National

કન્ટેન્ટ ક્રિએટર્સને ન્યાય આપો, નહીં તો સરકાર કરશે કાર્યવાહી: અશ્વિની વૈષ્ણવ

અશ્વિની વૈષ્ણવે ડિજિટલ પ્લેટફોર્મ્સને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ઓરિજિનલ કન્ટેન્ટ બનાવનારને કમાણીમાં યોગ્ય હિસ્સો આપવો અનિવાર્ય છે, નહિતર સરકાર કાયદાકીય પગલાં ભરવામાં સંકોચ નહીં રાખે. તેમણે આ ચેતવણી ‘ડિજિટલ ન્યૂઝ પબ્લિશર્સ એસોસિએશન’ (DNPA) કોન્ક્લેવ 2026 દરમિયાન આપી હતી. મંત્રીએ જણાવ્યું કે ઇન્ટરનેટ હવે માત્ર માહિતી વહેંચવાનું સાધન નથી, પરંતુ તે એક વિશાળ અને પ્રભાવશાળી ઇકોસિસ્ટમ બની ગયું છે. આવી સ્થિતિમાં ડિજિટલ પ્લેટફોર્મ્સ પોતાની જવાબદારીમાંથી પલળી શકશે નહીં. જો કોઈ પ્લેટફોર્મ પર ખોટી માહિતી ફેલાય, બાળકોને નુકસાન થાય અથવા સમાજ વિરોધી સામગ્રી પ્રસારિત થાય, તો તેની સીધી જવાબદારી સંબંધિત કંપનીઓની જ ગણાશે.

ખાસ કરીને AI દ્વારા તૈયાર થતું ‘ડીપફેક’ અને ‘સિન્થેટિક કન્ટેન્ટ’ ગંભીર ચિંતા ઉભી કરી રહ્યું છે. વૈષ્ણવે કહ્યું કે આવી ટેકનોલોજીનો દુરુપયોગ રોકવા માટે પ્લેટફોર્મ્સે સખત પગલાં લેવા જરૂરી છે. તેમણે ફેર રેવન્યુ શેરિંગ પર ભાર મૂકતા કહ્યું કે ન્યૂઝ પબ્લિશર્સ, પરંપરાગત મીડિયા, પ્રાદેશિક સર્જકો, ઇન્ફ્લુએન્સર્સ અને સંશોધકો, જેઓ ઓરિજિનલ કન્ટેન્ટ તૈયાર કરે છે, તેમને યોગ્ય તે વળતર મળવું જ જોઈએ. જો સર્જકોને યોગ્ય હિસ્સો નહીં મળે, તો વિજ્ઞાન, કલા અને સાહિત્યનો વિકાસ અટકી જશે. અંતમાં તેમણે ચેતવણી આપી કે જો પ્લેટફોર્મ્સ સ્વયં સુધારા નહીં કરે, તો અન્ય દેશોની જેમ ભારત પણ કાયદાકીય રસ્તો અપનાવવા મજબૂર થશે.

Most Popular

To Top