Comments

જૂની અને નવી પેન્શન યોજના વચ્ચે હેરાન થતા કર્મચારીઓને વચગાળાની રાહત આપો

ગુજરાતના થોડા લોકોને સમસ્યા હોય એટલે તે સમસ્યા ના કહેવાય તેવું નથી. ફિક્સ પગારમાં લાગ્યા હોય અને એપ્રિલ 2005 પછી કાયમી થયા હોય તેવા ગુજરતના શિક્ષણ ક્ષેત્રમાં છેલ્લે ઓક્ટોબરમાં અને કર્મચારી ક્ષત્રે ડિસેમ્બરમાં રીટાયર થયેલા અને રાજ્ય સરકારના કર્મચારીઓનું પેન્શન શરૂ થયું નથી. આમ તો પ્રજાના કલ્યાણનું ધ્યાન રાખતી સરકાર આ કર્મચારીઓ રીટાયર થાય પછીના મહિનાથી પેન્શન મેળવતા થાય તેવી જાહેરાતો કરે છે, પણ આ કર્મચારીઓ એક વિશેષ સ્થતિનો સામનો કરી રહ્યાં છે પરિણામે તેમનું પેન્શન શરૂ થયું નથી.

ગુજરાતમાં ત્રીજા અને ચોથા વર્ગના કર્મચારીઓની લાખો ખાલી જગ્યાઓ ફિક્સ પગારથી ભરવાની નીતિ ૧૯૯૯ થી શરૂ થઇ. આ નીતિમાં કર્મચારી પાંચ વર્ષ ફીક્ષ પગારમાં પસાર કરે પછી તેને કાયમી કર્મચારી તરીકે નિમણુંક આપવામાં આવતી. બેકારી અને નીચા વેતનમાં શોશાતા યુવાનો પાંચ વર્ષ પછી તો શાંતિ થશે તેમ માની આ ફિક્સ પગારની નોકરી સ્વીકારવા લાગ્યા, પણ આ યુવાનોને ક્યાં ખબર હતી કે જ્યારે તેઓ ફૂલ પગારમાં આવશે, કાયમી ગણાશે ત્યારે તેમને કોઈ નવી જ પેન્શન યોજના માથે પડશે!

હા, વર્ષ 2005 એપ્રિલ પછી દેશમાં નવી મુલ્ય વર્ધિત પેન્શન યોજના લાગુ પડી. શેર બજારમાં રોકાણ કરીને જે વળતર મળે તે આધારે પેન્શન ચુકવવાની યોજન લાગુ પડી. વર્ષ ૨૦૦૧ માં જે યુવાનો ગુજરાતમાં નોકરીએ લાગ્યા તેમને ખબર ના હતી કે ૨૦૦૬ માં તેમને તદ્દન અનિશ્ચિતતાવાળી પેન્શન યોજનામાં ભેળવવામાં આવશે. કર્મચારી મંડળો જાગ્યા. સરકાર પાસે માંગ કરી કે 2005 પહેલાના ફિક્સ પગારદાર કર્મીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવો. ૨૦૨૨ ની ચૂંટણી સમયે સરકારે માંગ સ્વીકારી તો ખરી પણ સત્તાવાર જાહેરાત છેક ૨૦૨૪ માં લોકસભાની ચૂંટણી પછી કરી. સત્તાવાર જાહેરાત પછી બે-ત્રણ મહિના સુધી પરિપત્ર ના થયો અને હવે તો સમય એ આવ્યો કે નવી વ્યવસ્થામાં નોકરીએ લાગેલા કર્મચારીઓ પણ નિવૃત્ત થવા લાગ્યા અને હજુ આ વચ્ચેવાળા કર્મચારીના પેન્શનની યોજન મળી ભી નથી. પરિણામે ઓક્ટોબર બાદ નિવૃત્ત થયેલા અનેક કર્મચારી દ્વિધા ભરી સ્થિતિમાં છે.

