SURAT

પ્રેમીએ કહ્યું તું મરી જા, 17 વર્ષીય સગીરાએ ઝેર પી મરી ગઈ

સુરત: પ્રેમીએ ‘તું મરી જા’ કહેતા કાપોદ્રાની 17 વર્ષની કિશોરીએ ઘઉંમાં નાંખવાની ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવી લીધું હતું. દવા પીધા બાદ બેભાન થઈને ઢળી પડતા પરિવારજનો તેને હોસ્પિટલ લઈને પહોંચ્યા હતા જ્યાં તેણે પરિજનોને એવું કહ્યું હતું કે નિલેશ નામના તેના પ્રેમીએ કહ્યું હતું કે તું મરીજા, જેથી તેણે ઝેરી દવા ગટગટાવી હતી. કિશોરીના પરિજનોની ફરિયાદને આધારે કાપોદ્રા પોલીસે પ્રેમી સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી લીધી છે.

  • સગીરા બાથરૂમમાંથી નાહીને નીકળી ને બેભાન થઈ ઢળી પડી, હોસ્પિટલમાં ખબર પડી કે પ્રેમીના કહેવાથી ઝેર પી લીધું હતું
  • ડોક્ટરે કિશોરીના મરણોત્તર નિવેદનનો વિડીયો બનાવ્યો, પોલીસે 21 વર્ષીય પ્રેમીની ધરપકડ કરી

કાપોદ્રા પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ મૂળ ભાવનગરના વતની પરિવાર હાલ નાના વરાછા વિસ્તારમાં રહે છે. પરિવારમાં 17 વર્ષીય કિશોરીના માતા-પિતા, એક ભાઈ અને એક બહેન છે. માતા-પિતા પ્રાઇવેટ સફાઈ કામદાર તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. સવારના નવ વાગ્યાની આસપાસ કિશોરી બાથરૂમમાં નાહવા માટે ગઈ હતી. ત્યારબાદ બહાર નીકળતા તેને ચક્કર આવતા તે નીચે પડી ગઈ હતી. દીકરી બેભાન થઈને ઢળી પડતા પિતાએ પત્નીને ઘરે આવવા જણાવ્યું હતું. કિશોરીને રિક્ષામાં લઈ પરિવાર હોસ્પિટલ પહોંચ્યો હતો. જ્યાં હોસ્પિટલના તબીબોએ કિશોરીએ દવા પીધી હોવાનું જણાવ્યું હતું.

આ બાબતે પરિવારજનો દ્વારા પણ તપાસ કરવામાં આવતા કિશોરીએ ઘઉંમાં નાંખવાની દવા પીધી હોવાનું જાણવા મળ્યું હતું. ખાનગી હોસ્પિટલમાં કિશોરીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે કાપોદ્રા પોલીસે આત્મહત્યાની દુષપ્રેરણાનો ગુનો નોંધી આરોપી નિલેશ બોરીચાને ઝડપી પાડ્યો છે. નિલેશ મૂળ ભાવનગર જિલ્લાના ગારિયાધારનો રહેવાસી છે.

ડોક્ટરે વિડીયો બનાવ્યો, કોણ નિલેશ? કિશોરીએ કહ્યું મારો ઘરવાળો
17 વર્ષીય કિશોરીએ ઘઉંમાં નાંખવાની ઝેરી દવા ગટગટાવી લેતા તેને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જ્યાં ડોક્ટર દ્વારા કિશોરીની પૂછપરછનો વીડિયો બનાવવામાં આવ્યો હતો. જેમાં કિશોરીએ એવું જણાવ્યું હતું કે, નિલેશે કીધું હતું કે મરીજા. ત્યાર બાદ ડોક્ટરે પૂછ્યું કે કોણ નિલેશ? તો કિશોરીએ કહ્યું કે, મારો ઘરવાળો છે. ત્યારબાદ ડોક્ટરે આ વીડિયો પિતા અને માતાને દેખાડ્યો હતો.

નિલેશે કહ્યું મારી અન્ય છોકરી સાથે સગાઈની વાત ચાલે છે ને
ઘટના અંગે વધુ માહિતા આપતા કાપોદ્રા પોલીસે કિશોરીના ડાઈંગ ડિક્લેરેશનના આધારે નિલેશની શોધખોળ કરી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, છેલ્લા બે-ત્રણ વર્ષથી કિશોરી અને 21 વર્ષીય નિલેશ બોરીચા વચ્ચે પ્રેમસંબંધ હતો. ગઈકાલે બંને વચ્ચે કોલ પર વાત થઈ હતી.

દરમિયાન નિલેશે પોતાની સગાઈની અન્ય છોકરી સાથે વાત ચાલી રહી હોવાનું કિશોરીને જણાવ્યું હતું. જેથી કિશોરીએ નિલેશને પોતાની સાથે સગાઈ કરવા માટે જણાવ્યું હતું. નિલેશે ના પાડતા કિશોરીને માઠું લાગી આવ્યું હતું.

Most Popular

To Top