SURAT

પ્યાર મેં કુછ ભી કર જાયેંગે, લોકઅપમાં કેદ પ્રેમીને છોડાવી પ્રેમિકા ભગાડી ગઈ!

સુરતઃ કર્ણાટકથી પ્રેમી યુગલ સુરત ભાગી આવ્યું હતું. જે મામલે કર્ણાટક પોલીસે બંને શોધખોળ શરૂ કરી હતી. બંને સુરત હોવાની જાણ થતાં સુરત પોલીસને જાણ કરી યુગલને લસકાણા વિસ્તારમાંથી પકડી લીધું હતું. બાદ બંનેને પોલીસ સ્ટેશનમાં રાખતાં લોકઅપમાં રાખેલા પ્રેમીને લોકઅપ ચાવી વડે ખોલી ભગાવી જતાં પોલીસ દોડતી થઈ ગઈ હતી.

  • કર્ણાટકથી પ્રેમી યુગલ સુરત ભાગી આવ્યું હતું, સુરત પોલીસે લસકાણા વિસ્તારમાંથી પકડી લીધું
  • લસકાણા પોલીસની બેદરકારીથી ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો હરકતમાં આવ્યો

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરતના લસકાણા વિસ્તારમાં કર્ણાટકથી ભાગી આવેલા એક પ્રેમી યુગલની ઘટનાએ પોલીસ તંત્રને હચમચાવી દીધું છે.

કર્ણાટકના એક પ્રેમી યુગલે પ્રેમની ઝંખનામાં ઘર છોડી સુરતના લસકાણા વિસ્તારમાં આશરો લીધો હતો. પરંતુ યુવતીને ખાનગી હોસ્પિટલમાં તપાસ દરમિયાન ત્રણ મહિનાનો ગર્ભ હોવાનું ખૂલ્યું હતું. દરમિયાન કર્ણાટક પોલીસે ગુનો નોંધી બંનેની શોધખોળ શરૂ કરી હતી. કર્ણાટક પોલીસને બંને લસકાણા વિસ્તારમાં હોવાની બાતમી મળતાં તેમણે સુરતની લસકાણા પોલીસને જાણ કરી હતી.

લસકાણા પોલીસે બંનેને પકડી પાડ્યાં હતાં. યુવકને લોકઅપમાં બંધ કરવામાં આવ્યો હતો. જ્યારે યુવતીને પોલીસ સ્ટેશનની બહાર બેસાડવામાં આવી હતી. પરંતુ મોડી રાત્રે પોલીસ સ્ટેશનમાં કોઈ નહીં હોવાનો લાભ લઈ યુવતીએ ચાવી વડે લોકઅપ ખોલી પોતાના પ્રેમીને લઈ બંને ફરાર થઈ ગયાં હતાં.

સવારે કર્ણાટક પોલીસ બંનેને લેવા માટે સુરત પહોંચી ત્યારે આ ઘટનાની પોલ ખૂલી હતી. લસકાણા પોલીસની આ બેદરકારીથી ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો હરકતમાં આવ્યો અને ફરાર યુગલની શોધખોળ શરૂ કરી હતી. આ ઘટનાએ સુરત પોલીસની કામગીરી સામે સવાલો ઊભા કર્યા છે અને હવે બંનેને પકડી પાડવા માટે સઘન તપાસ ચાલી રહી છે.

Most Popular

To Top