 0261-2663200 અને નાયબ મામલતદાર એસ.એલ.દેશમુખ મો.નં.-98250 33515 તથા DPO – મો.નં. 90339 20674 પર ફોન કરીને કે પર વોટ્સએપ મારફત તાત્કાલિક આપવા અપીલ કરાઇ છે તેમને આ ફોન નંબર ઉપર વિગતો મોકલા જાણવા જોગ સંદેશ અપાયો છે, જો કોઇ વ્યક્તિ ત્યાં ફસાયા હોય તો તેમને 0261-2663200 ડિઝાસ્ટર મેનેજમેન્ટ શાખા સુરત જિલ્લા કલેકટર કચેરીનો સંપર્ક કરવા જણાવ્યું છે