વર્ષના ચંદ્ર પટેલને અમેરિકામાં કાયમ રહેવાની ઘેલછા હતી. એ માટેની એની કોઈ જ લાયકાત નહોતી. 10th પછી એણે ભણવાનું છોડી દીધું હતું. અમેરિકા ભણવાના બહાને એ જઈ શકે એમ નહોતો. ફરવા માટેના પૈસા નહોતા. એટલે એ B-1/B-2 વિઝા મેળવી શકે એમ નહોતો. ભણેલોગણેલો નહોતો એટલે ખાસ આવડત ધરાવનારાઓ માટેના H-1B વિઝા મળવાની શક્યતા નહોતી. કોઈ કંપનીમાં મેનેજર નહોતો એટલે આંતર કંપની ટ્રાન્સફરી મેનેજરો માટેના L-1 વિઝાની માંગણી કરી શકે એમ નહોતો. અખબારનો રીપોર્ટર નહોતો, સાંસ્કૃતિક કાર્યક્રમો ભજવતો નહોતો.
ધર્મના કાર્ય કરતો નહોતો એટલે રીપોર્ટરો માટેના I, કળાકારોના P-3 કે ધર્મગુરુઓ માટેના R-1 વિઝા મળી શકે એમ નહોતા. કોઈ અમેરિકન સિટિઝન યા ગ્રીનકાર્ડધારક યુવતી એની સાથે પરણવા તૈયાર નહોતી કારણ એ દેખાવમાં સામાન્ય હતો. એના માટે ફેમિલી પ્રેફરન્સ કેટેગરી હેઠળ ગ્રીનકાર્ડનું પિટિશન દાખલ કરી શકે એવું એનું અમેરિકામાં કોઈ અંગત સગું નહોતું. વિઝા લોટરીમાં ભાગ લેવા એ અસમર્થ હતો. EB-5 પ્રોગ્રામ હેઠળ રીજનલ સેન્ટરમાં કરોડો રૂપિયાનું રોકાણ કરવાની એની આર્થિક સ્થિતિ નહોતી.
આમ અમેરિકામાં જવા અને કાયમ રહેવા માટે એનામાં કોઈ લાયકાત નહોતી. ચંદ્ર સૌ પ્રથમ મહેસાણાથી મુંબઈ આવ્યો. મુંબઈથી થાઈલેન્ડ ગયો. ત્યાંથી મેક્સિકો ગયો. મેક્સિકોમાં એક ટ્રકની અંદર લપાઈછુપાઈને એણે અમેરિકાની બોર્ડર ક્રોસ કરી. પછી અમેરિકામાં ગેરકાયદેસર રહી ઈલીગલી કામ કરવા લાગ્યો. એક દિવસ એને એક્સિડન્ટ થયો. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. પોલીસે પૂછપરછ કરતાં એમની જાણમાં આવ્યું કે એ અમેરિકામાં 4 વર્ષથી ગેરકાનૂની રીતે રહેતો હતો. એને ડિપોર્ટ કરવા માટેનો આદેશ મળ્યો. ભારતમાં મારા ઉપર ખૂબ જ અત્યાચાર થાય છે. હું કોંગ્રેસ પાર્ટીનો સભ્ય છું. આથી BJP મારી ઉપર અત્યાચાર ગુજારે છે. તેઓ મારું ખૂન કરવા આવવાના હતા એટલે મારે ભારતમાંથી ભાગી છૂટવું પડ્યું. તમે મને અમેરિકામાં રાજકીય આશરો આપો એવી ચંદ્રે માગણી કરી.
અમેરિકામાં કાયમ રહેવા માટે વિશ્વના બધા જ દેશોના લોકો કંઈ ને કંઈ ખોટું કરતા જ હોય છે. ભારત એમાં મોખરે છે. યુક્રેન, અફઘાનિસ્તાન, ઈરાન, પાકિસ્તાન આ સર્વેની સરખામણીમાં ભારતમાં ખૂબ જ સુખ અને શાંતિ છે. ભારત વિશ્વનો સૌથી વધુ સહિષ્ણુ દેશ છે. ધર્મના નામે, જાતિના કારણે, ભારતમાં કોઈની ઉપર અત્યાચાર કે જોરજુલમ કરવામાં નથી આવતો. આપણી સરકાર દરેકે દરેક ભારતવાસીઓને પૂરતું રક્ષણ આપે છે. આમ છતાં અમેરિકામાં કાયમ રહેવા માટે ભારતીયો દર વર્ષે પુષ્કળ સંખ્યામાં ‘અમારા દેશમાં અમારા ઉપર જોરજુલમ થાય છે. અમારી સરકાર, અમને રક્ષણ નથી આપતી’ આવું જણાવીને અમેરિકામાં રાજકીય આશરો માગે છે. વર્ષ 2017માં 4000 ભારતીયોએ અમેરિકામાં રાજકીય આશરો માંગ્યો હતો!