વાત માત્ર અટકવાની નથી. આ લખાય છે ત્યારે પણ 2005 એપ્રિલ પહેલાના કર્મચારીને પેન્શનમાં ભેળવવા તથા તેમના જિ.પી.એફ. ખાતા ખોલાવ્યાની નિયમબદ્ધ ગાઇડલાઇન બહાર પડી નથી. હા, જેમને હજુ નોકરીના વર્ષ બાકી છે તેમને પ્રશ્ન નડવાના નથી. તેમના એન.પી.એસ. એકાઉન્ટ જી.પી.એફ.માં ટ્રાન્સફર થવાના છે. લગભગ ૧ એપ્રિલ પછી આવા તમામ કર્મચારીનો ફાળો જી.પી.એફ.માં કપાવાની શક્યતા છે. પણ અહી, એક મુદ્દો સરકારે વિચારવો રહ્યો અને તે એ કે જે ઓ મેં મહિનામાં અને આવનારા ડિસેમ્બર  સુધીમાં નિવૃત્ત થાય છે. તેમના એન.પી.એસ.ને જી.પી.એફ.માં ફેરવવા કે નહી? કારણ માત્ર છ બાર મહિના માટે જ તેમનો ફાળો જી.પી.એફ.માં લઇ જવો અને જૂના એન.પી.એસ.માં જે ફાળો થયો હોય તે ત્યાં ફેરવવો આ બધી વહીવટીય કમગીરી કરવાની થાય.

આમ તો આપણી ગુજરત સરકાર તત્કાલ નિર્ણય લેવા અને સમયબદ્ધ અમલ કરવા માટે પોતાને શાબાશી આપે છે. ટાટા નેનોને જમીન ફાળવની હોય કે બુલેટ ટ્રેન માટે જમીન સંપાદન હોય. તે તરત કામ કરે છે, માત્ર આ સરકારી કર્મચારીના મુદ્દામાં થોડી વાર થઇ જાય છે. હશે, આપણે ચિંતા કરવી છે, આ કર્મચારીની જેઓનો પગાર બંધ થયો છે અને પેન્શન શરૂ નથી થયું. વળી, એન.પી.એસ.ના જે રૂપિયા અત્યારે મળ્યા છે તે પણ પાછા ભરવાના થાય તો તૈયાર રહેવાનું. આવા પ્રશ્નો તેમને ઉચાટમાં રાખે છે. 

ગુજરતમાં કર્મચારી મંડળો હવે સાવ સુક્ષુપ્ત અવસ્થામાં રહે છે. તેઓ સત્તા સાથે, શાસન સાથે દ્વિમાર્ગી વ્યવહારને બદલે એક માર્ગી આદેશ પાલન કરતા થઇ ગયા છે. કોઈ આગેવાન આ મુદ્દે સરકાર પાસે ગયા નથી કે આ જૂની પેન્શન યોજનાનો અમલ જડપથી થાય તેવું કરો અને આ નિવૃત્ત કર્મચારીઓને નિયમાનુસાર પેન્શન મળવામાં મોડું થાય તેમ હોય તો વચગાળાની રાહત જેટલું પેન્શન તો ચાલુ કરાવો તેમ નથી બોલતું. નિવૃત્ત કર્મીઓ પણ ‘‘અમે તો થોડા છીએ અમારું કોણ સાભળે?”- નિસાસા નાખી શાંત બેસી રહ્યા છે.

શાસનની કાર્યક્ષમતા ક્યારેક ક્યારેક જોવામાં નથી. પ્રજાને રોજના જીવનમાં તેનો અનુભવ મળવો જોઈએ નેતાઓ  નિસ્બતવાળા હોય, સંવેદનશીલ હોય તો તેમને આ પ્રશ્નમાં રસ લઈને નિવૃત્ત કર્મચારીને રાહત મળી રહે તે વિચારવું જોઈએ અને આવા વહીવટી કામો. સમગ્રલક્ષી નિર્ણયો ઝડપથી અમલી બનાવવા જોઈએ. જો આ પેન્શન યોજના માટે ખાસ રસ લઈને નિયમબદ્ધ પગલાં નહીં લેવાય તો આ સંખ્યા વધતી જ જશે અને શાસનની બિન કાર્યક્ષમતા ફેલાતી જ જશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top