મોટાભાગના ભારતીયો અમેરિકામાં ગેરકાયદેસર એટલે કે ઈલીગલી પ્રવેશે છે. અનેક B-1/B-2 કે એવા જ પ્રકારના નોન-ઈમિગ્રન્ટ વિઝા મેળવીને અમેરિકામાં પ્રવેશે છે. ત્યાર બાદ ત્યાં રહેવા માટે જે સમય આપવામાં આવ્યો હોય એ પૂરો થતાં ભારત પાછા ન આવતા ત્યાં જ ગેરકાયદેસર રહેવા લાગે છે. ઈલીગલી કામ કરે છે. પકડાઈ જતા અમારા દેશમાં અમારી ઉપર જોરજુલમ થાય છે. જો અમારા દેશમાં પાછા જઈશું તો અમારા જાનને જોખમ છે આવું ખોટું જણાવીને રાજકીય આશરો માંગે છે.
દરેક મનુષ્યને સ્વતંત્ર રીતે જીવવાની છૂટ હોવી જોઈએ. જે ધર્મમાં શ્રદ્ધા ધરાવતો હોય એ પાળવાની સ્વતંત્રતા હોવી જોઈએ. કોઈ પણ પ્રકારનો રાજકીય મત હોય એ ધરાવવાની છૂટ હોવી જોઈએ. જાતિ, ધર્મ, નેશનાલિટી, રાજકીય વિચારો કે કોઈ ખાસ સામાજિક સંસ્થાના મેમ્બરો હોવાના કારણે જો કોઈની ઉપર દમન થતું હોય, એમને રંજાડવામાં આવતા હોય, મારી નાખવાની ધમકીઓ અપાતી હોય અને એમના દેશના રખેવાળો, રાજ્યકર્તાઓ, પોલીસ રક્ષણ આપતી ન હોય, એમને જાનમાલનો ભય સતત સતાવતો હોય, એવા લોકોને એમનો દેશ છોડી જવાની ફરજ પડતી હોય છે.
યુનાઈટેડ નેશન્સ, જેના દુનિયા આખીના લગભગ બધા જ દેશો સભ્ય છે, એ એવું જણાવે છે કે આવા લોકો જે કોઈ પણ દેશમાં એમના સ્વદેશમાં થતા અત્યાચારોથી બચવા રાજકીય આશરો માંગે એમને એ દેશે રાજકીય આશરો આપવો જોઈએ. અમેરિકા યુનાઈટેડ નેશન્સના આ આદેશના કારણે અને એમના પોતાના દેશની નીતિ, જે દુનિયાના હારેલા, ત્રાસેલા લોકોને આશરો આપવાની છે, એની હેઠળ આવા લોકો જેમનું એમના પોતાના દેશમાં રહેવું સુરક્ષાભરેલું નથી એમને પોતાને ત્યાં આશરો આપે છે. જો કોઈ પરદેશી અમેરિકામાં ઈલીગલી રહેતો પકડાય પછી 1 વર્ષની અંદર રાજકીય આશરો મેળવવાની માગણી કરે તો અમેરિકાની સરકાર એ માગણી ઉપર વિચાર કરે છે.
માગણી પ્રારંભિક ધોરણે વ્યાજબી ગણાય તો જ્યાં સુધી એ માગણી ઉપર ઈમિગ્રેશન કોર્ટના જજો પાક્કો નિર્ણય ન લે, તેઓ રાજકીય આશરો મેળવવાને લાયક છે કે નહીં એ ઠરાવે નહીં, ત્યાં સુધી એમને અમેરિકામાં રહેવાની અને કામ કરવાની છૂટ આપે છે. રાજકીય આશરો માગનારાઓની સંખ્યા એટલી વધુ હોય છે કે એ નિર્ણય લેતા 2-5 વર્ષ કે એથી પણ વધુ સમય લાગે છે. એટલો સમય એ લોકોને અમેરિકામાં રહેવા અને કામ કરવા દેવામાં આવે છે. જો ચુકાદો એમની વિરુદ્ધ આવે તો તેઓ અપીલ કરી શકે છે. અપીલનો નિકાલ થતા બીજા 4-5 યા એથી વધુ વર્ષો નીકળી જાય છે. આટલો સમય રાજકીય આશરો માંગનારાઓને અમેરિકામાં રહેવા અને કામ કરવા મળે છે.
જો ચુકાદો એમની વિરુદ્ધ આવે તો એમને એમના દેશમાં મોકલી દેવામાં આવે છે. આ દરમિયાન અમેરિકામાં રહીને તેઓ આખી જિંદગીની કમાણી કરી લેતા હોય છે. આ કારણસર અનેક ભારતીયો ભારતમાં સુખશાંતિ હોવા છતાં ભારત દેશ ઉપર, આપણા રાજકારણીઓ ઉપર, અમુક જાતિના લોકો ઉપર, ખોટા ખોટા આક્ષેપો કરીને રાજકીય આશરો મેળવવાની અરજીઓ કરે છે. હવેથી અમેરિકાના સત્તાવાળાઓ એવું વિચારે છે કે જે લોકો આવી ખોટી રાજકીય આશરો માગતી અરજી કરે એમની અરજી નકારાય ત્યારે એમને તેઓ જેટલા વર્ષ અમેરિકામાં આવી ખોટી અરજી કરીને રહ્યા હોય એટલા વર્ષની એમને જેલની સજા કરવી. રાજકીય આશરો માગનારા ભારતીયો તમે હવે ચેતજો. ભારતને બદનામ કરીને રાજકીય આશરો માગવાની અમેરિકાની સરકારને ખોટી માગણી કરતા નહીં.